ગતકડું:પાનની પંચાત, પિચકારી અને પરેશાની
ડૉ. પ્રકાશ દવે દુ નિયાના દેશો વિશે ભણાવતાં ભણાવતાં શિક્ષકે ઓચિંતા બૂમ પાડી, ‘જાપાન લઇ આવ.’
એક વિદ્યાર્થીએ દોટ મૂકી અને થોડી વારમાં પાછો આવ્યો અને સાહેબ સામે હાથ લાંબો કર્યો.
‘આ શું લઈ આવ્યો?’ શિક્ષકે આશ્ચર્યથી પૂછ્યું.
‘પાન… અમારી દુકાનેથી લાવ્યો છું. મારા પપ્પાએ કહ્યું છે કે સાહેબના પૈસા નથી લેવાના.’ વિદ્યાર્થી નિર્દોષતાથી બોલ્યો.
‘તને પાન લાવવાનું કોણે કહ્યું હતું?’ શિક્ષકે સોપારી જેવા કડક અવાજે પૂછ્યું.
‘તમે.. તમે જ સાહેબ કહ્યું હતું ને કે જા પાન લઈ આવ.’ વિદ્યાર્થીએ ટૂટીફૂટી જેવા નિર્દોષ અવાજે કહ્યું.
‘અરે, ભાઈ મેં તને પાન લાવવાનું કહ્યું નહોતું. જાપાન લઇ આવ એમ કહ્યું હતું. બાજુના ક્લાસમાંથી જાપાનનો નકશો લાવવાનો હતો ભાઈ!’ શિક્ષકે આ ઘટના પછી પાન ખાવાનું છોડી દીધું!
પાન શબ્દ બહુ મજાનો છે. પહેલાં પાન શબ્દ સાંભળીએ એટલે ખાવાનું પાન યાદ આવતું. બહુ બહુ તો વૃક્ષનું પાન યાદ આવતું. બાળકની છઠ્ઠીના દિવસે ‘ઓળી ઝોળી પીપળ પાન…’ એવું ગાઈને પાનને યાદ કરાતું. હિન્દી ફિલ્મવાળાએ તો ‘પાન ખાયે સૈયાં હમારા’ એવું ગીત જોડી કાઢ્યું હતું. જોકે, આ ગીતના આધારે એમ પણ કહી શકાય કે ત્યારે મોટાભાગે સૈયોં જ પાન ખાતો અને મેડમ બેઠાં બેઠાં સૈયાંએ પાન ખાધું એનું આવાં ગીતો ગાઈને પ્રાઉડ ફીલ કર્યા કરતાં! પણ એ આડ વાત થઈ. આપણે અહીં સૈયાંની નહી પણ પાનની વાત કરીએ છીએ. હિન્દી ફિલ્મોમાં પ્રાણ અને પાન બંનેનો એક જમાનો હતો. એવી ફિલ્મ પણ આવી ગઈ જેમાં વિલનને ફિલ્મના આરંભથી અંત સુધી માત્ર પાન જ ચાવવાનું અને હિરોઈનને લલચાવવાનું કામ જ કરવાનું રહેતું!
પાનનું મોંઢામાં એક ચોક્કસ સ્થાન હોય છે. ત્યાંથી પાનને સ્થાનભ્રષ્ટ કરી શકાતું નથી. અમુક પાન ખાનાર જમણા ગલોફામાં પાન રાખે છે તો અમુક ડાબા ગલોફામાં. પણ એકવાર પાન જ્યાં ગોઠવ્યું ત્યાંથી કર્મચારીની જેમ વારેવારે બદલી નથી કરી શકાતી.
મારો મિત્ર મગન માને છે કે પાન પ્રત્યેના આપણા આ લગાવને કારણે જ પાનકાર્ડનો જન્મ થયો છે! આકર્ષણનો નિયમ કહે છે કે જે વસ્તુનું ચિંતન કરવામાં આવે એ વહેલાં-મોડું પ્રાપ્ત થાય જ છે. બાળપણથી જ પાન (ખાવા)નું આ સપનું અંતે પાનકાર્ડ સ્વરૂપે સાકાર થયું છે. માત્ર પાનકાર્ડ જ નહીં તમારી પાસે જે જે કાર્ડ છે એની પાછળ પણ આકર્ષણનો નિયમ કામ કરી રહ્યો છે.
પાન ખાવું એ એક કલા છે. જોકે પાન જ ન ખાવું એ એક સાધના છે. તમારે કલા અને સાધના બેમાંથી એકની પસંદગી કરવાની રહે છે. પાન ખાતાં પહેલાં એ કેમ ખવાય એ શીખવું જરૂરી છે. મોટાભાગે નવો પાન ખાનારો જૂનાં પાન ખાનારાને જોઈને અનુકરણ કરીને જ પાન ખાતાં શીખે છે. પરિણામે પાન ખાવાની સાચી રીત જાણી શકાતી નથી. પાન બનાવનાર પાસે પ્રેક્ટિકલી એ બતાવવાનો સમય હોતો નથી. અને સાચી વાત તો એ છે કે પાન બનાવવું એ પણ કલા છે! પાનની પિચકારી મારવી એ પાન ખાવાના આખાય કાર્યક્રમની સૌથી વિશિષ્ટ બાબત બની રહે છે. ઘણાં લોકો તો એટલાં પાન ખાતાં હોય છે કે એમણે મારેલી પિચકારીથી એક મોટો હોજ ભરાય!
કલાત્મક રીતે પિચકારી મારવી એ શીખવા જેવી બાબત છે! પિચકારી મારતાં ન આવડતી હોય એવી પાન ખાનારી વ્યક્તિ માટે પિચકારી એ બૂમરેંગ સાબિત થાય છે. પાનની પિચકારી જોઈને ધુળેટીવાળી પિચકારીની શોધ થઈ કે ધુળેટીવાળી પિચકારી જોઈને પાનની પિચકારીની શરૂઆત થઈ એ એક સંશોધન કરવા જેવી બાબત છે.
પિચકારી મારવા માટે પાનમાં રસ હોવો એ અનિવાર્ય બાબત છે. ‘બનારસવાલા’ પાન ખાવાથી બંધ અક્કલનું તાળું ખુલી જતું હશે, પણ ‘બિના રસવાલા’ પાન ચાવવાથી તાળવું ફૂલી જાય છે!
સરકાર દ્વારા અપાયેલા પાનકાર્ડનો ઉપયોગ માત્ર નાણાંકીય બાબત માટે જ થઈ શકે છે પણ ઘણાં લોકો કોઈ વ્યક્તિ સાથે સંબંધ ગાઢ બનાવવા ‘પાન’કાર્ડનો ઉપયોગ કરે છે. ઘેર આવતા મહેમાનોને આપણે ત્યાં ચા પીવડાવવાનો રિવાજ છે. પણ બજારમાં જ મળી જતા સ્નેહીને પાન ખવડાવવાથી ઘેર ચા પીવડાવ્યા જેટલો સત્કાર કર્યો ગણાય છે.
અત્યારે પાન કરતાં માવાનું ચલણ વધ્યું છે. માવા સહેલાઈથી મળી જાય છે પણ પાન એટલી આસાનીથી નથી મળતાં. કોઈએ એક ગલ્લે જઈને આ સવાલ કર્યો તો વેપારીએ જવાબ આપતાં કહ્યું, ‘તમારી વાત સાચી છે કે પાન કરતાં માવા આસાનીથી મળી જાય છે, પણ અમારે તો પાન હોય કે માવા, એ જ વેચીએ જેમાં મળે પૈસા કમાવા!’
Read Original Article →