સહજ સંવાદ:ગુજરાત વિશેનો નાદાન ભ્રમ: કારણો એક નહિ, અનેક!

Magazine4/15/2026, 12:35:00 AM
સહજ સંવાદ:ગુજરાત વિશેનો નાદાન ભ્રમ: કારણો એક નહિ, અનેક!
આ જકાલ ગુજરાત વિશે તરેહ-તરેહનાં વિધાનોની ભરમાર ચાલી છે. બંગાળમાં એવું કહેવાયું કે ગુજરાતમાં આઝાદીની લડાઈ બંગાળ જેવી અને જેટલી નથી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એવું વિધાન કર્યું કે આ ભાજપ ગુજરાત અને બીજે લોકો અભણ હતા એટલે મૂર્ખ બનાવી શક્યું, કેરળમાં એવું નહીં થાય. ખરેખર તો કેરળ વિશે કહેવું હોય તો ખડગેએ ડાબેરી મોરચા અને સામ્યવાદીઓ વિશે કહેવું જોઈતું હતું. પણ એવું લાગે છે કે તેમના અજ્ઞાત મનમાં ભારતના અન્ય પ્રદેશોની થઈ રહેલી ચૂંટણી હશે. એકે ગુજરાતને અભણ કહ્યું, બંગાળમાં ગુજરાતના સ્વતંત્રતા આંદોલનમાં નહિવત્ પ્રદાનની વાત થઈ. અગાઉ એક મોટા બંગાળી વિદ્વાને એવું કહ્યું હતું કે અમે બંગાળીઓ તો શક્તિના પૂજક રહ્યા છીએ, ગુજરાતમાં રામ હોઈ શકે! દેવી-દેવતાઓ અને આસ્થાસ્થાનો તેમજ પ્રાચીન ગ્રંથો એટલાં સર્વસ્પર્શી અને વ્યાપક છે કે તેના વિશે અલગ અભિપ્રાયો રહ્યા છે. એકવાર અમદાવાદમાં રાવણની શ્રેષ્ઠતા વિશે પરિસંવાદ આયોજિત થયો હતો. જે.એન.યુ.માં મહિષાસુરના વખાણ કરતી પરિષદ થઈ હતી. રામાયણ એક નથી, અનેક છે, તેમાં પણ રામ, રાવણ, સીતા, લક્ષ્મણ વિશે આપણને ગમે નહીં તેવાં વર્ણનો પણ છે. રામનું કોઈ અસ્તિત્વ જ નથી એવું રામ-સેતુ અને અયોધ્યા મંદિર વિશે ક્યાં નહોતું કહેવાયું? 1857ની વીર વિપ્લવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તદ્દન ચરિત્રહીન હતી, પોતાના પતિને મરાવી નાખ્યો હતો એવું વર્ણન કરતી નવલકથાઓ બ્રિટિશ લેખકોએ લખી હતી. લંડનમાં બ્રિટિશ અખબારોએ લેખો લખ્યા ત્યારે ઈન્ડિયા હાઉસના ક્રાંતિકારીઓએ સાવરકરને કહ્યું અને તેમણે ઇન્ડિયા હાઉસ લાઈબ્રેરીમાં છ મહિના અભ્યાસ કરીને ‘1857નો સ્વાતંત્ર્ય સમર’ પુસ્તક લખ્યું. બ્રિટિશ સરકારે તેના પ્રકાશન પૂર્વે જ પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતમાં પંડિત સુંદરલાલના આવા બે ગ્રંથો પણ સરકારને ગમ્યા નહીં અને જપ્ત કર્યા હતા. ગુજરાત વ્યાપારીઓનો પ્રદેશ છે એવું પહેલેથી કહેવામાં આવ્યું તે સ્વાભાવિક છે. આવડો મોટો દરિયાકિનારો હોય તેના લોહીમાં સાહસ કેમ ના હોય? મકરંદ મહેતાનું ‘ગુજરાત અને દરિયો’ પુસ્તક વાંચવા જેવું છે. આ પ્રજા calculative છે, રાજનીતિ કે સમાજનીતિ સર્વત્ર તે ગણતરીપૂર્વક ચાલે છે. સુરત અને અમદાવાદના શ્રેષ્ઠીઓ બ્રિટિશ દરબારમાં વગ ધરાવતા હતા. કચ્છી શ્રેષ્ઠીઓને પૂછીને અરબ રાષ્ટ્રોમાં સત્તાધીશો શાસન ચલાવતા એવાં ઘણાં નામો છે. એટલે અત્યાર સુધી લખાયેલા ઇતિહાસોમાં વેપારી, ડાહ્યું, અહિંસક ગુજરાત કહેવાયું. ગુજરાત એટલે માત્ર ગાંધીનું ગુજરાત, સાબરમતી આશ્રમ, બારડોલી અને દાંડી જ નથી. 100 જેટલાં સ્થાનોએ 1857નો જંગ થયો, યુદ્ધો થયાં, મહીસાગરના કિનારે 250 ગ્રામજનોને ફાંસી, સમૌમાં વણિક અને ઠાકોરને ફાંસી, અમદાવાદમાં શાહીબાગ લશ્કરી કેન્ટોન્મેન્ટમાં અનેક સૈનિકોને ગોળીથી ઠાર કરાયાની ઘટનાઓ, દ્વારિકામાં લડાયક વાઘેર-માણેક સ્ત્રીઓએ સમુદ્રમાંથી બ્રિટિશ સેનાનાયક ડોનાવનની સેનાએ છોડેલા તોપના ગોળાને ભીંજવેલાં ગાદલાં, ગોદડાં, તકિયામાં ઝીલીને રચેલી વીરગાથા, પોરબંદરના છગન ખેરાજ વર્માનું વેનકુવરમાં ગદર પાર્ટીના સંગઠન અને કોમાગાટા મારુ જહાજની કાનૂની લડાઈનું પ્રકરણ તો ગુજરાતમાં જ ભૂલી જવાયું હતું! પછી સિંગાપુરમાં તેને અપાયેલી ફાંસી કે સાનફ્રાન્સિસ્કોમાં ગદર ગુજરાતી અખબારનું તંત્રીપદ તો કોને યાદ હોય? આવું જ વડનગરના નાગર બ્રાહ્મણ ભગવતીચરણ વહોરાની સરદાર ભગતસિંહના પરમ પ્રિય સાથીદાર તરીકેની શહાદત વિશે બન્યું છે. નરેન્દ્ર મોદીનું વતન હોવા છતાં શહીદ વહોરા દંપતી વિશે કોઈ સ્મારક નથી, પોરબંદરમાં પણ હુતાત્મા છગન ખેરાજ ઉપેક્ષિત અને અજ્ઞાત છે! શ્રી અરવિંદે વડોદરામાં રહીને ‘ભવાની મંદિર’ પુસ્તિકા 125 વર્ષ પહેલાં લખી તેમાં ભારત માતાનું શક્તિ સ્વરૂપ છે. અહીં જ ચાંદોદ-કરનાળીમાં ગંગાનાથ વિદ્યાલયે બારીન્દ્ર ઘોષ, જતીન મુખર્જી, ઉપેન્દ્ર ચટ્ટોપાધ્યાયને ક્રાંતિ-દીક્ષા થઈ હતી. ગુજરાત વિશેની ખોટી આલોચના માટે આપણા પોતાના બે મોટા દોષ છે, કારણો છે. એક, વિસ્મૃતિનો અભિશાપ અને બીજું પોતાના ગૌરવ વિશે જ અજ્ઞાન. આ વિસરાયેલાં ગૌરવસ્થાનોની અધૂરી યાદી જાણવી છે? અમદાવાદ, તાજપુર, વડોદરા, સુરત, પાલનપુર, પાટણ, કડી, જૂનાગઢ, વડનગર, પોરબંદર, પ્રતાપપુરા, તારંગાનાં જંગલો, સીપોર, સરણા, છાબલીયા, કબીરપુર, દમલા, ઇડર, લોદરા, રીદરોડા, સમૌ, મુડેટી, સમી, ડીસા, આબુ, નગરપારકર, કટોસણ, દેવરાસન, વસઈ, વિજાપુર, માણસા, પેથાપુર, ડાભલા, દુબારા, સંડેરા, સંગરોડા, કનેરિયા, અનોડિયા, આગલોડ, આજોલ, પિલવાઈ, ખેડા, ઠાસરા, ખંભાત, વડતાલ, છોટા ઉદેપુર, ઉનાવા, કોડીનાર, માછરડા, મોરબી, ભાવનગર, ભાલોદ, કોરલ, સંતરામપુર, શિહોર, સામરખા, પાલા, દ્વારિકા, બેટ દ્વારિકા, આરંભડા, નંદાણા, નવસારી, રંગૂનમાં ગુજરાતીઓનું આઝાદ હિન્દ ફોજમાં નાણાકીય અને યુદ્ધમાં પ્રદાન, ચાનડુંપ, આણંદ, કડી, મીયાગામ... ગુજરાતી વિપ્લવવીરોને આજન્મ કારાવાસ અને આંદામાનની સજા થઈ તેનો મુખી હતો ગરબડદાસ. સરકાર અને સમાજમાં જો ઇતિહાસબોધ હોય તો આણંદની લોટિયા ભાગોળ કે ઊંડી શેરીમાં ભવ્ય સ્મારક બનાવી શકે. અહીં 1857ના સંગ્રામમાં મૂળજી વેણીરામ જોશી, જીવાભાઈ ઠાકોર, કૃષ્ણારામ દવે, આહજી પગી, બાપુજી પટેલ પણ હુતાત્મા થયા. ખાનપુરમાં જીવાભાઈ ઠાકોરને ફાંસી આપવામાં આવી હતી. સુરતમાં શાયર ફાંસીએ ચઢ્યો હતો. મગદલ્લાની મરદાની કોળી જીવીબાઈએ બ્રિટિશ સૈનિકના અત્યાચારની સામે લડીને તેને ખતમ કર્યો હતો. ના, આ દંતકથાઓ નથી, ઇતિહાસ છે.
Read Original Article →