વસુંધરાના વહાલાં દવલાં:ગુજરાતના સમુદ્રમાં ઉકળતું જોખમ : બ્લ્યૂ દરિયાનું હિડન રેડ એલર્ટ

Magazine5/13/2026, 12:35:00 AM
વસુંધરાના વહાલાં દવલાં:ગુજરાતના સમુદ્રમાં ઉકળતું જોખમ : બ્લ્યૂ દરિયાનું હિડન રેડ એલર્ટ
ભારતનો સૌથી લાંબો દરિયો ધરાવતું ગુજરાત આજે એક એવા સંકટના ઉંબરે ઊભું છે જે દેખાતું નથી, પણ અનુભવાઈ રહ્યું છે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ (INCOIS) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી ચેતવણી મુજબ, અરબ સાગર અને હિંદ મહાસાગરનું તાપમાન ગંભીર સપાટીએ પહોંચી ગયું છે. આ માત્ર ગરમી વધવાની વાત નથી, પરંતુ સમુદ્રી જીવન, માછીમારોની આજીવિકા અને ગુજરાતના અર્થતંત્ર માટે રેડ એલર્ટ છે. ગુજરાત સહિત દેશના વિવિધ દરિયાકાંઠાના 22% વિસ્તારમાં અત્યારે ‘વોચ’ અને 9% વિસ્તારમાં ‘એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. મરીન નેશનલ પાર્ક (જામનગર) વિશ્વના સૌથી સહનશીલ પરવાળા માટે જાણીતો છે. પરંતુ જો પાણીનું તાપમાન સતત ઊંચું રહેશે, તો પરવાળાનું ‘બ્લીચિંગ’ થશે, જેમાં તે સફેદ થઈને નાશ પામશે. પરવાળા માત્ર પથ્થરો નથી, પણ દરિયાઈ જીવસૃષ્ટિની ‘નર્સરી’ છે. જો તે નાશ પામશે, તો માછલીઓનાં પ્રજનનસ્થળો ખતમ થઈ જશે. માછીમારી ઉદ્યોગ અને આર્થિક ફટકો ગુજરાત ભારતનું સૌથી મોટું મત્સ્ય ઉત્પાદક રાજ્ય છે. વેરાવળ, પોરબંદર અને માંગરોળ જેવાં બંદરો પરથી કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે. ગરમ પાણીને કારણે માછલીઓ, ખાસ કરીને પેલેજિક ફિશ જેવી કે મેકરેલ અને સારડિન ઊંડા અને ઠંડા પાણી તરફ સ્થળાંતર કરી રહી છે. માછીમારોએ હવે માછલી પકડવા માટે દરિયામાં વધુ ઊંડે જવું પડે છે, જેનાથી ડીઝલનો ખર્ચ વધે છે. આ પરિસ્થિતિ નાની બોટ ધરાવતા માછીમારો માટે આર્થિક રીતે કમરતોડ સાબિત થઈ રહી છે. આ ઉપરાંત સમુદ્રી ફૂડ-વેબ ખોરવાતાં માછલીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ચક્રવાતની વધતી તીવ્રતા અરબ સાગરના ગરમ થવાથી ગુજરાત પર ચક્રવાતનું જોખમ પણ વધી રહ્યું છે. ગરમ પાણી ચક્રવાત માટે ‘ઈંધણ’નું કામ કરે છે. તાજેતરનાં વર્ષોમાં ‘તૌકતે’ અને ‘બિપરજોય’ જેવાં વાવાઝોડાંએ જે વિનાશ વેર્યો છે, તે સમુદ્રી તાપમાનમાં વધારાનું જ પરિણામ છે. ગરમ સમુદ્ર વાવાઝોડાને ઝડપથી મજબૂત બનાવે છે અને તે કિનારા સુધી પહોંચતા વધુ ઘાતક બને છે. ગ્લોબલ વોર્મિંગ, લોકલ વોર્નિંગ આ સમસ્યા વૈશ્વિક હોવા છતાં, સ્થાનિક સ્તરે આપણે સજ્જ થવું પડશે. માછીમારો અને દરિયાઈ સત્તામંડળોએ આયોજન કરવું પડશે. કચ્છ અને ખંભાતના અખાતમાં મેન્ગ્રોવ્સ (ચેરનાં વૃક્ષો)નું વાવેતર વધારવું જોઈએ, કારણ કે તે ગરમી શોષવામાં અને કિનારાના ધોવાણને અટકાવવામાં મદદરૂપ થાય છે. ‘સસ્ટેનેબલ ફિશિંગ’માં માછલીઓના પ્રજનન કાળ દરમિયાન માછીમારી પરના પ્રતિબંધનું કડક પાલન જરૂરી છે, જેથી ભવિષ્યમાં માછલીઓનો સ્ટોક જળવાઈ રહે. દરિયાઈ ગરમીનાં મોજાં શું છે? જેમ જમીન પર હીટવેવ આવે છે, તેમ સમુદ્રની સપાટીનું તાપમાન જ્યારે સામાન્ય સરેરાશ કરતાં લાંબા સમય સુધી ઘણું ઊંચું રહે છે, ત્યારે તેને ‘મરીન હીટવેવ’ કહેવામાં આવે છે. INCOISના અહેવાલ મુજબ, અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને આંદામાનના દરિયાઈ વિસ્તારોમાં તાપમાનમાં 0.5થી 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો જોવા મળ્યો છે. અરબી સમુદ્રનો લગભગ 22 ટકા વિસ્તાર હાલમાં ‘વોચ’ શ્રેણી હેઠળ છે, જ્યારે ગુજરાતથી લઈને કેરળ સુધીના પશ્ચિમ કિનારાના વિસ્તારો ગંભીર અસર હેઠળ છે.
Read Original Article →