ગતકડું:તેલ નાખ્યું માથામાં કે માથું નાખ્યું તેલમાં?
ડૉ. પ્રકાશ દવે માથાના વાળના નિષ્ણાત એક ડૉક્ટરને ઉદાસ જોઈને તેમનાં પત્નીએ ઉદાસીનું કારણ પૂછ્યું.
ડૉક્ટરે કહ્યું, ‘10 વર્ષ પહેલાં મારી પ્રેક્ટિસ ધમધોકાર ચાલતી. લોકો વાળની સારવાર કરાવવા રીતસરની લાઇન લગાવતા અને હવે દવાખાને ભાગ્યે જ કોઈ આવે છે. સમજાતું નથી એનું કારણ શું હશે!’
પત્ની બોલી, ‘કારણ બીજું કાંઈ નથી. 10 વર્ષ પહેલાં તમારા માથા પર વાળ હતા!’
માથામાં તેલ નંખાય કે ન નંખાય એ બાબતે દંપતીથી માંડીને દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. કેટલાક લોકો માથામાં એટલું બધું તેલ નાખે છે કે એમને ‘તેલિયા રાજા’ કહેવા પડે. એવી વ્યક્તિનું માથું તેલથી એવું લથબથ હોય કે આપણે નક્કી ન કરી શકીએ કે એણે માથામાં તેલ નાખ્યું છે કે તેલમાં માથું નાખ્યું છે! વધારે તેલ નાખનારાના માથા પરથી તેલ એમ ટપકતું હોય જેમ વરસાદ જતો રહે પછી પણ નેવાં પરથી પાણી ટપક્યાં કરે. આમ પણ આપણે ગુજરાતીઓ તેલની બાબતમાં બહુ ઉદાર છીએ, પછી એ ખાવાની બાબત હોય કે માથામાં નાંખવાની બાબત. જોકે કેટલાક લોકો જીવે ત્યાં સુધી તેલથી બીવે છે અને બાકીના લોકો ‘તેલ જુઓ તેલની ધાર જુઓ’ની નીતિ અપનાવી ક્યારેક માથામાં તેલ નાખે છે તો ક્યારેક મુલતવી રાખે છે!
માથામાં તેલ નાખવાના લાભાલાભ એ વિષય પર હજુ સુધી કોઈ પરીક્ષામાં નિબંધ પૂછાયો હોય એવું સાંભળ્યું નથી, પણ લગભગ દરેક બાળકે બાળપણમાં મમ્મી કે દાદી પાસેથી તેલ નાખવા અંગે લાંબાલચક ભાષણો સાંભળ્યાં છે!
કેટલીક મમ્મીઓ એના સંતાનોને (અને સંતાનોના પૂજ્ય પિતાશ્રીને પણ) પાંથીએ પાંથીએ તેલ નાખી આપે છે. આગળ જતાં એમાંથી કેટલાકનાં માથાં પર માત્ર પાંથી જ વધે છે, વાળ વિદાય લઈ લે છે.
માથાના તેલ વિશે જાતજાતના દાવા થતા રહે છે. કોઈ માથાના તેલને વાળની દવા ગણાવે છે તો કોઈ એને તેલ વેચવા માટેના કાવાદાવા ગણાવે છે.
માથા નામના દેશના મૂળ નિવાસીઓમાં એક છે ખોડાભાઈ! ગુજરાતીઓએ એને પ્રેમથી ‘ખોડો’ એવું લાડકું નામ આપેલું છે. અલબત્ત, અમુક ગુજરાતી લોકો આ ખોડો શબ્દનું ઉચ્ચારણ બરાબર કરી શકતા ન હોવાથી એને ‘ડેન્ડ્રફ’ એવા અંગ્રેજી નામે બોલાવવા લાગ્યા છે! એ લોકોના માથામાં ખોડો થતો નથી, ડેન્ડ્રફ થાય છે! જોકે અહીં વાત ખોડા ઉર્ફે ડેન્ડ્રફની નથી, વાત તેલની છે. ઘણા લોકો માને છે કે એમના માથામાં તેલ નાખવાને લીધે ખોડો થાય છે. ઘણા લોકો માને છે કે એમના માથામાં તેલ ન નાખવાને લીધે ખોડો થાય છે. બાકીના લોકોના માથે વાળ જ નથી! અને વાળ નથી એટલે ખોડાને લીધે થતી ખંજવાળ પણ નથી.
વાળમાં તેલ નાખવાની અનેક પદ્ધતિઓ આપણે ત્યાં પ્રચલિત છે. સૌથી પ્રચલિત પદ્ધતિ મુજબ એક હથેળીનું તળાવ આકારમાં રૂપાંતર કરવામાં આવે છે અને બોટલમાંથી તેલ આ તળાવમાં ઠાલવવામાં આવે છે. પછી જરૂરિયાત અનુસાર આંગળી વડે એ તેલને માથાના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવે છે. જોકે આ પદ્ધતિ લાંબા અને જથ્થાબંધ વાળમાં ઉપયોગી થતી નથી.
આ પ્રકારના વાળની જરૂરિયાતને પહોંચી વળવા માટે કોઈ વચેટિયાની મદદ લીધા વિના ડાયરેક્ટ બોટલને જ માથામાં ઊંધી ગોઠવવામાં આવે છે અને બોટલ પર ઉપરથી પ્રહાર કરવામાં આવે છે. બોટલની અંદર રહેલું તેલ ગુરુત્વાકર્ષણનો નિયમ જાણતું હોવાથી એ નીચે તરફ ગતિ કરે છે અને લાભાર્થી માણસના વાળનો મોરચો સંભાળી લે છે. અલબત્ત, આ પદ્ધતિ જોખમકારક છે; કેમ કે બોટલમાંથી બહાર આવતા તેલ પર જે-તે વ્યક્તિનું કોઈ નિયંત્રણ હોતું નથી, કારણ કે બોટલ આંખ સામે હોતી નથી. કોઈ પર નિયંત્રણ રાખવું હોય તો એ વસ્તુ તમારી નજર સામે હોવી જરૂરી છે. અહીં બને છે એવું કે તેલની ધાર અનરાધાર બની પેલી વ્યક્તિના માથા પર તેલાભિષેક કરે છે.
ત્રીજી પદ્ધતિ અનુસાર આંગળી બોટલમાં બોળીને બહાર કાઢવામાં આવે છે. વ્યક્તિના નસીબમાં લખાયેલું હોય એટલું તેલ આંગળી સાથે બહાર આવે છે અને એટલા તેલથી જ વાળનું જતન કરવામાં આવે છે. ઓછા વાળ ધરાવતી વ્યક્તિ માટે આ પદ્ધતિ લાભદાયી નીવડે છે. કંજૂસ વ્યક્તિઓમાં પણ આ પદ્ધતિ ખૂબ લોકપ્રિય બની ગઈ છે!
પત્નીએ પતિને કહ્યું, ‘આપણી બેબીને હું 10 વર્ષથી રોજ માથામાં તેલ નાખી દઉં છું, એટલે એના વાળ કેવા લાંબા અને રેશમી થઈ ગયા છે!’
પતિએ પોતાના બચી ગયેલા પાંચેક વાળવાળું માથું બતાવી કહ્યું, ‘મારા માથામાં પણ 15 વર્ષથી તું જ તેલ નાંખી દે છે!’
Read Original Article →