આંતરમનના આટાપાટા:હેરી ટ્રૂમન: સત્તા ગઈ પણ ખુમારી રહી!

Magazine4/29/2026, 12:50:00 AM
આંતરમનના આટાપાટા:હેરી ટ્રૂમન: સત્તા ગઈ પણ ખુમારી રહી!
ડૉ. જય નારાયણ વ્યાસ 20 જાન્યુઆરી, 1953ની એ સવાર અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન પર એક વિશિષ્ટ ઘટનાના ઉદયની સાક્ષી બનવા માટે જન્મી હતી. એ દિવસે અમેરિકાનો 33મો રાષ્ટ્રપ્રમુખ હેરી એસ. ટ્રૂમન, જેણે બીજા વિશ્વયુદ્ધના અંત સમયે અમેરિકાનું નેતૃત્વ કર્યું, જેણે બીજું વિશ્વયુદ્ધ ખતમ કરવા માટે જાપાનમાં હિરોશીમા અને નાગાસાકી પર અણુબૉમ્બ ઝીંકવાનો આદેશ આપ્યો, જેણે બીજા વિશ્વયુદ્ધમાં તારાજ થઈ ગયેલા યુરોપનું પુનઃનિર્માણ કરી બેઠું કર્યું, જેણે શીતયુદ્ધનો પાયો નાંખ્યો તે વ્યક્તિ અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળે છે, પોતાની માલિકીની ક્રાઇસલર કારમાં એની પત્ની બેસ સાથે સવાર થાય છે અને મિસૌરી રાજ્યમાં આવેલા ઇન્ડિપેન્ડન્સ પ્રાંતમાં પોતાના ઘરે જવા વિદાય થાય છે. એની વિદાય સમયે કોઈ બંદોબસ્ત નથી, કોઈ વિદાય સમારંભ નથી. કોઈ ભીડ ભેગી નથી થઈ. એમ કહેવાય છે કે, એને પ્રમુખ તરીકેનો કાર્યભાર છોડી અને ચાલી નીકળતા જોઈને અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનના હૈયે ટાઢક વળી હશે. એ વખતે અમેરિકાની પ્રજામાં એની લોકચાહનાનો આંક તળિયે હતો. અખબારોએ આ તકનો ઉપયોગ એના વિશે ભૂંડામાં ભૂંડી ટીકા કરવા માટે કરી લીધો. વધુમાં વધુ હેરી ટ્રૂમન એક એવરેજ પ્રમુખ હતો અને હિરોશીમા-નાગાસાકીના નરસંહાર માટે એણે અમેરિકાને શરમમાં મૂક્યું હતું. સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો લાભ એને મળી શકે તેમ નહોતો. એણે સૈન્યમાં જે નોકરી કરી તેના પેન્શન રૂપે દર મહિને માત્ર 112.56 ડૉલર એને મળવાપાત્ર હતા. આટલી નાનકડી રકમ જીવનનિર્વાહ ચલાવવા માટે પૂરતી નહોતી. એણે પોતાનો ખર્ચ કાઢવા માટે બૅન્કમાંથી લોન લેવી પડી. હેરી ટ્રૂમન માટે કોઈનેય સહાનુભૂતિ નહોતી, પણ અમેરિકાના પૂર્વ પ્રમુખને આ સ્થિતિમાંથી પસાર થવું પડે એ અમેરિકન પ્રજાને ગમ્યું નહીં. પોતાનો પ્રમુખ નિવૃત્તિ બાદ આ રીતે જીવે તે સામે અમેરિકન પ્રજાની હીણપત અનુભવતી ભાવનાનો પડઘો અમેરિકન કૉંગ્રેસમાં પડ્યો. અમેરિકન કૉંગ્રેસે ‘ફોર્મર પ્રેસિડેન્ટ એક્ટ ઓફ 1958: પૂર્વ પ્રમુખોનો કાયદો-1958’ પસાર કર્યો. આ કાયદાની જોગવાઈઓ હેઠળ અમેરિકાના પૂર્વ પ્રમુખો માટે પેન્શન અને અન્ય સવલતોની જોગવાઈ હતી. હેરી ટ્રૂમને પોતાને પેન્શન આપવા માટે નહોતી કોઈ માગણી કરી કે નહોતું કોઈ કેમ્પેઇન ચલાવ્યું. એણે પોતાની પરિસ્થિતિ વિશે ક્યારેય જાહેરમાં બોલવાનું ઉચિત નહોતું માન્યું. એ રોજ સવારે પોતાના ઘરેથી ચાલતાં ચાલતાં બહાર નીકળતો અને એના રહેઠાણના વિસ્તાર ઇન્ડિપેન્ડન્સના રસ્તા ઉપર ચાલી પડતો. પોતાને ઉદ્દેશીને લખાયેલ સેંકડો પત્રોના ઉત્તર એ જાતે જ આપતો. પાડોશીઓ એનો હાથ હલાવી અભિવાદન કરતા તે સામે એ પણ એટલી જ ઉષ્માભરી રીતે અભિવાદનનો ઉત્તર આપતો. પોતાને આવતા અનેક ટેલિફોન કોલના જવાબ પણ એ જાતે જ આપતો. 1957માં શરૂ કરાયેલ ટ્રૂમન લાઇબ્રેરીના એના સ્ટડી રૂમમાં એણે એ જ સૂત્ર મૂક્યું હતું, જે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તરીકેની એની આખીયે કારકિર્દી દરમિયાન એના ડેસ્ક ઉપર નજર સામે રહેતું. આ સૂત્ર હતું: ‘ધ બક સ્ટોપ્સ હીયર - આ મુદ્દો અહીંયા જ પૂરો થાય છે.’ આ કોઈ મ્યુઝિયમમાં લખાયેલું સૂત્ર નહોતું પણ પોતાની જવાબદારીને અનુરૂપ નિર્ણયો વિના વિલંબે એના ડેસ્ક પરથી લેવાવા જ જોઈએ એ પ્રતિબદ્ધતાનું સૂચક હતું. દરમિયાનમાં ઇતિહાસ ઇતિહાસનું કામ કરતો હતો. માર્શલ પ્લાન હેઠળ અમેરિકા યુરોપને બીજા વિશ્વયુદ્ધની વિનાશક અસરોમાંથી બહાર આવવા માટે અબજો ડૉલર મોકલતું રહ્યું તેણે યુરોપની આવનારી પેઢીઓ માટે શકલ બદલવાનું કામ કર્યું. એના નામથી પ્રસિદ્ધ ‘ધ ટ્રૂમન ડોક્ટ્રિન’ અમેરિકાની વિદેશ નીતિને દાયકાઓથી પ્રભાવિત કરતી રહી છે. 9981 નંબરના વહીવટી હુકમે અમેરિકન સૈન્યમાંથી વંશીય અને રંગભેદની નીતિને જાકારો આપ્યો છે. અમેરિકાના અતિ શક્તિશાળી જનરલ ડગ્લાસ મેકાર્થરને 1951માં પાણીચું પકડાવી દેવાની ઘટનાએ અમેરિકન સૈન્ય પર અંતિમ કાબૂ પ્રજાની ચૂંટાયેલી સંસ્થાનો રહે છે તે વાત કાયમી ધોરણે પ્રસ્થાપિત કરી. 30 જુલાઈ, 1965ના દિવસે એક ઐતિહાસિક ઘટના બની. તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ લિંડન જહોન્સન ઇન્ડિપેન્ડન્સ ખાતે હેરી ટ્રૂમનના નિવાસસ્થાને પહોંચ્યા અને મેડીકેરને કાયદો બનાવતા હુકમ પર હસ્તાક્ષર કર્યા. વિધિની વક્રતા તો એ હતી કે, બે દાયકા પહેલાં ટ્રૂમને જ્યારે મેડીકેરની વાત કરી ત્યારે આ અશક્ય છે એમ કહી એની ખિલ્લી ઉડાડવામાં આવી હતી. મેડીકેરનો કાયદો બન્યો ત્યારે ટ્રૂમન 81 વર્ષના હતા. 26 ડિસેમ્બર, 1972: 88 વર્ષની ઉંમરે એમણે આ દુનિયાને અલવિદા કહી. 32 ટકાના એપ્રૂવલ રેટિંગ સાથે એણે પ્રમુખપદ છોડ્યું હતું તે હેરી ટ્રૂમન ચાર દાયકા બાદ અમેરિકાના ટોચના દસ પ્રમુખોમાં પોતાનું ગૌરવવંતુ સ્થાન સુનિશ્ચિત કરી ચૂક્યો હતો. એણે હંમેશાં પોતાના મજબૂત ખભાઓ ઉપર જવાબદારી વહન કરવાનું સ્વીકાર્યું અને ચૂપચાપ એ કામ કર્યું. એને તાળીઓ કે પ્રશંસાની ભૂખ નહોતી. તે સાચા અર્થમાં કર્મયોગી હતો.
Read Original Article →