બુધવારની બપોરે:ઐસી ‘લાગી’ લગન

Magazine5/20/2026, 12:35:00 AM
બુધવારની બપોરે:ઐસી ‘લાગી’ લગન
સ્વભાવે કે વર્તનમાં હું હત્યારો નથી. મેં તો આજ સુધી કોઈને થપ્પડે મારી નથી. નબળા કે ખીજ ચઢે એવા અનેકને મેં સદીઓથી ચલાવી લીધા છે. મારી સહનશક્તિ અપાર છે. છતાં ય, કોઈના સ્ટેજ-પ્રોગ્રામમાં 14-15 વક્તાઓ હોય અને મારે ઓડિયન્સમાં (કે ઈવન, સ્ટેજ પર) બેસવું જ પડે એવું હોય તો મારી લાચારી ઉપર દયા આવે છે. થૂંકની માફક ગુસ્સો ગળી જઉં છું. 55 વર્ષોનો મારો રેકોર્ડ છે કે, સ્ટેજ પરથી હું એક પણ વાર 20-મિનિટથી વધુ બોલ્યો નથી. આ 20-મિનિટ તો લાઈફમાં માંડ એક-બે વાર, બાકી મને જ કોઈના લાંબા લાંબા ભાષણો ગમતા નથી, ત્યાં હું પોતે એવું શું કામ કરું? એમાં ય, ઓડિયન્સમાં દાઢી ઉપર હાથ ટેકવીને મેક્સિમમ કેટલી વાર બેસી શકો? અફ કોર્સ, દાઢી એની એ રાખીને હથેળી બદલાય પણ, આમાં બાજુવાળાને રિક્વેસ્ટ તો ન કરાય ને કે, ‘ભાઈ, આનું લેક્ચર હજી ત્રણેક કલાક જેટલું ચાલે એવું છે...કૃપા કરીને મારી દાઢી પર થોડી વાર હાથ રાખી શકશો?’ એકલા એકલા તો આપણે થાકી જઈએ ને? જોકે, એ કળામાં ય હું બે-ચાર વાર નિષ્ફળ ગયો હતો. એક બાજુવાળો હાથમાં તમાકુ મસળી મસળીને ખાતો હશે, એટલે એનો હાથ ગંધાય ને બીજી વાર એક રૂપાળા બેન હતાં, પણ એનો ગોરધન એની સાથે બેઠો હતો, એટલે એને ય ન કહેવાય કે, ‘જરા વાર મારી દાઢી પર હાથ મૂકી રાખો ને? હું આ લાંબા ભાષણોથી કંટાળ્યો છું!’ આપણે વિવેક-વિનયમાં માનનારા એટલે એના ગોવર્ધનના દેખતા તો આ કામ એને ન જ સોંપીએ. વૈજ્ઞાનિક દૃષ્ટિએ મેં એ જોયું છે કે, શ્રોતાગણમાં બેઠાં પછી દાઢી પર હાથ રાખીને બેસવું આપણા શરીરના રુધિરાભિસરણને ફાયદો કરાવે છે. લોહી એક જ લમણે જામી જતું નથી. વળી, હૉલમાં ફોટોગ્રાફર ફરતો હોય ને આપણો પાડે, તો ફોટા ય સારા આવે છે. દાઢી પર હાથ રાખીને ફોટા પડાવનાર એક માત્ર નેહરુજી હતા. સવાલ એ ઊભો થાય છે કે, વક્તાઓ આડેધડ મંડ્યા હોય ને કોઈ એમને રોકનારું ન હોય તો એ લોકો તો એમ સમજી બેસે છે કે, બધા મને જ સાંભળવા આવ્યા છે. સવાલ એ છે કે, ટાઈમ-લિમિટ આપી હોવા છતાં હરએક વક્તો લાંબું ને લાંબું કેમ ખેંચે રાખે છે? એક કારણ એ પણ મળે છે કે, વર્ષમાં માંડ એકાદવાર એમને સ્ટેજ મળ્યું હોય છે ને એમાં ય પોતે માની બેઠો હોય કે, લોકો મને જ સાંભળવા આવ્યા છે! આવા વક્તાઓને તો ચાલુ સ્ટેજે એકીઓ ય નથી લાગતી કે, આપણને બે-પાંચ મિનિટની રાહત મળે! જોકે, જોવામાં તો એવું ય આવ્યું છે કે, એ ઘાટ પર પહોંચ્યા પછી, આજુબાજુમાં ‘ક્લિયર’ થવા આવ્યા હોય, એમને ય પોતાના આવનારા પ્રવચનની છાંટ આપે છે...ઘટનાસ્થળે જ! ‘....તો હું એમ કહેતો’તો, મારા પ્રવચનમાં કે....!’ સમારંભના આયોજકો એ નક્કી કરવાનું ભૂલી ગયા હોય છે કે, વક્તાએ મેક્સિમમ કેટલું બોલવું! અફ કોર્સ, એમને ટાઈમ 10 મિનિટનો આપ્યો હોય તો આપણે 30-મિનિટ ગણી લેવાની! એ 30-મિનિટ પછી તો એના લેક્ચરની શરૂઆત કરે. એ દરમિયાનમાં આયોજકોના વખાણ અને પોતાના વિશે અદભુત વાતો પતાવે છે. સામેની બાજુએ શ્રોતાઓ મજબૂરીથી પડ્યા રહે છે. એમનો કંઈ અવાજ હોતો નથી ને બધા પાડે ત્યારે તાળીવૃંદમાં જોડાવાનું હોય છે. હા, બધાની તાળીઓનો પ્રચંડ ધ્વનિ આવતો નથી. ઘણા તો રમીના પત્તાં ચીપતા હોય એટલો જ પટપટ અવાજ કાઢી શકે છે. બહુ વર્ષો પહેલાં જોવામાં આવતું કે, હતાશ શ્રોતાઓ પાસે સ્ટેજ પર ફેંકવાનાં જુદાં ચપ્પલો રહેતાં અને કચ્ચી કચ્ચીને ફેંકતા ય ખરા! હવે, સમાજ સુધર્યો છે. મૂંગા મોંઢે માર સહન કરી લેવાનો પણ સ્ટેજ પર ફેંકવા-બેંકવાનું કંઈ નહિ! મારા ખ્યાલથી શહેરોના દરેક હૉલમાં હવે જમીન સાથે જડાયેલી તોતિંગ ખુરશીઓ હોય છે અને પહેરેલાં ચંપલ પણ ફેંકાતા નથી. હવે ચાલુ ભાષણે શ્રોતાઓમાંથી કોઈ અવાજ કરતું નથી. ઓલમોસ્ટ બધા પરણેલા હોય છે, એટલે એકની એક વ્યક્તિ બોલે, ને એ સાંભળતો રહે, એવું તો ઘેર ઘેર થઈ ગયું છે. વક્તા (આઈ મીન, ‘વક્તી’ને) ઘરે સાંભળવી અને હૉલમાં કોઈ બોરિંગ વક્તાને સાંભળવા વચ્ચે ફેર છે. હૉલમાં તમે પ્રવચન સાંભળતા કંટાળ્યા હો, તો હળવા થવાના વિભાગમાં બે ઘડી જઈ અવાય છે, પણ ઘરમાં ક્યાં જાઓ? (ઇન કેસ, હિમ્મત કરીને જાઓ તો ય બહારથી એના અવાજો ચાલુ હોય!) આપણે જવું હોય ને બાજુવાળાને ખસેડવો પડે, એ ઘટના ફ્લાઇટમાં બહુ બનતી હોય! ત્યાં તો આપણો ‘ઈગો’ નડતો હોય એટલે દોઢ કલાકની ફ્લાઇટમાં બાજુવાળા સાથે ‘હેલ્લો-હાય’ પણ થાય નહિ! ત્રણમાંથી આપણી વચલી સીટ આવી હોય ને આપણે ઊભા થવું હોય એ ય બહારવાળાને ગમતું નથી, કેમ જાણે આપણે રિક્વેસ્ટ કરી હોય, ‘ચલો ને જરા,,,,આઈએ છીએ!’ અથવા તો આપણે બદલે એ જઈ આવે, એવી રિક્વેસ્ટ ય ન કરાય! આપણી તો મુશ્કેટાટ જરૂરિયાત હોય ને એણે આપણને સહકાર આપવો જોઈએ, એના બદલે મોંઢાં બગાડે, એમાં પેલી આવેલી ય જતી રહે! આમાં પાછું, બીજો ગુન્હો ય આપણે તરત જ કરવો પડે છે, પાછા આવવાનો! એમાં ય એને ઊભો તો કરવો પડે! એને ઊભા થતા થતી વાર પ્લસ આપણને પાછા ઘુસતા થતો સમય એને બહુ ચીડવે છે. વચમાં આપણે તો ફક્ત ‘એક્સક્યૂઝ મી’ અથવા એવું લાગતું હોય તો મરેલું સ્માઈલ આપીને ‘સૉરી’ કહેવાનું. એમાં બધા ગુન્હા માફ! (એ માફ ન કરે તો બીજું કરી ય શું શકવાનો છે?) ગુજરાતી ભાષાના આ બે શબ્દો મને સમજાયા નથી. ‘એકી શ્વાસે!’ આ બન્ને ક્રિયાઓ એક સાથે સંભવિત છે ખરી? સિક્સર સહન ન થાય એટલી ઠંડી પડે, ત્યારે આઠ-દસ ગોદડાં વીંટાળી દેવાય, પણ સહન ન થાય એવી ગરમી પડે ત્યારે ગંજીફરાકે ય કાઢી નાંખવું પડે?
Read Original Article →