સાયબર સિક્યુરિટી:હોટેલ બુકિંગ સ્કેમ, વેકેશનની મજા સજા ન બને
કેવલ ઉમરેટિયા ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને સાથે લોકોનું ટ્રિપ પ્લાનિંગ પણ ચાલુ જ હશે. કેટલાય લોકો તો ટ્રિપ પર ઉપડી પણ ગયા હશે. આજના સમયમાં ટિકિટથી લઈને હોટેલ બુકિંગ સુધીનું બધું જ આપણા સ્માર્ટફોન પર એક ક્લિકમાં થઈ જાય છે. પરંતુ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે આ ક્લિક મોંઘી ન પડે અને વેકેશનની મજા ક્યાંક સજા ન બની જાય.
વેકેશનની આ સીઝનમાં ‘ફેક હોટેલ બુકિંગ સ્કેમ’ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દિલ્હી સાયબર પોલીસે તાજેતરમાં જ એક એવી ગેંગને પકડી છે, જે JW Marriott, Taj અને Hyatt જેવી મોટી અને નામાંકિત હોટેલોમાં બુકિંગના નામે લોકો સાથે ફ્રોડ કરતી હતી. ત્યારે આવો જાણીએ કે આ ભેજાબાજો કેવી રીતે જાળ બિછાવે છે. કેવી રીતે ચાલે છે આ આખો ખેલ?
જાહેરાત: આ છેતરપિંડીની શરૂઆત મોટેભાગે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા વોટ્સએપ પર દેખાતી આકર્ષક જાહેરાત (Ad)થી થાય છે. આ જાહેરાતોમાં કોઈ આલીશાન 5-સ્ટાર હોટેલ, રિસોર્ટ કે વિલાના સુંદર ફોટા બતાવવામાં આવે છે અને દાવો કરવામાં આવે છે કે ‘50%થી 70% સુધીનું ડિસ્કાઉન્ટ!’ અથવા ‘લિમિટેડ સમય માટે સ્પેશિયલ સમર ઓફર.’ સામાન્ય માણસ સસ્તાની લાલચમાં આવીને તરત જ આ જાહેરાત પર ક્લિક કરી બેસે છે.
નકલી વેબસાઇટ: જેવા તમે તે લિંક પર ક્લિક કરો એટલે તરત જ કોઇ જાણીતી હોટેલની આબેહૂબ વેબસાઇટ ખુલે છે. જે હકીકતમાં તો નકલી હોય છે. ગઠિયાઓ હવે AIની મદદથી એવી વેબસાઇટ્સ બનાવે છે કે અસલી અને નકલી વચ્ચેનો ફરક કરવો મુશ્કેલ છે.
ખોટી ઉતાવળ: વેબસાઇટ પર લાલ અક્ષરે એક મેસેજ આવે છે ‘આ ભાવે માત્ર એક જ રૂમ બાકી છે!’ અથવા ‘ઓફર આગામી 10 મિનિટમાં પૂરી થઈ જશે.’ આ ડર તમને વિચારવાનો કે સમજવાનો કોઈ મોકો જ નથી આપતો અને તમે તરત જ બુકિંગ કરવાની ઉતાવળમાં આવી જાઓ છો.
પેમેન્ટમાં સૌથી મોટો ખેલ: જ્યારે તમે પેમેન્ટ પેજ પર જાઓ છો, ત્યારે આ ભેજાબાજો તમને ક્રેડિટ કાર્ડ કે સુરક્ષિત પેમેન્ટ ગેટવેનો વિકલ્પ આપવાને બદલે, સીધા કોઈ વોટ્સએપ નંબર પર ચેટ કરવાનું કહે છે. ત્યાં બેઠેલો કોઈ ‘નકલી એજન્ટ’ તમને સીધા કોઈ બેંક ખાતામાં પૈસા નાખવાનું અથવા UPI (Google Pay, PhonePe) સ્કેન કરીને પેમેન્ટ કરવાનું કહે છે. હકીકતનો સામનો અને હેરાનગતિ
એડવાન્સ પેમેન્ટ કર્યા પછી તમને એકદમ પ્રોફેશનલ દેખાતી PDF બુકિંગ રિસિપ્ટ પણ મળી જાય છે. પરંતુ અસલી ઝટકો ત્યારે લાગે છે, જ્યારે તમે તમારો બધો સામાન લઈને ખુશીથી એ હોટેલના રિસેપ્શન પર પહોંચો છો. હોટેલ મેનેજર તમને જણાવે છે કે આવું કોઈ બુકિંગ તેમની સિસ્ટમમાં છે જ નહીં! ત્યાં સુધીમાં પેલા નકલી એજન્ટનો નંબર પણ સ્વિચ ઓફ થઈ ચૂક્યો હોય છે. તમારા પૈસા અને વેકેશનનો રોમાંચ, બંને મરી જાય છે. આ છેતરપિંડીથી કેવી રીતે બચવું?
‘Too Good to be True’થી ચેતો: જો કોઈ ડીલ એટલી સસ્તી હોય કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે, તો સમજી લેજો કે તે 100% નકલી છે.
વેબસાઇટનો URL ધ્યાનથી ચેક કરો: હંમેશાં સત્તાવાર (Official) વેબસાઇટ પરથી જ બુકિંગ કરો. URLમાં સ્પેલિંગની ભૂલ ચેક કરો (જેમ કે tajhotelsની જગ્યાએ taajhotels લખેલું હોવું).
સીધા બેંક ખાતામાં પેમેન્ટ ન કરો: કોઈ પણ અસલી હોટેલ કે નામાંકિત ટ્રાવેલ કંપની (MakeMyTrip, Agoda, Booking.com વગેરે) તમારી પાસે સીધા કોઈ વ્યક્તિના ખાતામાં કે વોટ્સએપ પર UPI દ્વારા પૈસા નથી માંગતી. હંમેશાં સુરક્ષિત પેમેન્ટ ગેટવેનો જ ઉપયોગ કરો.
ક્રોસ-ચેક કરો: બુકિંગ કરતાં પહેલાં વેબસાઇટ અથવા મેપ પરથી એ હોટેલનો લેન્ડલાઇન અથવા સત્તાવાર નંબર મેળવો (જાહેરાતવાળા નંબર પર કૉલ ન કરો) અને સીધો ફોન કરીને કન્ફર્મ કરો કે આવી કોઈ ઓફર ચાલી રહી છે કે નહીં.
રિવ્યૂ વાંચો: માત્ર જાહેરાત પર આંખ બંધ કરીને ભરોસો ન કરો, ગૂગલ કે ટ્રિપએડવાઇઝર (TripAdvisor) પર જઈને લોકોના અસલી રિવ્યૂ ચોક્કસ વાંચો.
વેકેશન શાંતિ અને ખુશી માટે હોય છે, તેને સાયબર ગઠિયાઓનો શિકાર ન થવા દો. બુકિંગ કરતી વખતે દાખવેલી થોડી સમજદારી અને સતર્કતા તમને મોટા નુકસાનથી બચાવી શકે છે. જો કમનસીબે તમારી સાથે આવી કોઈ છેતરપિંડી થાય છે, તો તરત જ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરો અથવા cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો.
Read Original Article →