રેઈનબો:ડેવી લેમ્પ: મજૂરોનો મસીહા
રક્ષા શુક્લ એક યુવકે મધરાતે નાના ફાનસ સાથે પર્વત ચડતા વૃદ્ધને પૂછ્યું, ‘આટલા નાનકડા ફાનસના ઓછા પ્રકાશમાં દસ માઈલ ઉપર કઈ રીતે જઈ શકશો?’
અનુભવી વૃદ્ધે કહ્યું, ‘એક ડગલા સુધી પ્રકાશ પડતો હોય, તો પણ અંધારામાં આખા જગતની પરિક્રમા કરી શકાય; કારણ કે તમે એક ડગલું આગળ ભરો ત્યાં તો બીજું એક ડગલું ભરવાનો માર્ગ પ્રકાશિત થઈ જાય છે.’
આવું ફાનસ ઘરમાં કદાચ ઓછો પ્રકાશ આપતું હતું, પણ... એ જમાનામાં માણસોનાં દિલમાંથી સચ્ચાઈ, નિર્દોષતા અને પ્રેમનો અમૃતમય પ્રકાશ ચારેકોર રેલાતો રહેતો. સાંજ પડે એટલે રસોડામાં સૂરજની ગરજ સારતા ફાનસના અજવાળામાં અને ચૂલાની આગના નર્તન કરતા અજવાળામાં બહેન, મા કે ભાભી આખા પરિવારની પેટપૂજાનો બંદોબસ્ત કરતી. રસોઈ બાદ એ જ ફાનસને ઘરની ઊંચી જગ્યાએ લટકાવી દેવાતું, જેથી આખા ઓરડામાં તેનો મંદ પ્રકાશ છવાયેલો રહેતો. વીજળીની આવનજાવન વચ્ચે પણ ફાનસનો દબદબો અકબંધ રહેતો.
જોકે, આજે જનસામાન્યના જીવનદીપ વિશે વાત કરવી છે. ‘ડેવી લેમ્પ’ એ સર હમ્ફ્રી ડેવી દ્વારા સંશોધિત, કોલસાની ખાણમાં કામ કરતા ખાણિયાઓની સલામતી માટેનું એક વિશેષ સુરક્ષા ફાનસ છે. આ એક વિશિષ્ટ દીવો છે જેમાં એક વાટ હોય છે, જેની જ્યોત જાળીદાર પડદાની અંદર બંધ હોય છે. તે કોલસા વગેરે જેવી જોખમી ખાણોમાં, મિથેન જેવા જ્વલનશીલ વાયુઓની હાજરીમાં ખુલ્લી જ્યોતથી થતા વિસ્ફોટોને રોકવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ડેવી લેમ્પ દ્વારા ખાણિયાઓની સલામતીમાં મોટી ક્રાંતિ આવી હતી. મુખ્યત્વે કોલસાની ખાણોમાં ઉપયોગ માટે આ લેમ્પ બનાવવામાં આવ્યો હતો, જેથી મિથેન અને અન્ય જ્વલનશીલ વાયુઓની હાજરીને કારણે થતા વિસ્ફોટનું જોખમ ઘટે, જેને ‘ફાયરડેમ્પ’ અથવા ‘માઇનડેમ્પ’ કહેવાય છે.
યુવાન વયે જ્યારે ડેવીએ ખાણિયા મજૂરોના મોતના સમાચાર વાંચેલા ત્યારે તેઓ હચમચી ગયેલા અને તેમના માટે કંઈક કરવાની મનમાં ગાંઠ વાળેલી. તેઓ મૂળ સાહિત્યના જીવ હતા, પણ અભ્યાસ વિજ્ઞાન પ્રવાહમાં કર્યો. તેમણે જેન એપ્રીસ સાથે લગ્ન કર્યા, જેણે ડેવીને વિજ્ઞાનમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. તેમણે સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવાં તત્વો શોધ્યાં. મેગ્નેશિયમ, બોરોન અને બેરિયમને અલગ પાડનારા તેઓ પ્રથમ વ્યક્તિ હતા.
3 નવેમ્બર 1815 ના રોજ સર હમ્ફ્રી ડેવી દ્વારા ખાનગી રાખવામાં આવેલો એક પત્ર જેમાં ડેવી લેમ્પની શોધનાં તારણો અને સલામતી લેમ્પ માટેનાં સૂચનોનું વર્ણન કરવામાં આવ્યું હતું, તેને ન્યૂકેસલમાં એક બેઠક દરમિયાન જાહેર કરવામાં આવ્યો. સર હમ્ફ્રી ડેવીએ 9 જાન્યુઆરી 1816ના રોજ હેબર્ન કોલિયરી ખાતે વાયરની ચાળણી સાથે ડેવી લેમ્પનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું.
લંડનમાં રોયલ સોસાયટીની બેઠકમાં લેમ્પનું વર્ણન કરતો એક પેપર ઔપચારિક રીતે રજૂ કરાયો. તેના માટે હમ્ફ્રી ડેવીને સોસાયટીનો ‘રમફોર્ડ મેડલ’ એનાયત કરવામાં આવ્યો હતો. ડેવીનો લેમ્પ સ્ટીફન્સન કરતાં ઘણો અલગ હતો, કારણ કે તેની જ્યોત જાળીના પડદાથી ઘેરાયેલી હતી. ડેવીને આ શોધ માટે £2,000 મૂલ્યની ચાંદી ભેટ આપવામાં આવી હતી. 1806ના બેકરિયન લેક્ચર ‘ઓન સમ કેમિકલ એજન્સીઝ ઓફ ઇલેક્ટ્રિસિટી’ને ‘રસાયણશાસ્ત્રના સિદ્ધાંતને સમૃદ્ધ બનાવનાર શ્રેષ્ઠ સંસ્મરણોમાંનું એક’ ગણાવવામાં આવ્યું છે. સર હમ્ફ્રી ડેવી, પ્રથમ બેરોનેટ એક બ્રિટીશ રસાયણશાસ્ત્રી અને શોધક હતા, જેમણે ડેવી લેમ્પ અને આર્ક લેમ્પના ખૂબ જ પ્રારંભિક સ્વરૂપની શોધ કરી હતી. 1799માં, તેમણે નાઈટ્રસ ઓક્સાઇડ પર પ્રયોગ કર્યો અને તે કેવી રીતે લોકોને હસાવે છે તે જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે તેને ‘લાફિંગ ગેસ’ નામ આપ્યું અને શસ્ત્રક્રિયા દરમિયાન પીડાને દૂર કરવા માટે એનેસ્થેટિક તરીકે તેની ક્ષમતા વિશે લખ્યું.
ડેવી બેરોનેટ હતા. બેરોનેટ એટલે બ્રિટિશ સન્માન પ્રણાલીમાં નાઈટહુડ (એક ઈલ્કાબ)થી ઉપર અને બેરન (ઉમરાવ)થી નીચેનો એક વારસાગત માનદ ખિતાબ. બેરોનેટ પદવીધારકને ‘સર’ કહીને સંબોધવામાં આવે છે અને તે સામાન્ય રીતે પુરુષ વારસદારને મળે છે. ડેવીએ માનવ પ્રયાસો અને મૃત્યુ, તત્વમીમાંસા, ભૂસ્તરશાસ્ત્ર, કુદરતી ધર્મશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર જેવાં જીવનનાં અનેક પાસાંઓ પર લેખન કર્યું હતું. ડેવી લેમ્પની જ્યોતને ધાતુની જાળી વડે ઢાંકવામાં આવે છે, જે ગરમીને ફેલાવી દે છે અને બહારના જ્વલનશીલ વાયુઓ સુધી જ્યોતને પહોંચવા દેતી નથી, આમ વિસ્ફોટ અટકાવે છે.
જો મિથેન વાયુની હાજરી ખાણમાં હોય, તો લેમ્પની જ્યોત વાદળી થઈ જાય છે, જે ખાણિયાઓને જોખમની ચેતવણી આપે છે. વળી ઓક્સિજન ઓછો હોય તો લેમ્પની જ્યોત ઝાંખી પડે છે અથવા ઓલવાઈ જાય છે. આમ, આ લેમ્પે ખાણમાં કામદારો માટે જોખમી વાતાવરણમાં પણ સલામત પ્રકાશ પૂરો પાડીને મોટી દુર્ઘટનાઓ અટકાવી હતી.
ડેવી સાહિત્યના પણ ઉત્તમ વાચક હતા. કવિતા એક એવી ઋતુ છે, જેને કદી પાનખર આવતી નથી. ડેવીએ કવિ તરીકે નિજાનંદ માટે 160 થી વધુ કવિતાઓ લખી હતી, જે શાસ્ત્રીય બંધારણ સાથેની ઉત્તમ કવિતાઓ હતી. તેમની લખેલી મોટાભાગની કવિતાઓ પ્રકાશિત થઈ ન હતી, છતાં સાહિત્ય ભાવકો સુધી પહોંચી ચૂકી હતી. કામ કરીને થાકે ત્યારે તેમનો આરામનો ઓટલો કવિતા હતી.
સૌંદર્ય અને સમાજ તેમની કવિતામાં સતત પડઘાતાં હતાં. જો તેમણે કવિતાને થોડો વધુ સમય આપ્યો હોત, તો દુનિયાને એક શ્રેષ્ઠ કવિ પણ મળી શક્યા હોત. બ્રિટિશ ફિઝિશિયન જ્હોન આયર્ટન પેરિસે તેમની કવિતાઓ સંદર્ભે ટિપ્પણી કરી હતી કે, ‘યુવાન ડેવી દ્વારા લખાયેલી કવિતાઓ ઉચ્ચ પ્રતિભાની મહોર ધરાવે છે.’
My bosom burns with no unhallow’d fire,
Yet is my cheek with rosy blushes warm,
Yet are my eyes with sparkling lustre fill’d,
Yet is my mouth replete with murmuring sound. ઇતિ
સાપને દાંતમાં, માખીને માથામાં અને વીંછીને પૂંછડીમાં ઝેર હોય છે, પણ દુર્જનને તો અંગે-અંગમાં ઝેર હોય છે. - ચાણક્ય
Read Original Article →