મેંદી રંગ લાગ્યો:ઈ રે કુંજલ બેઠી દરિયાને પાર
કુંજલ ન માર્ય એલા કુંજલ ન માર્ય,
ઈ રે કુંજલ બેઠી દરિયાને પાર.
કડલાં ઘડાવ્ય એલા કડલાં ઘડાવ્ય,
કાંબિયું ન હોય તો મને પિયર વળાવ્ય.
હારલો ઘડાવ્ય એલા હારલો ઘડાવ્ય,
પારલો ન હોય તો મને પિયર વળાવ્ય.
ચૂડલી ઘડાવ્ય એલા ચૂડલી ઘડાવ્ય,
ગૂજરી ન હોય તો મને પિયર વળાવ્ય.
નથણી ઘડાવ્ય એલા નથણી ઘડાવ્ય,
ટીલડી ન હોય તો મને પિયર વળાવ્ય.
લોકગીતનો ઢાળ જેમ સૌથી વધુ ગમતીલો હોય છે એવો જ એનો બીજો પાઠ પણ મજેદાર હોય છે. એક લોકગીત સૌરાષ્ટ્રમાં ગવાતું હોય એ ઉત્તર ગુજરાતમાં પાઠફેર સાથે ગવાતું હોય. વળી મધ્ય કે દક્ષિણ ગુજરાતમાં એનું પણ પાઠાંતર થયું હોય એવું સંભવ છે. અરે, એક જ પ્રાંતમાં પાઠભેદે ગવાય એવુંય બને છે. અનેક લોકગીતો એવાં પણ મળે છે જેમાં પાઠની સાથે ભાવ અને અર્થ જડમૂળથી બદલાઈ ગયા હોય!
‘કુંજલ ન માર્ય એલા કુંજલ ન માર્ય. . . ’ એવું લોકગીત છે જેના બે-ત્રણ પાઠ મળે છે ને અહીં જેનો આસ્વાદ કર્યો છે એમાં આગલા પાઠ કરતાં થોડો શબ્દફેર છે પણ અર્થ બિલકુલ બદલાઈ ગયો છે. આ લોકગીતની નાયિકા ‘એલા’ જેવા સંબોધને કોઈને કહી રહી છે કે તું કુંજલને મારીશ નહીં, કેમ કે આ કુંજલ છેક દરિયાપારથી આવીને અહીં બેઠી છે. કુંજલ એટલે કુંજ નામના પક્ષીની વાત છે? ના, આ લોકગીત પૂરતી તો નથી લગતી. પુરુષોની જોહુકમી, પુરુષ હોવાનો અહમ એમની પત્નીઓને સહવો પડતો હતો. પુરુષ નાની-મોટી વાતમાં હાથ ઉપાડી લેતો, સ્ત્રી માર ખાધાં કરતી ને આખું આયખું પતિગૃહે પૂરું કરતી. (આજે પણ ક્યાંક. . . ) પતિ તો મારે જ, આપણે તો માર ખાવાનો જ હોય, મેણાં સહન કરવાનાં જ હોય એવી વહુવારુઓની રંગસૂત્રોમાં ભળી ગયેલી માનસિકતા અથવા રિસામણે જાઉં તો દુનિયા શું કહેશે? મારાં માતાપિતાની આબરુનું શું? પછીની જિંદગીનું શું? નાનાં ભાઈબહેનનાં સગપણ નહીં થાય તો? અનેકાનેક સ્ત્રીઓનું આવું સામાજિક મનોવિજ્ઞાન એને પતિગૃહે સબડવા મજબૂર કરતું.
આ લોકગીતમાં કુંજલ એટલે નાયિકા પોતે. એ પતિને કહે છે કે આવી કુંજ જેવી બાપડી હું ક્યાંયથી ઉડીને, અનેક અરમાનો સાથે તારે ઘેર આવી છું. તું અને હું આપણું અપૂર્ણ જીવન સાથે મળીને પૂર્ણ કરીએ, આપણા પરિવારનો વંશવેલો આગળ વધારીએ, લગ્ન વખતે ચાર ફેરામાં તું આગળ રહ્યો ને ચોથા મોક્ષના ફેરામાં હું આગળ થઇ, આપણે આ ચારેય પુરુષાર્થ પૂરા કરવા છે ને તું મને આમ હડધૂત કરે છે? માર મારે છે? બહુ સહન કર્યું, હવે તું પણ સાંભળીલે, મારા હક્કના સ્ત્રીધનરૂપી અલંકારો કડલાં, કાંબિયું, હારલો, પારલો, ચૂડલી, ગૂજરી, નથણી, ટીલડી ન અપાવી શકતો હો તો મારે પિયર મોકલી દે.
આ જ લોકગીતના બીજા પાઠમાં થોડાક શબ્દો જુદા છે પણ અર્થ તો સંપૂર્ણ બદલાઈ જાય છે. જેમકે-
કુંજલ ન માર્ય વીરા કુંજલ ન માર્ય, ઈ રે કુંજલ બેઠી દરિયાને પાર.
કડલાં ઘડાવ્ય વીરા કડલાં ઘડાવ્ય, કાંબિયુંની માથે કુંજલ બેસાડ્ય.
સૌથી પહેલાં તો આ પાઠની નાયિકા સામેવાળા પુરુષને ‘વીરા’ જેવું સંબોધન કરે છે. બીજું કે, કડલાં ઘડાવીને કાંબિયું ઉપર કુંજલ બેસાડવાનું એટલે કે કુંજની પ્રતિકૃતિ મુકાવવાનું કહે છે. આ રીતે દરેક ઘરેણાં પર કુંજનું ચિત્ર મૂકવા આગ્રહ કરે છે અર્થાત્ કુંજનો શિકાર કરતા કોઇ વીરાને નાયિકા વાળે છે ને અગાઉ શિકાર કર્યો હોય એની સજા કે પ્રાયશ્ચિતરૂપે અલંકારો પર કુંજની કાયમી યાદી રાખવા કહે છે.
આ પાઠમાં પક્ષીનો શિકાર ન કરવાની, જીવદયાની, પર્યાવરણના જતનની વાત છે, પણ અહીં જેનો આસ્વાદ કર્યો છે એ લોકગીતમાં કુંજ જેવી પત્નીને પારાવાર પરેશાન કરતા પતિ સામે રહી રહીને ઊઠેલો અવાજ છે.
Read Original Article →