વસુંધરાના વહાલાં દવલાં:ગ્રીન સ્ટીલ : ભારતના ઔદ્યોગિક ભવિષ્ય અને આર્થિક સુરક્ષાની નવી દિશા

Magazine5/27/2026, 12:35:00 AM
વસુંધરાના વહાલાં દવલાં:ગ્રીન સ્ટીલ : ભારતના ઔદ્યોગિક ભવિષ્ય અને આર્થિક સુરક્ષાની નવી દિશા
દેશમાં આગામી દાયકામાં સ્ટીલ ઉત્પાદનની ક્ષમતા બમણી થવાની ધારણા છે. પરંતુ, જો આ વિસ્તરણ પરંપરાગત બ્લાસ્ટ ફર્નેસ, કોલસા આધારિત પદ્ધતિથી કરવામાં આવશે, તો ભારત આગામી 40 વર્ષોમાં અંદાજે 1 લાખ કરોડ યુ.એસ. ડોલરના કોકિંગ કોલસાની આયાતના બોજ હેઠળ દબાઈ જશે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે ખાતેના ‘ઇન્ડિયા એનર્જી એન્ડ ક્લાયમેટ સેન્ટર’ના નવા અભ્યાસમાં આ ખુલાસો થયો છે. પરંપરાગત પદ્ધતિ અપનાવવાથી ભારતે આશરે 6 અબજ ટન કોકિંગ કોલસાની આયાત કરવી પડશે. આ આંકડો માત્ર આર્થિક બોજ નથી, ભારતની ઊર્જા સુરક્ષા માટે પણ પડકાર છે. વિદેશી કોલસા પર નિર્ભરતા વધતા દેશ ડોલરની સામે રૂપિયાના મૂલ્યમાં થતી વધ-ઘટ અને આંતરરાષ્ટ્રીય બજારના ઝટકા સામે અસુરક્ષિત બની જશે. હરિત પોલાદ : એક સચોટ અને મજબૂત વિકલ્પ આ વૈશ્વિક આર્થિક જોખમો સામે ગ્રીન સ્ટીલ એટલે કે, હરિત પોલાદ એક મજબૂત વ્યૂહાત્મક વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. ગ્રીન સ્ટીલના ઉત્પાદનમાં કોકિંગ કોલસાને સ્થાને ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત પાસે વિપુલ પ્રમાણમાં સસ્તો પુનઃપ્રાપ્ય ઊર્જાનો સ્ત્રોત છે, જે દેશમાં જ સસ્તા દરે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે ઉત્તમ પાયો પૂરો પાડે છે. જો આપણી ભવિષ્યની ક્ષમતા આયાતી કોલસા પર નિર્ભર રહેશે, તો સ્ટીલ જેવા મહત્ત્વના ક્ષેત્રમાં કિંમતોની અસ્થિરતા કાયમી બની જશે. તેની સામે ગ્રીન સ્ટીલ આપણને એક સ્વનિર્ભર રસ્તો બતાવે છે. 2030 સુધીમાં ખર્ચની સમાનતા શક્ય અભ્યાસના અંદાજ મુજબ, વર્ષ 2030 સુધીમાં ભારતમાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન અંદાજે 3 ડોલર પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી શકે છે. આના કારણે ગ્રીન સ્ટીલનું ઉત્પાદન અંદાજે 562 ડોલર પ્રતિ ટન થઈ શકશે, જે પરંપરાગત સ્ટીલ કરતાં માત્ર 5થી 10 ટકા જ મોંઘું હશે. પરંતુ અહીં મુખ્ય ફાયદો લાંબા ગાળાની સ્થિરતાનો છે. પરંપરાગત સ્ટીલ હંમેશાં ડોલરમાં ચૂકવાતા આયાતી કોલસાના ભાવો પર નિર્ભર રહેશે. જ્યારે ગ્રીન સ્ટીલ સ્થાનિક સ્તરે રૂપિયામાં થતા લાંબા ગાળાના ફિક્સ્ડ-પ્રાઇસ અને સ્વચ્છ ઊર્જા કરારો પર આધારિત હશે. આ જ કારણ છે કે, 2030 સુધીમાં ગ્રીન સ્ટીલ પરંપરાગત સ્ટીલની સમકક્ષ અથવા તેનાથી પણ સસ્તું સાબિત થઈ શકે છે. વૈશ્વિક બજાર અને નિકાસની તકો આજે વૈશ્વિક બજારો પર્યાવરણને નુકસાન ન પહોંચાડતાં ઉત્પાદનો તરફ વળી રહ્યાં છે. યુરોપિયન યુનિયનના ‘કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ’ જેવા કડક નિયમો સ્ટીલ ક્ષેત્રને આવરી લે છે. આવા સમયે જો ભારત પરંપરાગત કાર્બન-ઉત્સર્જન કરતા સ્ટીલનું ઉત્પાદન ચાલુ રાખશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી નિકાસ પર ફટકો પડી શકે છે. તેનાથી વિપરીત, ભારતમાં ગ્રીન હાઇડ્રોજનનો ઉત્પાદન ખર્ચ વિશ્વમાં સૌથી ઓછો છે. આનો લાભ લઈને ભારત આ દાયકામાં ગ્રીન સ્ટીલના ક્ષેત્રે વૈશ્વિક લીડર બની શકે છે. આનાથી માત્ર સ્ટીલ નિકાસકારોને જ નહીં, પરંતુ ઓટોમોબાઈલ અને મશીનરી જેવાં ડાઉનસ્ટ્રીમ ઉત્પાદન ઉદ્યોગોને પણ વૈશ્વિક બજારમાં મોટી સ્પર્ધાત્મક સરસાઈ મળશે. નીતિવિષયક આયોજનની જરૂરિયાત બજારના અર્થશાસ્ત્રના નિયમો આપણી તરફેણમાં હોવા છતાં, માત્ર તેના ભરોસે પ્રારંભિક પ્રોજેક્ટ્સ સફળ થઈ શકતા નથી. ભારત પાસે આ નવી તક ઝડપી લેવા માટે ઓછો સમય છે. આ માટે સરકારે ગ્રીન સ્ટીલ ખરીદીના લાંબા ગાળાના કરારો, ઉત્સર્જન માપવાનાં ચોક્કસ ધોરણો, સ્વચ્છ ઊર્જાની સરળ સુલભતા અને પ્રારંભિક રોકાણકારો માટે જોખમ-વહેંચણીની વ્યવસ્થા ઊભી કરવી પડશે. જેમ ભારતે અગાઉ રિન્યૂએબલ એનર્જી અને એનર્જી સ્ટોરેજ ક્ષેત્રે યોગ્ય નીતિઓ દ્વારા ખર્ચ ઘટાડવામાં અને ખાનગી રોકાણ આકર્ષવામાં સફળતા મેળવી છે, તેવી જ મક્કમ અને આયોજનબદ્ધ નીતિની જરૂરિયાત આજે ગ્રીન સ્ટીલ ક્ષેત્ર માટે છે.
Read Original Article →