16 એપ્રિલ, વર્લ્ડ વૉઈસ ડે:તમારાં બાળકના કાને હાલરડાંનો અવાજ પડે છે?
19 21ની વાત છે. થોમસ આલ્વા એડિસનને મળવા અમેરિકામાં તેમના ઘરે ગુજરાતી વિજ્ઞાન લેખક કાન્તિલાલ છગનલાલ પંડ્યા પહોંચ્યા. એડિસન ઓછું સાંભળી શકતા હતા. કાન્તિલાલે કહ્યું કે હવે તો કાનની સારવાર થઈ શકે છે, શા માટે ઓપરેશન નથી કરાવતા?a
એડિસને કહ્યું કે ઓછું સાંભળું છું, દુનિયાના ઘોંઘાટથી દૂર રહું છું એટલે જ મારું કામ શાંતિથી કરી શકું છું!
***
એડિસનની એ વાત આજે સદી પછીય એટલી જ લાગુ પડે છે. આપણી આસપાસ જાતજાતના અવાજો ઉત્પન્ન થાય છે, પણ શું બધા જ સાંભળવામાં આપણને રસ પડે છે? ઘણી વાર તો અમુક અવાજો સાંભળીને એમ થાય કે આના કરતાં ઓછું સંભળાય એ સારું.
પણ સંભળાય ત્યારે જ્યારે કોઈ બોલે. કર્ણપ્રિય બોલે. કર્ણપ્રિય બોલ જળવાઈ રહે એટલા માટે જ વૉઇસ ડેની ઉજવણી કરવામાં આવે છે. ધ્યાનથી જોઈએ તો સમજાશે કે આપણી આસપાસના કેટલાય અવાજો આજકાલ સાવ લુપ્ત થઈ ગયા છે.
ડાંગનો યુવા સંશોધક જિતેન્દ્ર ગવલીએ આદિવાસી પંથકના દોઢસોથી વધારે હાલરડાંને રેકોર્ડ કરી તેનો અવાજ સાચવવા પ્રયાસ આદર્યો છે.
એવો પ્રયાસ આખા ગુજરાતમાં થાય તો ઘણા અવાજો સાચવી શકાય. પણ અવાજ સાચવવા માટે સંશોધક હોવાની જરૂર નથી. આપણાં સંતાનોને હાલરડાં સંભળાવાનું ચાલું રાખીએ તો એ પણ મોટું જ કામ છે.
હાલરડાં હવે કોણ ગાય છે? નથી ગવાતાં એવુંય નથી, પણ પ્રમાણ તો ઘટી જ ગયું છે ને! એક સમયે બાળકનો જન્મ થાય એ પછી માતા, કાકી-દાદી... કે ઘરની જે પણ મહિલા હોય એ હીંચકા નાખતી વખતે હાલરડાં અચૂક ગાય. આજે એ કામ મોબાઈલફોને હાથમાં લઈ લીધું છે. એમાંય હાલરડાં સંભળાવવા હોય તો મળે પણ એના બદલે બાળકો અંગ્રેજી ગીતો સાંભળતા જોવા મળે છે.
હાલરડાં બાળકોનાં ઘડતર માટે મહત્ત્વનાં છે એ હવે તો વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે, પણ અત્યારના ઝડપી યુગમાં બાળઉછેર પણ ઝડપી બન્યો છે. ધીમે સાદે ગવાતાં હાલરડાંનું એમાં કદાચ સ્થાન નથી, પણ એવા ઘણાય અવાજો છે, જે હવે બહુ ઓછા સાંભળવા મળે છે.
પક્ષીઓના કલરવનો અવાજ ઓછો થયો છે, પરંતુ વહેલી સવારે, શહેરી ભીડભાડથી થોડે દૂર જઈએ તો આ કાને અથડાય છે.
ગામના પાદરમાં એક સમયે ટીમ ઉતરતી. વાસણોને કલઈ કરનારા અને પછી રિપેર કરનારા પણ. એ રિપેરિંગ કરે ત્યારે તેનો અવાજ ઘોંઘાટને બદલે લયબદ્ધ લાગતો. સ્ટેનલેસ સ્ટીલ અને ટેફલોનનાં વાસણોને કારણે ધાતુનાં જૂનવાણી વાસણોનો વપરાશ ઓછો થયો છે.
એક સમયે સ્વદેશીકરણના ભાગ રૂપે, કંઈક અંશે શોખ માટે રેટિંયો પણ ક્યાંક ક્યાંક ચાલતા. અંબર ચરખા કે પછી રેટિંયાનો અવાજ હવે સંસ્થાઓ સિવાય સાંભળવો અઘરો છે. એમાં પણ મશીનોનું પ્રમાણ વધ્યું એટલે દેશી અવાજ વિસરાયો છે. રૂ પીંજવાની પ્રથા હવે બહુ રહી નથી. બાકી તેનો પણ ખાસ અવાજ હોય છે.
ટાઈપરાઇટર દ્વારા ટાઈપિંગ કરવામાં આવે ત્યારે ચોકક્સ અવાજ આવતો. ટાઈપરાઈટરો હવે સમય સાથે જૂનાં થયાં અને ઉપયોગી રહ્યાં નથી. ઉત્પાદન પણ બંધ થયું છે. તેના બદલે કમ્પ્યુટરનાં કી-બોર્ડનો અવાજ આવતો રહે છે.
સવાર પડે એટલે રેડિયો શરૂ થાય. રેડિયો પર આકાશવાણીની સિગ્નેચર ટ્યૂન તો સાંભળવા મળતી જ, પણ બીજો એક અવાજ આવતો જે આજે લુપ્ત છે. એ અવાજ એટલે ઘરઘરાટીનો અવાજ, કેમ કે રેડિયો પર સ્ટેશન મેળવવા માટે ચકરડું આમ-તેમ ઘુમાવવું પડે, જેમાં ઘરરાટી પણ આવતી.
ગોધૂલીનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી.. મેઘાણીએ લખેલા ગુજરાતી સાહિત્યના અમર પત્ર ‘લિ.હું આવું છું'ના આ અંશો છે. કલકતા કામ કરતા મેઘાણીને ગુજરાતના બે અવાજોની ખોટ બહુ સાલતી હોવાનું પત્રમાં સ્પષ્ટ થાય છે. એક તો સાંજ પડ્યે પશુ પાછાં ઘર તરફ આવતા હોય ત્યારે વાગતી તેમની ટોકરી. સાથે સાથે પશુઓના પગનો રવ પણ ખરો, કેમ કે આખું ધણ આવતું હોય ત્યારે એનોય તાલબદ્ધ અવાજ આવે.
ઝાલરટાણું આજેય થાય છે અને ગામનાં મંદિરોમાં ઝાલર વાગે છે. હવે જોકે ઈલેક્ટ્રિક નગારાં આવી ગયાં છે એટલે નગારું વગાડવાનો કે પિત્તળના ઘંટ પર ડંકા પાડવાનો એ આનંદ કદાચ સૌ કોઈને મળી શકતો નથી.
પનિહારી પાણી ભરવા જાય ત્યારે બેડાંનો અવાજ આવતો. હવે નળ ચાલુ કરીએ એટલે પાણીનો અવાજ જરૂર આવે પણ એ બેસિનમાં અથડાવાનો હોય છે.
એ રીતે તો ખેડૂના ઘરમાં સવારે વલોણું ગાઝતું, વહેલી ઊઠીને સ્ત્રીઓ વાસીંદુ વાળે તો સાવરણો ફરવાનો અવાજ આવતો, ઓસરીમાં હીંચકો હોય તો એની સાંકળ-સળિયાનો અવાજ આવતો.. ને એવા ઘણાય અવાજો આવતા.
એ બધા અવાજોનું સ્થાન આધુનિક અવાજોએ લીધું છે. જરૂરી નથી કે લુપ્ત થયા એ બધા અવાજો કર્ણપ્રિય જ હતા, પણ એ અવાજો આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો તો હતા જ. આજે એ શાંત થયા છે, આજના અવાજો પણ આવતીકાલે શાંત થશે.
Read Original Article →