ગતકડું:તમને હોટલમાં ઓર્ડર કરતા આવડે છે?
ડૉ. પ્રકાશ દવે ‘આદાળ સાવ ઠંડી થઈ ગઈ છે. રોટલીમાં આજે કાંઈ ઠેકાણું નથી. શાકમાં આટલી બધી ચટણી હોય? છાશમાં કંઈક પડ્યું હોય એવું લાગે છે, બીજી આપી જા…!’
જમતાં જમતાં કોઈ પુરુષ નારાજગી સાથે આવું બોલતો હોય તો સમજી લેવાનું કે એ હોટલમાં જમી રહ્યો છે, ઘેર પત્નીનું બનાવેલું નહીં!
એક પત્નીએ એના પતિને પૂછ્યું, ‘આજે શાક વધારે ખારું થઈ ગયું છે ને?’
‘ના, એટલું બધું ખારું નથી.’ પતિએ વ્યૂહાત્મક જવાબ આપ્યો.
‘એટલું બધું ખારું નથી મતલબ?’ પત્નીએ પતિના જવાબમાં રસ દાખવ્યો.
‘એટલું બધું મતલબ કાલ જેટલું ખારું નથી એમ.’ પતિએ થોડી હિંમત એકઠી કરીને કહ્યું.
‘તો કાલે મને ‘શાક ખારું છે’ એમ કેમ કહ્યું નહીં?’ પત્નીએ મોર્ચો માંડ્યો.
‘કેમ કે કાલે પરમ દિવસ જેટલું ખારું નહોતું.’ પતિ હોશિયાર વત્તા અનુભવી હતો.
ઘેર જે ડરતાં ડરતાં પણ નથી કહી શકાતું એ હોટલમાં સરળતાથી કહી શકાય છે, એટલે પુરુષોને હોટલમાં જમવા જવું ગમે છે. આમ પણ હોટલમાં જઈએ એટલે આપણે વી.આઈ.પી. હોઈએ એવી ફીલિંગ આવવા માંડે છે. વેચાતી ન હોવાથી વળગી રહેલી જૂની કાર લઈને હોટલ જઈએ તો પણ પાર્કિંગ કરાવવા માટે એક-બે ચોકીદારો ખડે પગે હોય છે.
જેવા હોટલમાં પ્રવેશ કરીએ એટલે તરત ડોરકીપર પત્નીની હાજરીમાં જ આપણને ઝૂકી ઝૂકીને સલામો ભરે છે અને મીઠાં વેણ બોલે છે! પેઢી દર પેઢીથી આપણા પરિવાર માટે અનામત રાખ્યું હોય એમ એક ટેબલ તરફ આપણને દોરી જવામાં આવે છે. ગમે એ ધંધો કરતા હોઈએ કે ન કરતા હોઈએ પણ આપણને ‘સાહેબ’ કહીને જ બોલાવવામાં આવે છે. અને આપણાં પત્નીને ‘મેડમ’ અને ખભે થોડું મોંઘું પર્સ હોય તો ‘મેડમજી’ કહીને જ બોલાવવામાં આવે છે.
વેઇટરો ખૂબ અનુભવી હોય છે. એ મેનૂ સાહેબના હાથમાં જ મૂકે છે અને ઓર્ડર લેવા મેડમ તરફ નજર કરીને ઊભા રહે છે. જોકે મોટાભાગનાં મેડમો વેઇટર સાથે ડાયરેક્ટ ડીલ કરતા નથી. એ એની ઈચ્છા એના પી.એ. (અહીં, પી.એ. એટલે પતિ!) મારફત જ વેઇટર સુધી પહોંચાડે છે. અહીં જોકે, કહાનીમાં ટ્વિસ્ટ જેવું થાય છે. ઘણા પુરુષોને ઘેર ફાવટ ન હોવાથી હોટલમાં પણ ઓર્ડર કરતા આવડતું નથી! એટલે એ રીતસરના ગોટા વાળવા માંડે છે. જેને હોટલમાં ઓર્ડર આપતા આવડે છે એ પુરુષોને ‘શું ખાવું’ એ વિશે સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા હોતી નથી. સરવાળે, આખો મામલો ફરી ફરીને બોસ પાસે આવે છે (અહીં, બોસ એટલે પત્ની!).
સમૂહમાં જમવા જવાનું બને ત્યારે મેનૂ નક્કી કરવામાં જેટલો સમય લાગે છે, એટલો સમય જમવામાં પણ નથી લાગતો. મસાલા ઢોંસા ખાવાનું નક્કી થાય તો એક વ્યક્તિ મૈસૂર ઢોંસાનું ફોર્મ ભરે છે. ઈડલી-સાંભાર મંગાવો તો બે જણા બળવો પોકારે છે. છેવટે ‘જેને જે ખાવું હોય એ મંગાવવું’ એવો ઠરાવ પસાર કરવામાં આવે છે. વેઇટર એક-એકને પૂછીને યાદી તૈયાર કરે ત્યાં સૌથી પહેલાં ઓર્ડર આપ્યો હોય એનો વિચાર બદલાય છે અને એ ‘પંજાબી’ મેનૂમાંથી રાજીનામું આપી ‘સાઉથ’ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરે છે.
પારકાં ભાણે લાડવો મોટો લાગે એ કહેવત હોટલમાં ખાસ લાગુ પડે છે. આપણે અનેક બેઠકો અને ગહન ચર્ચા-વિચારણા પછી જમવાનું મંગાવ્યું હોવા છતાં, જમવાનું ચાલુ કર્યા પછી બાજુના ટેબલ પર આવેલું જમવાનું વધારે સારું લાગે છે. આપણે છેતરાઈ ગયાં અને પૈસા પડી ગયાં એવી લાગણી જમીએ ત્યાં સુધી થયાં કરે છે. અમુક કેસમાં પતિ અને પત્ની આ ‘ભંગાર મેનૂ’ પસંદ કરવા બદલ એકબીજા પર દોષારોપણ કરે છે. જેનું છૂટક છૂટક મનોરંજન આજુબાજુના ટેબલવાળાને પણ મળે છે.
હોટલનું બિલ કોણે ચૂકવવું એ વિશે કાઉન્ટર ઉપર નાનકડા યુદ્ધ જેવું વાતાવરણ સર્જાઈ જાય તો સમજી લેવું કે તમે ગુજરાતમાં જ છો. આમાં, અંદરખાને જોકે બિલ આપવા કરતાં ન આપવા માટેના પ્રયાસો થતા હોય છે!
બિલ આપી દેવાથી હોટલમાં જમવાનો કાર્યક્રમ પૂરો થતો નથી. જ્યાં સુધી મુઠ્ઠી ભરીને મુખવાસ ન લઈએ ત્યાં સુધી આપણને ખાધેલું પચતું નથી. કાઉન્ટર પરથી બીજી કે ત્રીજી વાર મુખવાસ લેવા જવું હોય ત્યારે નાનાં છોકરાંઓ ભેગાં હોય તો સરળતા રહે છે!
જતાં જતાં કાઉન્ટર પરથી, મુઠ્ઠી ભરીને મુખવાસ અને દાંત ન હોવા છતાં દાંત ખોતરવાની બે-ચાર સળીઓ ન લઈ શકાય તો હોટલમાં જમવા ગયાનો આનંદ અધૂરો રહે છે!
Read Original Article →