કેળવણી:આપણા યુવાનોને લાગ્યું સરકારી નોકરીનું ઘેલું
ડંકેશ ઓઝા
જેમ જેમ શિક્ષણનો પ્રસાર વધતો જાય છે, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ખૂલતી જાય છે અને નવી ખાનગી યુનિવર્સિટીઓ ઊભી થતી જાય છે, તેમ તેમ નોકરી શોધતા યુવાનોની સંખ્યા પણ વધતી જાય છે.
શિક્ષણનો પણ ગેરફાયદો હોઈ શકે એવું કોઈ કહે તો આપણને ઝટ સમજાય નહીં, પણ વિકાસશીલ દેશોમાં શિક્ષિત થયા પછી કોઈને શ્રમ કરવો પડે એ ગમતું હોતું નથી! જેટલો વર્ગ ભણે છે એ બધા જ વર્ગને નોકરીઓ આપી શકાતી નથી.
બંધારણના આમુખમાં ભલે ‘સમાજવાદ’ શબ્દ પોથીમાંનાં રીંગણાંની જેમ યથાસ્થાને પડી રહ્યો હોય, પણ આખા દેશમાં તો નવો મૂડીવાદ અને એનું બજાર ચારેકોર ફેલાઈ ગયું છે. મોલની ઝાકઝમાળ બધાંને ગમે છે, પરંતુ નાના ધંધાઓ અને નાની દુકાનો માટેની શક્યતાઓ સમાપ્ત થઈ જાય છે, તે તરફ આપણું તરત ધ્યાન જતું નથી.
જે ‘ગીગ વર્કર’નો ખ્યાલ પેદા થયો છે, તેના કુટુંબ માટે, એના ભવિષ્ય માટે કોઈ જ બાંહેધરીઓ નથી. માંડ મકાન લીધું હોય, બાળકો નિશાળે જતાં થયાં હોય અને મોટી કંપની હજારો કર્મચારીઓને ટેક્નોલોજીના આગમનને કારણે ક્ષણવારમાં છૂટા કરી દે છે. મિડ-લાઈફ ક્રાઈસિસને પહોંચી વળવા ભાગ્યે જ આયોજન હોય છે. કેમ્પસ પ્લેસમેન્ટ અને લાખોનું પેકેજ ભલે સમાચાર બનતા હોય, પણ એ કંઈ બધાને પ્રાપ્ત થતા નથી.
કાયમી સલામતી, ઊંચા પગારો, વધુ પડતી રજાઓ અને સરકારી હોદ્દાની ગરિમાને કારણે આજનો યુવાવર્ગ નોકરીઓ માટે સરકારી તંત્ર તરફ નજર કરવા લાગે છે. હવે સરકારમાં દાખલ થવા માટે ઓળખાણ અને લાગવગ કે ઉપરના પૈસા કામ લાગતા નથી. હરીફાઈના માહોલમાં ઊભા રહેવું એને માટે કપરું થઈ પડે છે.
અત્યાર સુધીનું શિક્ષણ અધૂરું લાગે છે. નવેસરથી કોચિંગ ક્લાસના દ્વાર તે ખખડાવવા લાગે છે. અહીં પણ ગળાકાપ સ્પર્ધા છે. સાચા-ખોટાની જલ્દી ખબર પડતી નથી. તે બજારના પવનની સાથે ઘસડાતો રહે છે.
યુપીએસસી (UPSC) અને જીપીએસસી (GPSC) ઉચ્ચ અધિકારીઓ માટે જે ભરતી કરે છે, જે ત્રણ તબક્કાની પરીક્ષાઓ લે છે, તેને માટે તેણે તૈયાર થવું પડે છે. કોઈ પહેલા પગથિયે, કોઈ બીજા પગથિયે અને કોઈ ત્રીજા પગથિયે અટકે છે. ત્રણેય પગથિયાં એકસાથે ચડતાં અને સફળ થતાં એ થાકીને લોથ થઈ જાય છે. ક્યારેક નાસીપાસ પણ થઈ જાય છે.
રાજસ્થાનના કોટામાં, દેશની રાજધાની દિલ્હીમાં અને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સફળતાની હાટડીઓ લાગી છે. યુવાનીનાં ઉત્તમ વર્ષો ઊંચા હોદ્દાની સરકારી નોકરીઓ માટે ખર્ચાઈ જાય છે.
કોઈ પણ દેશની સરકાર કે તેનું તંત્ર બધાંને નોકરીએ ન રાખી શકે. એનું કામ તો અસંખ્ય નોકરીઓ પેદા થાય તેવું વાતાવરણ ઊભું કરવાનું છે, પણ બધા જ સરકારી ઓફિસના દરવાજે ધક્કામુક્કી કરવા લાગ્યા છે. બીજી તરફ સરકાર પોતાની નોકરી ઓછી કરતી જવાના માર્ગે છે. નિવૃત્તિઓ થશે એટલી જ જગ્યાઓ ખાલી પડશે. નવા મૂડીવાદ અને નવી ટેક્નોલોજીના યુગમાં નોકરીની જગ્યાઓ ઓછી થતી જવાની છે. કોઈ પણ સંજોગોમાં વધવાની તો નથી જ.
યુવાવર્ગ ત્રિશંકુની દશામાં મુકાયો છે. સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓમાં તગડી ફી ભરીને ઈજનેરી, કોમ્પ્યુટર અને મેનેજમેન્ટ કે મેડિકલનું ભણ્યો છે, પણ એને જોઈએ છે ઊંચા હોદ્દાની સરકારી નોકરી.
આજે ગુજરાત રાજ્યમાં ઈજનેરો ગામડાંમાં તલાટી તરીકે કામ કરતા થયા છે! તો વળી, કોન્સ્ટેબલ અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટરમાં દાખલ થવા લાગ્યા છે. આ વરવી વાસ્તવિકતા છે. જે જગ્યાઓ આર્ટ્સ અને કોમર્સના ગ્રેજ્યુએટો માટે હતી, ત્યાં આ બધા ગૌરવપૂર્વક કે શરમિંદા બનીને જોડાઈ રહ્યા છે.
પરિસ્થિતિ દર્દનાક છે. આઝાદ ભારતમાં હજી સરકારી તંત્રનો દબદબો એટલો તો ભારે છે કે ડેન્ટલ, ફાર્મસી, આયુર્વેદ, હોમિયોપેથી અને મેડિકલના સ્નાતકો પણ લાગેલી લાંબી લાઈનમાં ઊભા રહી ગયા છે. સિલેબસિયું ભણવા પાછળ એવા તો પડી ગયા છે કે સહેજે કળાય નહીં, એની ખબર ફાઈનલ ઈન્ટરવ્યૂ માટે એમને તૈયાર કરવા બેઠાં હોઈએ ત્યારે પડે છે.
પરંપરાથી શિક્ષણની જે ઉચ્ચતમ શાખાઓ ગણાઈ અને જેની પાછળ સરકારે પણ પુષ્કળ ખર્ચ કર્યો, તે છોડીને હવે મામલતદાર, રજિસ્ટ્રાર કે તાલુકા વિકાસ અધિકારી એને કેમ થવું છે, એનો સંતોષકારક અને સ્વીકાર્ય બને એવો જવાબ એની પાસે નથી.
સરકાર સમજ્યા વિના સ્પર્ધાત્મક પરીક્ષાઓનો વિષય ઉચ્ચ શિક્ષણમાં દાખલ કરવાનું કહે છે. અનામત બેઠકોવાળા ઉમેદવારો માટે નાણાકીય સહાયની યોજનાઓ કરે છે, યુપીએસસીમાં પ્રિલિમ પાસ કરી બતાવે એને રૂ. પચીસ હજારનો રિવોર્ડ આપે છે - આ બધી બાબતો થાગડથીંગડ છે. આભ પડવા પર હોય, ત્યારે લાકડીઓથી ટેકો આપવા સમાન આ વાત છે.
નિર્વીર્ય, હતાશ, નિરાશ થયેલા યુવાનોને જ્યારે જોઈએ છીએ ત્યારે આપણું હૃદય રડવા લાગે છે. મોટિવેશનલ સ્પીકરોએ ફુગ્ગો ફૂટી જાય એટલી હદે તેમાં હવા ભરી દીધી છે. કોન્ફિડન્સ, કરેજ અને ક્લેરિટી જેવી ત્રણ મૂલ્યવાન બાબતો એનામાં વિકસશે નહીં, ત્યાં સુધી એનો ઉદ્ધાર નથી એ નક્કી છે. આજના સમય-સંજોગોમાં વ્યવહારુ બનીને ઝડપથી પોતાના પગ પર સ્વરોજગારથી ઊભા રહેવાય એવી તજવીજ કરવાની એને પહેલી જરૂર છે.
Read Original Article →