પરગ્રહીની શોધ:પરગ્રહીઓને શોધવા એક ગુજરાતી અવાજ અડધી સદીથી બ્રહ્માંડમાં ઘૂમે છે

Magazine5/13/2026, 12:35:00 AM
પરગ્રહીની શોધ:પરગ્રહીઓને શોધવા એક ગુજરાતી અવાજ અડધી સદીથી બ્રહ્માંડમાં ઘૂમે છે
‘અમે ધરતીવાસીઓ અન્ય ગ્રહમાં રહેનારાંઓ તમને વંદન, અભિનંદન કરીએ છીએ. આ સંદેશો મળે એટલે વળતો સંદેશો મોકલશો.’ વોયેજર-1 યાનમાં બેસીને આવો સંદેશો 25 અબજ કિલોમીટર દૂર બ્રહ્માંડમાં સફર કરી રહ્યો છે. યાનની ઝડપ 95 હજાર કિલોમીટર પ્રતિ કલાક જેવી છે. એ સંદેશો યાદ કરવાનું કારણ ગયા અઠવાડિયે અમેરિકાએ કરેલો એક નિર્ણય છે. *** યુએફઓ એટલે કે અનઆઈડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ એટલે કે ઉડતા અજાણ્યા પદાર્થો એટલે કે મોટેભાગે તો ધરતીની મુલાકાતે આવતા પરગ્રહવાસીઓ એટલે કે એલિયન. યુએફઓ આમ તો ઉડતા કોઈ પણ અજાણ્યા પદાર્થ માટે વપરાતો શબ્દ છે પણ તેની ગણતરી એલિયન તરીકે વધારે થાય છે. અમેરિકાના યુદ્ધ વિભાગે 8મી મેના દિવસે યુએફઓ સંબંધિત ફાઈલો જાહેર કરવાની શરૂઆત કરી દીધી. એવું વર્ષોથી કહેવાતું આવ્યું છે કે અમેરિકાએ પરગ્રહીઓનો સંપર્ક કરવામાં સફળતા મેળવી લીધી છે. એટલું જ નહીં, અમેરિકાની કોઈ ગુપ્ત લેબોરેટરીમાં એલિયન એટલે બ્રહ્માંડમાંથી આવેલા કોઈ જીવો-સજીવો પણ સચવાયેલા છે. પરગ્રહવાસીઓ ધરતી પર આવે તો ડ્રોન લઈને ન આવે, ઉડતી રકાબી લઈને જ આવે એવી માન્યતા પણ વ્યાપક છે. એટલે એની ઉડતી રકાબીઓ ધરતી પર ક્યાંક ઉડતી, ક્યાંક ઉતરતી, ક્યાંક પરત જતી, ક્યાંત તૂટી પડતી હોય એવી અનેક ઘટનાઓ નોંધાઈ છે. આ બધી જ ઘટનાઓ સબંધિત એક પછી એક ફાઈલો જાહેર કરવાનું અમેરિકી સરકારે શરૂ કરી દીધું છે. શરૂઆતમાં 162 ફાઈલો રિલીઝ કરી છે. તેમાં અત્યાર સુધી ગુપ્ત (ક્લાસિફાઈડ) રખાયા હોય એવા દસ્તાવેજો, ફોટા, વીડિયો વગેરે છે. અમેરિકી સરકાર કહે છે કે આ બધું જાહેર કરીને અમે લોકોને જ વિચારવાનું કામ સોંપી દઈએ છીએ. લોકો જ દસ્તાવેજો તપાસે અને પોતાની રીતે નક્કી કરી લે. આ કામગીરી કરવાની સૂચના વળી સીધા ડોનાલ્ડ ટ્રમ્પે જ આપી છે. એટલે જ્યાં દસ્તાવેજો જાહેર થાય છે એ https://www.war.gov/ufo/ પર ટ્રમ્પનો મેસેજ પણ વાંચવા મળે છે. ટ્રમ્પ લખે છે કે લોકોને એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ (ઈટી) લાઈફ, એલિયન વગેરેમાં બહુ રસ પડે છે. માટે એ બધી વિગતો ભલે જનતાના દરબારમાં પહોંચે. વેબસાઈટ પર ફાઇલો મુકાઈ છે અને ક્રમશ વધારે મુકાશે. ફાઈલ સાથે એની એજન્સીનું નામ એટલે કે એફબીઆઈના કબજામાં હતી, ક્યારની છે, વગેરે વિગતો પણ નોંધી છે. જેમ કે 1966માં ઉડતી રકાબી દેખાઈ એવા સમાચાર, એ વખતના એફબીઆઇ ડિરેક્ટર જે.એડગર હૂવરનો પત્રાચાર, ફોટા, લોકોનાં બયાન, એરફોર્સની તપાસ.. એમ અનેક વિગતો 184 પાનાંની પીડીએફમાં સમાવી લેવાઈ છે. *** બ્રહ્માંડ આમ તો બહુ ગહન છે અને કલ્પનાતીત વિશાળ પણ છે. તો પણ વિજ્ઞાનીઓએ તેનાં મૂળ-કુળની તપાસ બંધ નથી કરી. એટલે જાણી શક્યા છે કે.. બ્રહ્માંડમાં લગભગ બે લાખ કરોડ (2 ટ્રિલિયન) આકાશગંગાઓ છે. દરેક આકાશગંગામાં વળી 100 અબજથી વધારે સૂર્યમાળા જેવી ગ્રહમાળા છે. દરેક આકાશગંગામાં 100 અબજથી લઇને 3 લાખ કરોડ જેટલા ગ્રહો છે. એમાંથી હેબિટેબલ એટલે કે જ્યાં જીવનની જરા પણ શક્યતા હોય એવા ગ્રહોની સંખ્યા 30 કરોડથી વધારે છે. એમાંથી નાસાએ અત્યાર સુધીમાં 6000 એક્સોપ્લાનેટ (ધરતી જેવા ગ્રહો) ઓળખી કાઢ્યા છે. આટલી બધી આંકડાની માયાજાળ વચ્ચે સવાલ એ થાય કે ત્યાં શું બીજી પૃથ્વી નહીં હોય? ક્યાંય ધરતીની જેમ જીવનસૃષ્ટિ વિકસી નહીં હોય? ક્યાંય સૂર્ય જેવો તારો નહીં હોય જેનાથી માફકસરના અંતરે ધરતી જેવો ગ્રહ ભ્રમણ કરતો હોય. તારાથી ગ્રહ બહુ દૂર રહીને ભ્રમણ કરે તો જીવન વિકસી ન શકે, નજીક રહીને કરે તો તાપમાનમાં બળી મરે. એમ પણ વિકસી ન શકે. ધરતી જેવો ગ્રહ હોવા ઘણા સંજોગો એક સાથે ભેગા થવા જોઈએ. તો શું બ્રહ્માંડમાં એવા સંજોગો ભેગા નહીં થયા હોય કે કે તારા-ગ્રહોની સંખ્યા તો વીણ્યા વીણાય નહીં, ગણ્યા ગણાય નહીં એટલી છે. આપણને કોઈ સજીવો કે સજીવો ધરાવતો ગ્રહ મળતો નથી એ અલગ વાત છે. પણ મળતો નથી એટલે નથી જ એવુ તો માની ન લેવાય ને? વિજ્ઞાનીઓએ નથી માની લીધું એટલે પરગ્રહવાસીઓને શોધવાનો પ્રયાસ પણ પડતો મૂક્યો નથી. 1977માં અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ વોયેજર-1 અને વોયેજર-2 નામે બે યાન રવાના કર્યાં. બ્રહ્માંડમાં અલગ અલગ દિશાએ રવાના થયેલા યાનમાં એક ગોલ્ડન એટલે કે સોનાની બનેલી રેકોર્ડ અર્થાત્ પહેલાના યુગમાં ગ્રામોફોનમાં વપરાતી એવી કેસેટ (સીડીની પૂર્વજ) મૂકી. રેકોર્ડમાં શું છે? ધરતી પરના વિવિધ અવાજો, વિવિધ ભાષાઓમાં પરગ્રહીઓ માટે સંદેશાઓ, જેમાં એક સંદેશો ગુજરાતીમાં પણ છે. રાધાકાંત દવેના અવાજમાં એ સંદેશો 2 મિનિટ, 48 સેકન્ડ લાંબો છે, જે લેખની શરૂઆતમાં નોંધ્યો. રેકોર્ડમાં 116 ફોટા પણ છે. એ બધી સામગ્રી એમ માનીને મૂકવામાં આવી કે છે કે વોયેજરને કોઈ પરગ્રહવાસીનો ભેટો થાય તો એમને પૃથ્વી વિશે જાણકારી કઈ રીતે મળે? એ કઈ ભાષા સમજતા હોય, કોઈ ભાષા સમજતા હોય કે પછી ચિત્રલિપીમાં કહેવું પડે, આપણાથી મોર્ડન હોય કે પછાત હોય.. આવી સંખ્યાબંધ શક્યતાઓ વિચારીને વોયેજરમાં સંદેશા મૂકાયા છે. વોયેજરને ઊર્જા તેમાં રહેલી મિની પરમાણુ ભઠ્ઠીથી મળે છે. માટે એ 40 હજાર વર્ષ સુધી પ્રવાસ કર્યા કરશે ત્યારે તેને સૂર્યમાળા બહાર પ્રથમ તારાનો ભેટો થશે. જોકે એ વખતે ધરતીના સંપર્કમાં નહીં હોય. ધરતી સાથેનો સંપર્ક 2036માં જ તૂટી જશે. સંપર્ક થાય તો પણ 40 હજાર વર્ષ પછીની ધરતીની કલ્પના કરવી અઘરી છે. પરંતુ પરગ્રહવાસીઓને એ યાન મળે તો એમને વિવિધ ભાષા સાથે ગુજરાતીમાં રામ રામ પણ સાંભળવા મળશે. વોયેજર ધરતી પરથી જતા સંદેશાની વાત છે. અમેરિકાએ રિલીઝ કર્યા એ ધરતી પર આવેલા (ઈનકમિંગ) સંદેશાની વાત છે. આમ તો સરકાર દસ્તાવેજો જાહેર કરવાની શરૂઆત કરે એટલે જે તે વિષય અંગેનું રહસ્ય સૌની સામે આવી જવું જોઈએ. યુએફઓના કિસ્સામાં એવુ થશે કે રહસ્ય સામે આવશે અને સામે અનેકગણાં નવાં રહસ્યો સર્જાશે. એટલે પરગ્રહવાસીઓ અંગેની મોઢાં એટલી વાતો થતી જ રહેશે.
Read Original Article →