ફૂટબોલ વૉર:ફૂટબોલે યુદ્ધો પણ કરાવ્યાં છે
અમેરિકા ખંડના નકશામાં ઉપરથી નીચે નજર કરીએ અને નીચેથી ઉપર નજર કરીએ. વચ્ચે જ્યાં નજર ભેગી થાય ત્યાં નાના એવા બે દેશો આવેલા છે. નામ હોન્ડુરાસ અને અલ સાલ્વાડોર.
1969ની 14મી જુલાઈએ સાલ્વાડોરના લશ્કરે હોન્ડુરાસ પર હુમલો કરી દીધો. બન્ને દેશો વચ્ચે ખટરાગ તો પહેલેથી હતો, પણ કોઈ નક્કર કારણ મળે ત્યારે બાખડી લેવાનું મન ઝાલ્યું જલાતું ન હતું. એ પ્રસંગ 1969માં આવ્યો.
સાલ્વાડોર પાસે 8 હજારની સેના અને 11 (આજે રમકડાં જેવાં લાગે એવાં) ફાઈટર વિમાન હતાં. હોન્ડુરાસ પાસે માંડ 2500 સૈનિકો પણ 23 ફાઈટર વિમાન હતાં. લડાઇ આરંભાઈ. સાલ્વાડોરની રણગાડીઓ તો હોન્ડુરાસની સરહદમાં પણ ઘૂસી ગઈ. સોએક કલાક પછી ‘ઓર્ગેનાઈઝેશન ઓફ અમેરિકી સ્ટેટ્સ (ઓએએસ)’ના નેતાઓએ કહ્યું કે આવાં ફાલતુ કારણોસર લડવાનું ન હોય, બંધ કરો. બન્ને દેશો મને-કમને સહમત થયા અને તલવારો મ્યાન થઈ. ઇતિહાસમાં 100 અવર વૉર (100 કલાકનું યુદ્ધ) તરીકે ઓળખાતા સંઘર્ષનું બીજું નામ ફૂટબોલ વૉર કે સોકર વૉર પણ છે, કારણ કે બન્ને દેશો ફૂટબોલ જેવા કારણે લડ્યા હતા. એટલું જ નહીં. 2 હજારથી વધારે મોત પણ થયાં.
બન્ને દેશો વચ્ચે ડખા તો ઘણા હતા, પણ આગ ચાંપવાનું કામ 1970ના વર્લ્ડકપ પહેલાં યોજાયેલા ક્વોલિફાયર રાઉન્ડે કર્યું. એ વખતે બન્ને દેશના ચાહકો એટલા બધા તાનમાં આવી ગયા કે મારા-મારી, તોડફોડ અને ગાળાગાળી પર ઉતરી આવ્યા. છેવટે બન્ને દેશની સરકારે એકબીજા સામે યુદ્ધ કર્યું અને ચાર દિવસ પછી શાંત પણ પડ્યા. મેસીની માથાકૂટ
હોન્ડુરાસ-અલ સાલ્વાડોરનો ડખો જૂનો છે, પણ છેલ્લો નથી. ફૂટબોલ ઉન્માદની રમત છે. ખેલાડીઓમાં હોય એનાથી અનેકગણો વધારે ઉન્માદ ચાહકોમાં હોય છેે અથવા તો એમ કહીએ કે જેમનામાં ઉન્માદ ન હોય એ ફૂટબોલ ચાહક બની જ ન શકે.
ચાહકોના ઉન્માદનો એવો જ કેસ હમણાં ફેબ્રુઆરી 2024માં હોંગકોંગમાં નોંધાયો હતો. હોંગકોંગ અને માયામીની ટીમ વચ્ચે મેચ હતી. મેચ ફ્રેન્ડલી હતી એટલે મેદાનમાં ઓછી સ્પર્ધા જોવા મળે એવી શક્યતા હતી, પણ સ્પર્ધા મેદાનની બહાર યોજાઈ.
માયામીની ટીમના એક ખેલાડીનું નામ લિયોનેલ મેસ્સી. આર્જેન્ટિનાનો એ ફૂટબોલ સ્ટાર. તેને રમતો જોવા ચાહકોએ 624 ડૉલર (એ વખતના હિસાબે 52 હજાર રૂપિયા) સુધીની ટિકિટો લીધી હતી, પણ મેચમાં મેસી રમ્યો જ નહીં. ચાહકો વિફર્યા અને તોડફોડ કરી. ન રમવા માટે મેસીએ અસ્વસ્થ હોવાનું કારણ આપ્યું હતું. જોકે, એ જ મેસીએ ચાર દિવસ પછી જાપાનમાં મેચ રમવાનું પસંદ કર્યું હતું.
અલબત્ત, જાણકારો કહે છે કે મેચ ન રમવાનું ખરું કારણ ચીનનું દબાણ હતું. હોંગકોંગને ચીન પોતાનો ભાગ ગણે છે, ત્યાં ચીનની ઈચ્છા વગર ચકલું ભલે ફરકે પણ ફૂટબોલ મેચ રમાય અને એમાં આવો મોટો સ્ટાર આવે તો હોંગકોંગની બોલબાલા વધે. ચીનને એ પસંદ ન હતું. ગુજરાતીએ સ્થાપેલી ફૂટબોલ ક્લબ
ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતા થોડી થોડી વધી રહી છે. તો પણ 211 દેશોના ફૂટબોલના વર્લ્ડ રેન્કિંગમાં ભારતનો ક્રમ 136મો છે. રસપ્રદ વાત એ છે કે છેક 1896માં એક ગુજરાતીએ દક્ષિણ આફ્રિકામાં ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી. એ ગુજરાતીનું નામ મોહનદાસ ગાંધી.
આફ્રિકા પહોંચેલા મોહનદાસે ટ્રાન્સવાલમાં ફૂટબોલ ક્લબ સ્થાપી. 54 દેશ ધરાવતા અને 3 કરોડ ચોરસ કિલોમીટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલા આફ્રિકા ખંડમાં એ પહેલી એવી ફૂટબોલ ક્લબ હતી જેના સંચાલકો અંગ્રેજો ન હતા. એવી ક્લબ હતી, જેના સંચાલકો આફ્રિકનો પણ નહીં પણ ભારતીય વકીલ હતા.
મોહનદાસે સ્થાપેલા વિવિધ આશ્રમોમાં ફૂટબોલ મેચ નિયમિત રમાતી હતી. મોહનદાસનો મૂળ ઈરાદો તો અંગ્રેજો સામે લડનારા લોકોને એકઠા કરવાનો હતો. એ માટે ફૂટબોલને હથિયાર બનાવ્યું. મેચના બહાને લોકો એકઠા થવા લાગ્યા. ઉદ્દેશ બરાબર પાર પડ્યો અને પછી તો મોહનદાસની પ્રેરણાથી ઘણી ફૂટબોલ ક્લબ સ્થપાઈ.
મોહનદાસ પોતે ફૂટબોલના એવરેજ ખેલાડી હતા, પણ તેમને ફૂટબોલને કીક ગોલ કરવા નહીં અંગ્રેજોને પરાસ્ત કરવા મારવાની હતી. એ બરાબર મારી દેખાડી. મેચ શરૂ થાય એ પહેલાં અંગ્રેેજો દ્વારા થતા અન્યાય વિરુદ્ધ ભાષણ પણ આપવામાં આવતું હતું.
દરમિયાન બ્રાઝિલના એક ફૂટબોલ ખેલાડીનું નામ ભારે રસ પડે એવું છે. નામ છે મહાત્મા ગાંધી હેબર્પિઓ મેટ્ટોસ પાઈરસ. બ્રાઝિલનો આમ તો એ સામાન્ય ખેલાડી છે, પણ ગાંધીજી પ્રત્યેના આદરને કારણે તેના માતા-પિતાએ નામમાં મહાત્મા ગાંધી છોગું ઉમેરી દીધું હતું. ગમે ત્યાં લડતા રહેવું જોઈએ
ફૂટબોલના મેદાનમાં તો ખેલાડીઓની સ્પર્ધા, એકબીજા પ્રત્યેનો રોષ, ચાહકો દ્વારા મારામારી વગેરે થતાં જ રહે છે. ક્યારેક મેદાનમાં તો ક્યારેક બહાર. ઈતિહાસ એવી ઘટનાઓથી ભરેલો પડ્યો છે.
2011માં ઈજિપ્તની જ બે ટીમ અલ-અહલી અને અલ-માસરી વચ્ચે મેચ થઈ. માસરીની ટીમ જીતી ગઈ એટલે ચાહકો તોફાને ચડ્યા. અહલીના ચાહકોની ધોલાઈ કરી અને સ્ટેડિયમમાં જ પૂરી દીધા. 500થી વધારે ઘાયલ થયા અને પોણોસો જેટલાં મૃત્યુ થયાં. છેવટે ઈજિપ્તના લશ્કરે યજમાન શહેર પોર્ટ સઈદ પર કબજો લેવો પડ્યો.
શાંત ગણાતા આર્યલેન્ડમાં પણ ફૂટબોલ ટીમના ચાહકો સામસામે આવી ગયા. ઘટના છેક 1923માં બની હતી પણ બબાલ એટલી મોટી થઈ કે રમવું જ નથી એમ કહીને ટીમો પાછી ખસી ગઈ.
2014માં સર્બિયા અને આલ્બેનિયા વચ્ચે મેચ વખતે મેદાનમાં એક ડ્રોન આવ્યું. એમાં ગ્રેટર આલ્બેનિયા લખેલો ધ્વજ ફરકતો હતો. એવો કોઈ દેશ ન હતો, પણ તેમાં સર્બિયા, કોસોવો, મેસોડેનિયા વગેરે દેશો ભેગા કરી દેવાના હતા. સર્બિયાના ખેલાડીને એ ધ્વજ ન ગમ્યો એટલે એણે ડ્રોન નજીક આવ્યું ત્યારે ધ્વજને ખેંચી લીધો. એ પછી બન્ને દેશો વચ્ચે બોલાચાલી થઈ અને કેટલાક મહિનાના અંતે મામલો શાંત પડ્યો.
ફૂટબોલનો ઈતિહાસ આવી બબાલથી ભરેલો પડ્યો છે. આ વખતના વર્લ્ડકપમાં શું નવી બબાલ થશે એ જોવાનું છે. કારણ કે રમનારા 48 દેશોમાં અમેરિકા પણ છે અને ઈરાન પણ છે!
Read Original Article →