10 એપ્રિલે વર્લ્ડ હોમિયોપેથી ડે:હોમિયોપેથી એટલે મોડર્ન મેડિકલ સાયન્સ અને ટ્રેડિશનલ ટ્રીટમેન્ટ
ડો. જીતેન્દ્ર પટેલ
આજના આધુનિક યુગમાં તબીબી સારવાર અત્યંત ખર્ચાળ બની ગઈ છે અને છતાં જટિલ રોગોમાં અપેક્ષિત પરિણામો પણ મળતાં નથી. આવા સમયે દુનિયાભરના લોકો વૈકલ્પિક સ્વાસ્થ્ય પ્રણાલીઓ તરફ પણ આગળ વધી રહ્યાં છે. ભારતમાં ખાસ કરીને આયુર્વેદિક બાબતે જબરદસ્ત જાગૃતિ આવી છે અને તેમાં અસરકારક પરિણામો પણ મળી રહ્યાં છે. ભારત સહિત વિશ્વમાં હોમિયોપેથીની ચિકિત્સા પ્રણાલીની સ્વીકૃતિ વધી છે. બીમારી, રોગ કે ગંભીર સ્વાસ્થ્યની સમસ્યાનું સમાધાન હોમિયોપેથી મૂળમાંથી કરે છે.
હોમિયોપેથી પદ્ધતિની શોધ પાછળ ડો. સેમ્યુઅલ હાનેમાનની વૈચારિક સંઘર્ષ યાત્રાની સાથે પરિશ્રમનું પરિણામ છે. 19મી સદીનો સૂરજ ઊગવા તરફ હતો અને 18મી સદીનો સૂર્યાસ્ત થઈ રહ્યો હતો એ અરસામાં હોમિયોપેથી ચિકિત્સા પદ્ધિતિ અસ્તિત્વમાં આવવાની શરૂ થઈ. ડો. સેમ્યુઅલ પરંપરાગત તાલીમબદ્ધ ડોક્ટર હતા, પણ તેમને એ વાત ખટકતી હતી કે જે દવાથી આપણે દર્દીઓની સારવાર કરીએ છીએ એ સારવાર પદ્ધતિથી દર્દીનું શરીર નબળું પડે છે.
આ દવાઓ માનવીને ભરખી જશે અને તેમને આ પદ્ધતિમાં ખામીઓ દેખાઈ. આ પ્રકારની મેડિકલ પ્રેક્ટિસ ન કરવાનો નિર્ણય લીધો પણ સામે એવી કઈ પદ્ધતિ વિકસાવવી જેનાથી દર્દીઓની સારવાર પણ થાય અને તેની આડઅસર ઊભી ન થાય. વિજ્ઞાન પ્રત્યે તેમની નિષ્ઠા ભારોભાર હતી અને એટલી જ માનવીય સંવેદના હતી. 1790નો સમયગાળો હતો અને ડો. સેમ્યુઅલ મેડિકલ સાયન્સના એક પુસ્તકના અનુવાદ પર કામ કરી રહ્યા હતા. એ વખતે મેલેરિયાની સારવાર પદ્ધતિ અને તેના માટે વપરાતી સિંકોનાના વૃક્ષની છાલ પર તેમની નજર થંભી. સિંકોનાનો કડવો સ્વાદ મેલેરિયામાં અસરકારક સાબિત થાય છે. વાંચીને સહમત થાય તો એ સેમ્યુઅલ ન કહેવાય એટલે તેમણે પ્રયોગ કર્યો અને તેનું અસરકારક પરિણામ પણ મળ્યું. આ નિરીક્ષણ પરથી તેમણે સમચિકિત્સાવિજ્ઞાન એટલે કે હોમિયોપેથીનો કક્કો લખવાનું શરૂ કર્યું. હોમિયોપેથીનો પાયાનો સિદ્ધાંત ‘Similia Similibus Curentur છે’ એટલે કે ‘સમાન લક્ષણોની સમાનતાથી સારવાર.’ એ મુજબ જે પદાર્થ તંદુરસ્ત વ્યક્તિમાં રોગનાં લક્ષણો પેદા કરી શકે છે તે જ પદાર્થની સૂક્ષ્મ માત્રા બીમાર વ્યક્તિમાં તેવાં જ લક્ષણોની સારવાર કરી શકે છે.
1796માં હોમિયોપેથી ટ્રીટમેન્ટની શરૂઆત તેમણે કરી અને દુનિયાને અલગ અને નોખી ચિકિત્સા પ્રણાલીની ભેટ મળી. કોઈ શોધ કે સંશોધન થાય તો દુનિયા માની પણ ન લે! દુનિયા ત્યારે જ એ વાતનો સ્વીકાર કરે જ્યારે તેનો પરચો દુનિયાએ જોયો હોય. ઓગણીસમી સદીમાં કોલેરા જેવી મહામારીનો ફેલાવો વધી રહ્યો હતો એ વખતે હોમિયોપેથીની સારવાર સૌથી વધુ અસરકારક નીવડી હતી. ડો. સેમ્યુઅલે હોમિયોપેથિક સારવારનો ઉપયોગ 96% સફળતા દર સાથે કર્યો. એલોપેથિક દવાના 41% સફળતા દર સાથે પરિણામ મળ્યું હતું. ડો. સેમ્યુઅલ મૂળ જર્મનીના હતા પણ હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ સૌથી વધુ અમેરિકામાં વધ્યો હતો.
આજે વિશ્વની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓમાં હોમિયોપેથીનો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે અને આ ફિલ્ડમાં ભારત અત્યારે અગ્રેસર ભૂમિકામાં છે. આધુનિકતાની સાથે હોમિયોપેથીની ટ્રેડિશનલ ટ્રીટમેન્ટ મોડર્ન સાયન્સ સાથે તાલ મિલાવવા લાગી છે. હોમિયોપેથી પાસે કેન્સર જેવી જીવલેણ બીમારીનો પણ સચોટ ઈલાજ છે. કાયમ માટે હળવાશથી રોગને મટાડવાનું લક્ષ્ય ડો. સેમ્યુઅલે રાખ્યું હતું અને હોમિયોપેથી આજે પણ એ સિદ્ધાંતો પર કામ કરી રહી છે.
હોમિયોપેથી સમરૂપ, ઔષધ, ન્યૂનતમ માત્રા, જીવશક્તિ અને ઔષધ પરીક્ષણના પાંચ સિદ્ધાંતો પર કામ કરે છે એવું કહી શકાય. અને આ પદ્ધતિ સાથે જોડાયેલા તબીબો દર્દીને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે સાજા
કરવાનો પ્રયાસ કરે છે. હોમિયોપેથી અસરકારક અને પરિણામલક્ષી છે. બસ, ધૈર્ય અને સંયમ આ સારવારનો મહત્ત્વનો ભાગ છે.
Read Original Article →