ઓફબીટ:‘કાન’નો જન્મદિવસ ઊજવતા એ અવાજો…
સં ગીત ગમતું જ ન હોય એવા માણસો પર ભરોસો મૂકવા જેવો જ નથી. સંગીત જીવનના આનંદને વધુ ઘનિષ્ઠ અને ઓતપ્રોત બનાવે છે. ગાતાં ન આવડતું હોય એવો માણસ પણ પૂરા આત્મવિશ્વાસથી ગાતો હોય તો એના જેવો નવાબી માણસ બીજો કોઈ નથી. ગાતાં નથી આવડતું એની ખબર હોવા છતાં જે પોતાના ઉમળકાને રોકી શકતો ન હોય એવો સુખી શોધ્યો જડે એવો નહીં હોય!
શબ્દના આનંદને જે સૂરમાં ઢાળીને આનંદી શકે એ માણસ બધી જ યાતનાઓને જીતી અને જીરવી શકે. ઘણાંને ગાતાં નથી આવડતું એની ખબર નથી હોતી છતાં સંગીતને માણે છે. એવા લોકોને પણ જોયાં છે જે આખી જિંદગી સંગીતની ખૂબ નિકટ હોય છતાંય ગાવાની હિંમત ન કરે! બાથરૂમમાં પણ ગણગણવાની ભૂલ ન કરે! ઘણાં એવાંય છે જે ગેલમાં આવ્યાંનું બહાનું શોધીને સીધા ગાવા પર આવી જાય. સંગીત ખરબચડી જિંદગી પર માતાની જેમ માથા પર સુંવાળો હાથ ફેરવે છે. આત્માની સુગંધ જેના સૂરમાંથી આવે એવા કલાકારો કાનથી હૃદયની આરપાર આપોઆપ નીકળી જાય!
કવિના શબ્દનું સંગીત તરજ બનીને આગળ વધે છે ત્યારે કલાને ઓપ મળે છે. ફિલ્મ સંગીત એ જીવન દર્શનની આધ્યાત્મિક ટોચ છે. Lyric લખવા ખૂબ મહેનતનું કામ છે. ફિલ્મોમાં ગીતનો ઉપયોગ વાર્તાને આગળ વધારવા માટે કરવામાં આવતો! સંગીતપ્રધાન ફિલ્મોનો જાજરમાન જમાનો હતો. ટ્યૂન એવી બનતી કે સાંભળતા જ યાદ રહી જાય. ફિલ્મની વાર્તા પ્રમાણે શબ્દો લખાતા, તરજ બનતી, ગવાતાં અને શૂટ થતાં!
આજે કદાચ ફિલ્મનું નામ યાદ ન હોય, વાર્તા યાદ ન હોય, કોણે અભિનય કર્યો છે એ યાદ ન હોય પણ એ જ ફિલ્મનું ગીત આજે પણ સ્મૃતિમાં તરોતાજા હોય. વળી, ગીત સાંભળતા એ જ ગીત સાથે જીવાઈ ગયેલો આપણા જીવનનો હિસ્સો પણ અકબંધ મળી આવે! Playback Singing - પાર્શ્વગાયન ઈશ્વરદત્ત હોય છે. બહુ ઓછા અવાજો સાતત્ય સાથે સફળ થયા છે. એ અવાજોએ ખૂબ મહેનત અને રિયાઝ સાથે જિંદગીનો નિચોડ સમાજને સમર્પિત કર્યો છે.
હિન્દી ફિલ્મ સંગીતના એ પાર્શ્વ ગાયકો આખા વિશ્વ સામે ભારતીય સંગીતને અદનો દરજ્જો અપાવે છે. જૂની ફિલ્મનાં ગીતો સાંભળતાં આજે પણ તરોતાજા થઈ જવાય છે. ઓછાં સાધનો સાથે, રાત-દિવસ એક કરીને એ સમયે કલાકારોએ સંગીત અને શબ્દને પ્રાધાન્ય આપ્યું. સમાજના જીવનમાં સાચા અર્થમાં સંગીતથી પ્રાણ પૂર્યા.
એ ગીતો આજે પણ સાંભળીએ છીએ ત્યારે ભાવવિભોર થવાય છે. ફિલ્મમાં રેકોર્ડ થયા પછી એ ગીતોના live કાર્યક્રમો પણ એટલા જ જીવંત રહ્યા. મૂળ પાર્શ્વ ગાયકો બાદ અનેક, અસંખ્ય ગાયક કલાકારોએ એટલી જ ખૂબીથી એ ગીતોને રજૂ કરી લાડ લડાવ્યાં. એ ગાયકોને પણ સમાજે ખૂબ માન-સન્માન આપ્યું.
આજે એ યુગના તમામ કલાકારો લગભગ સ્ટેજ પરથી અદૃશ્ય થઈ ગયા છે. એ સમયના એ મુખ્ય કલાકારોને યાદ કરીને એક ગીત લખાયું છે. એ કલાકારોને આ ગીત દ્વારા આપણે પણ હૃદયથી ભેટીએ. એમના અવાજને મનોમન વંદન કરીએ...
એ ગીતોની મોજ જુદી છે,
સાંભળશો તો રોજ જુદી છે.
સરસ્વતી વીણા લઈ જાગે,
જ્યારે લતાજી ગાતાં લાગે.
સુગંધમાં અજવાળું થાતું,
આશાજીનું ગીત ગવાતું.
સાગરમાં લહેરોની વસ્તી,
મન્નાડેમાં મોજની હસ્તી.
કંઠ પહાડી, ઠાઠ ગુલાબી,
રફી સાહેબની વાત નવાબી.
શમશાદ બેગમનું સત,
સુરૈયા ને ગીતા દત્ત.
જીવનના રંગો શરમાતા,
કિશોર’દા જ્યારે છલકાતા.
સાત સૂરોનો અભિષેક બસ,
મુકેશજીમાં મહેશ એકરસ.
વસંત ગાતી લાગે ત્યારે,
હેમંત’દા પાસે હો જ્યારે.
સ્ટેજ ઉપરથી પસાર થઈને,
નવા સ્મરણનો પ્રાંત થયા છે,
કાનનો જન્મદિવસ ઊજવતા,
એ અવાજો શાંત થયા છે. ઑન ધ બીટ્સ
રાખું છું પણ હિસાબ કદી માંગતો નથી,
સામેથી હું ગુલાબ કદી માંગતો નથી.
- શૈલેષ ગઢવી
Read Original Article →