સાયબર સિક્યુરિટી:મ્યુલ એકાઉન્ટ: સાયબર ફ્રોડની આર્થિક જીવાદોરી
કેવલ ઉમરેટિયા ગયા અઠવાડિયાથી ગુજરાત પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ની શરૂઆત કરી દીધી છે. રાજ્યભરના પોલીસ કમિશનર અને SPને સીધા આદેશ આપવામાં આવ્યા કે ‘મ્યુલ એકાઉન્ટ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક કરો.’
આ કંઈ પહેલી વાર નથી. ડિસેમ્બર 2025માં પણ ગુજરાત પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 1.0’ કર્યું હતું, જેમાં ₹2,289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો હતો. હવે સવાલ એ છે કે આ ‘મ્યુલ એકાઉન્ટ’ છે શું? પોલીસ શા માટે હાથ ધોઈને તેની પાછળ પડી છે? તેનાથી સાયબર ક્રાઇમ કઇ રીતે ઘટશે? મ્યુલ એકાઉન્ટ એટલે શું?
અંગ્રેજી શબ્દ ‘મ્યુલ’ (Mule)નો અર્થ થાય છે ખચ્ચર. એક એવું પ્રાણી જે બીજાનો ભાર ઊંચકે છે. પોતે મહેનત કરે છે પણ કમાણી તેનો માલિક કરે છે. બસ આ જ રીતે ડિજિટલ દુનિયામાં ‘મ્યુલ એકાઉન્ટ’ એટલે એવું બેંક એકાઉન્ટ કે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો પોતાની કાળી કમાણી સગેવગે કરવા અથવા તો તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે કરે છે.
કલ્પના કરો કે કોઈ ગઠિયાએ તમારી સાથે 5 લાખનું સાયબર ફ્રોડ કર્યુ. તે આ પૈસાને સીધા પોતાના અસલી બેંક એકાઉન્ટમાં નહીં નાંખે. આવું કરવાથી પોલીસ તેને તરત જ ટ્રેક કરીને પકડી લેશે. પોતાની સાચી ઓળખ છુપાવવા માટે જ આ ગુનેગારોને આવા ‘મ્યુલ એકાઉન્ટ્સ’ની જરૂર પડે છે. આ નેટવર્ક કેવી રીતે કામ કરે છે?
સાયબર ગુનેગારો અવારનવાર ગરીબ, અજાણ્યા, બેરોજગાર યુવાનોને અમુક હજાર રૂપિયા (કમિશન)ની લાલચ આપીને તેમનું બેંક ખાતું ‘ભાડે’ લઈ લે છે અથવા તો તેમના નામે નવાં એકાઉન્ટ ખોલે છે. જ્યારે કોઈ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ થાય છે, ત્યારે એ પૈસા સૌથી પહેલાં આ જ ભાડે લીધેલા ‘મ્યુલ એકાઉન્ટ્સ’માં જમા થાય છે. જેને ‘ફર્સ્ટ લેયર મ્યુલ એકાઉન્ટ’ કહેવાય છે. જે વ્યક્તિના નામે આ ખાતું હોય છે, તેને ‘મની મ્યુલ’ કહેવામાં આવે છે.
પૈસા આવતાની સાથે જ આ ભેજાબાજો ગણતરીની સેકન્ડોમાં જ એ રકમને ડઝનબંધ અન્ય મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દે છે. આવી ત્રણ-ચાર સાઈકલ ફરે છે અને અંતે ATM કે ક્રિપ્ટો કરન્સી દ્વારા પૈસા ઉપાડી લે છે. જ્યાં સુધી પોલીસ પહેલા ખાતા સુધી પહોંચે, ત્યાં સુધીમાં તો પૈસા ગાયબ થઈ ચૂક્યા હોય છે. લોકો બેંક એકાઉન્ટ ભાડે કેમ આપે છે ?
સૌથી મોટી સમસ્યા એ છે કે મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે તેઓ કોઈ મોટા ગુનામાં સામેલ થઈ ગયા છે. ઘણી વાર સીધાસાદા લોકો, વિદ્યાર્થીઓ કે મજૂરો થોડાક પૈસાની લાલચમાં પોતાનું બેંક ખાતું, ATM કાર્ડ, નેટ બેન્કિંગનો પાસવર્ડ અને પાસબુક કોઈ અજાણી વ્યક્તિને આપી દેતા હોય છે.
તેમને એમ જ લાગે છે કે તેઓ માત્ર પોતાનું એકાઉન્ટ ભાડે આપીને મફતનું કમિશન કમાઈ રહ્યા છે. તો વળી કેટલાક લોકોની જાણ બહાર જ તેમના KYC ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરીને નકલી એકાઉન્ટ ખોલાવે છે. પરંતુ યાદ રાખજો, કાયદાની નજરમાં જો તમારા ખાતામાંથી સાયબર ક્રાઈમના પૈસાની લેવડદેવડ થાય છે, તો તમે પણ એ ગુનામાં સરખા ભાગીદાર ગણાવ છો. ભલે તમે જાતે કોઇ ફ્રોડ નથી કર્યું, તો પણ પોલીસ સૌથી પહેલાં તમારા જ ઘરે આવશે. પોલીસના નિશાના પર કેમ છે આ નેટવર્ક?
કોઈપણ ઝેરી ઝાડને ખતમ કરવા માટે તેના પાંદડાં નહીં, પરંતુ તેનાં મૂળ કાપવા પડે છે. સાયબર ગઠિયાઓ માટે આ મ્યુલ એકાઉન્ટ્સ જ તેમની આર્થિક જીવાદોરી છે. તેના વગર તેઓ છેતરપિંડીના રૂપિયા ન તો મંગાવી શકે છે કે ન તો છુપાવી શકે છે. જ્યારે પૈસા 15-20 એકાઉન્ટમાંથી પસાર થઈ ચૂક્યા હોય, ત્યારે અસલી માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવું લગભગ અશક્ય બની જાય છે. ‘ઓપરેશન મ્યુલ હન્ટ 1.0’નાં પરિણામો ઘણાં જ સારાં રહ્યાં છે. એટલા માટે જ હવે બીજુ ઓપરેશન લોન્ચ કરાયું છે.
સરકાર અને પોલીસ તો આ દિશામાં કામ કરી રહી છે, પણ સાથે આપણે પણ કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઇએ. આ માટે એક વાત હંમેશાં યાદ રાખો કે કોઇ ગમે તેટલું કમિશન આપે તમારું બેંક એકાઉન્ટ કોઈને ક્યારેય ‘ભાડે’ ન આપો. કોઈપણ અજાણી વ્યક્તિના કહેવા પર પૈસા ટ્રાન્સફર ન કરો. અને જો અચાનક તમારા એકાઉન્ટમાં એવી કોઈ મોટી રકમ જમા થાય, જેની તમને અપેક્ષા ન હોય તો તરત જ બેંકને જાણ કરો.
સતર્ક રહો, લાલચથી બચો અને ડિજિટલ દુનિયામાં તમારી પરસેવાની કમાણીને સુરક્ષિત રાખો.
Read Original Article →