ગરમીની ગરમાગરમ ‘સાઇડ ઇફેક્ટ્સ’:હાય ગરમી... હાય હાય ગરમી!
હમણાં મે મહિનાની એક બપોરે હું જમીને તરત જ ઘરની બહાર કામે નીકળ્યો.
પત્ની ઉવાચ: ‘આ ભેંકાર બપોરે ક્યાં જાઓ છો?’
મેં કહ્યું: ‘ડાર્લિંગ, ભેંકાર રાત હોઈ શકે, આ બપોર ભેંકાર વળી ક્યાંથી આવી?’
‘તમે ભર બપોરે બહાર નીકળો છો તો જુઓ તો ખરા! કેટલો તાપ પડે છે? બહાર કોઈ દેખાય છે? જાણે કર્ફ્યૂ! એટલે મેં ‘ભેંકાર બપોર’ કીધી. સમજ્યા?’
‘સમજી ગયો ડાર્લિંગ. હવે મને એકદમ ઠંડા પાણીની બે બોટલ આપી દે.’
‘કેમ બે?’
‘એટલા માટે ડાર્લિંગ... એક પીવા માટે અને બીજી બાઈકની સીટ માટે! જો બાઈકની સીટને પાણી નહીં પાઉં તો મારી ‘સીટ’ ગરમ થઈ જશે.’
અમે બંને પુષ્કળ હસ્યાં.
હમણાં મેં રસ્તામાં જોયું, આટલી ગરમીમાં ઘણાં લોકો તીખાં વડાપાઉં ખાતાં હતાં. અરે! આટલી ગરમીમાં ગરમાગરમ તીખાં વડાપાઉં ખાવા એ ખરેખર બહાદુરીની વાત છે. પછી રાત્રે કે વહેલી સવારે એ તીખાં વડાપાઉં કેવો ‘જવાબ’ આપે એ અલગ વાત છે!
અમારો મનુ એક વખત એની એનિવર્સરી ભૂલી ગયો. રાત્રે નોકરી પરથી ઘરે ગયો ત્યારે પત્ની રાહ જોતી હતી કે હમણાં મનુ આવે અને કોઈ સરપ્રાઈઝ આપે, પણ મનુ તો સાવ ભૂલી ગયો હતો. હવે સજા તો મળવી જ જોઈએ ને!
પત્નીએ રાત્રે એસી બંધ કરી દીધું, રૂમનું બારણું બહારથી બંધ કર્યું અને એસીની મેઈન એમસીબી સ્વીચ પણ પાડી દીધી. પોતે બીજા બેડરૂમમાં જઈને સૂઈ ગઈ. અડધી રાત્રે મનુ પરસેવે રેબઝેબ થઈ ગયો. મનુ પત્નીને ફોન કરે તો પત્ની ફોન ઉપાડે નહીં, બારણું ખખડાવે તો ખોલે નહીં. મનુને થયું કે પત્ની આવું કેમ કરે છે? જેમ તેમ રાત કાઢી. સવારે પત્નીએ ‘ઘટસ્ફોટ’ કર્યો. ત્યારથી માંડી અત્યાર સુધી મનુ એનિવર્સરી તો શું, પત્નીની જન્મતારીખ પણ ભૂલ્યો નથી. અરે, આ પરચો તો એવો મળ્યો કે હવે તો સાસુ-સસરાની જન્મતારીખ પણ યાદ રાખવા માંડ્યો છે!
એક વખત મનુને એના બોસે બરાબર ખખડાવ્યો. મનુ ખીજ ખાઈ ગયો. નેક્સ્ટ મિટિંગમાં તે ડુંગળી અને લસણના વઘારવાળી મગની દાળ ખાઈને ગયો. તમે નહીં માનો... બોસે એસી બંધ કરી બારીઓ ખોલી નાખી! આખી મિટિંગમાં બોસ મનુ સામે કતરાતી નજરે જોતા રહ્યા અને છેવટે ફરમાન કાઢ્યું કે ‘હવેથી મિટિંગ ઓનલાઈન જ રાખીશું!’
એક તો આજકાલ લોકો ડિપ્રેશનમાં રહેતા હોય છે, એમાં ગરમીને લીધે ‘કેરીગાળા’ (મગજ છટકવું)ના કેસો પણ ખાસા વધી જાય છે. અમારો એક મિત્ર પ્રવીણ. એનું મગજ ઉનાળામાં વધારે પડતું ગરમ થઈ જાય. આમ ડાહ્યો, પણ ઉનાળો આવે એટલે એના વર્તન પર એનો કાબૂ ન રહે. પ્રવીણના લગ્ન ઉનાળામાં જ લેવાયા. ભર બપોરે વરઘોડો નીકળ્યો. ઘોડા પર વરરાજા પ્રવીણ, માથે ડિઝાઈનર છત્રી હોવા છતાં તાપ અસહ્ય હતો. આગળ ડીજે વાગતું હતું અને પાછળ જાનૈયાઓ નાચતા હતા.
આપણો પ્રવીણ પણ તાનમાં આવી ગયો અને ઘોડા પર નાચવા માંડ્યો. અચાનક એનો ‘કેરીગાળો’ ચાલુ થયો! ભાઈએ તો ઘોડા પરથી જ સાફો કાઢીને ફેંક્યો, કફની કાઢી નાખી અને બૂટ પણ ફેંક્યા. નીચે ઉતરી સુરવાલ કાઢવા જતો હતો ત્યાં જાનૈયાઓએ તેને પકડ્યો. તેને દૂર લઈ જઈ માથા પર ઠંડું પાણી નાખ્યું અને ઠંડી લસ્સી પીવડાવી ત્યારે તેનું મગજ ઠેકાણે આવ્યું. પાછો સાફો પહેરાવી ઘોડા પર બેસાડ્યો ત્યારે વરઘોડો આગળ વધ્યો. પ્રવીણનું નસીબ પણ એવું કે એની પત્નીનું મગજ પણ ઉનાળામાં ગરમ થઈ જાય, એટલે ઉનાળો આવે એટલે બંને સામસામે બરાબરના ઝઘડે! હાસ્ય ડેઝર્ટ:
મિત્ર: ‘માથામાંથી લોહી કેમ નીકળ્યું?’ (વિડિયો કોલ પર પૂછ્યું)
હું: ‘ગરમી બહુ હતી, એટલે બહાર લાંબો આંટો મારવા નીકળ્યો.’
મિત્ર: ‘હા, તો?’
હું: ‘થોડો આગળ વધ્યો ને અચાનક વેધર ચેન્જ થયું. ઠંડો પવન ફૂંકાવા લાગ્યો.’
મિત્ર: ‘તો શું તારા ટકલા પર ઝાડ પડ્યું?’
હું: ‘અરે ના યાર, માથા પર તડ, તડ, તડ, તડ... અવાજ આવવા માંડ્યો.’
મિત્ર: ‘એ શું? કોઈએ તારા માથાને ડ્રમસેટ સમજીને લાકડીઓ મારી?’
હું: ‘અરે ના ભાઈ, ગરમીથી તપેલા માથા પર ઉપરથી ઠંડા બરફના કરા પડ્યા એટલે માથું ફાટી ગયું!’
– જતિન ભટ્ટ ‘નિજ’
Read Original Article →