મનદુરસ્તી:શું તમે ‘ગ્રીન સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગ’ વિશે જાણો છો?
ડૉ ક્ટર, એનું નામ મોસમ. ખૂબ જ બ્રિલિયન્ટ દીકરી. 16 વર્ષની ઉંમરે એનો જીવ પ્રકૃતિમય બની ગયેલો. એ બી.બી.એ.માં અભ્યાસ કરે. એક વાર ક્લાસના એક ગ્રૂપ ડિસ્કશનમાં એનો મુદ્દો ‘વોર બંધ થવું જોઈએ’ એ હતો. આમ તો હિંસા અસ્વીકાર્ય છે એ બાબતે બધાં બોલ્યાં, પણ મોસમે આખી વાત યુદ્ધથી થતાં પર્યાવરણના નુકસાનની કરી, જેને ‘કોન્ફ્લિક્ટ લિન્ક્ડ પોલ્યુશન’ કહે છે. આ યુદ્ધની અસર વર્ષો સુધી રહેશે. દિવાળી કે ક્રિસમસના નાના ફટાકડા કરતાં મોટા બોમ્બ અને રોકેટ લોન્ચરથી થતું પ્રદૂષણ વધારે ધ્યાન આપવાલાયક છે. સૌથી મોટી વાત તો એ છે કે આ પ્રદૂષણ માનસિક અને શારીરિક સમસ્યાઓનું સર્જન કરી શકે.
હવે, એથી ઉલટી વાત. જો હરિયાળી અને સ્વચ્છ હવા હોય તો માનસિક સ્વાસ્થ્ય પણ ચોક્કસ સુધરે છે. આ વિશે જાગૃતિ આવે તે માટે વિશ્વમાં અનેક જાગૃત વ્યક્તિઓ અને સંસ્થાઓ પ્રયાસ કરે છે. દર વર્ષે 5મી જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઓળખાય છે.
‘બાયોસાયન્સ’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર જે લોકો હરિયાળી, છોડ તેમજ ઝાડનાં સાંનિધ્યમાં રહે છે અને પક્ષીઓના કુદરતી અવાજનો અનુભવ કરે છે, તે લોકોનું માનસિક સ્વાસ્થ્ય અન્ય લોકોના પ્રમાણમાં વધુ સારું હોય છે. યુ.કે.માં કુલ 263 લોકો પર થયેલા એક અભ્યાસમાં આ વિશે વધુ વૈજ્ઞાનિક માહિતી પ્રાપ્ત થઈ.
સંશોધકોએ કુલ ત્રણ વસાહતોમાં હરિયાળીના વિસ્તાર અને બપોરના સમયે પક્ષીઓની સંખ્યાની ગણતરી કરી. એમાંથી જે વિસ્તારમાં ગ્રીનરી અને પક્ષીઓનો કલરવ વધુ હતો, તે વિસ્તારમાં રહેતા લોકોમાં અન્ય લોકોની સરખામણીમાં ડિપ્રેશન, એંગ્ઝાયટી અને સ્ટ્રેસ ખાસ્સાં ઓછા જોવા મળ્યાં હતાં. અલબત્ત, પ્રયોગાત્મક નિયંત્રણની રીતે એ ત્રણેય વિસ્તારમાં જે લોકો પર અભ્યાસ થયો હતો તેમનાં આર્થિક-સામાજિક પરિબળો, ઉંમર અને વસ્તીની દૃષ્ટિએ સમાનતા હતી. હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં માનસિક સ્વાસ્થ્ય સામે ઝઝૂમતા લોકોની સંખ્યા વધી રહી છે. ઇંગ્લેન્ડમાં જ થોડા સમય પહેલાં થયેલા એક અન્ય પ્રયોગમાં સરકારના સહયોગથી 8000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ લોકોને એક યા તો બીજી માનસિક સમસ્યા સતાવી રહી હતી. આ બધાંને સારવારમાં દવા આપવાને બદલે પ્રકૃતિ વચ્ચે જઈને ફરવાની, સામુદાયિક બાગકામ કરવાની, વૃક્ષારોપણ કરવાની તેમજ જંગલ કે પ્રગાઢ વૃક્ષોની વચ્ચે રહેલા કુદરતી તળાવોમાં તરવા માટેની સલાહ આપવામાં આવી. પોઝિટિવ હેલ્થ માટે આટલી મોટી સંખ્યામાં એકસાથે આટલાં બધાં લોકોને લાંબા સમય સુધી જોડવાનો કદાચ આ સૌપ્રથમ પ્રયોગ હતો. જેના અંતે એમાં જોડાયેલાં લોકોના હેપ્પીનેસનું સ્તર રાષ્ટ્રીય સરેરાશથી વધુ જોવા મળ્યું. એ લોકોની ચિંતા અને તણાવ ઝડપથી ઘટ્યાં.
આ સમગ્ર સંશોધન કરનાર એક્સેટર યુનિવર્સિટીના પ્રો. રૂથ ગારસાઈડ મુજબ આવા સારવાર અભિગમને ‘ગ્રીન સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગ’ કહે છે. આવી હરિયાળીભરી સારવારથી મન શાંત થાય છે. બર્ન-આઉટમાં ફાયદો થાય છે. હતાશા ચોક્કસપણે ઘટે છે. ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધે છે. એક પ્રકારનો ઠહેરાવ આવે છે. વ્યક્તિ શાંત અને પ્રસન્નચિત્ત થાય છે.
તમને જાણીને નવાઈ લાગશે પણ જે વિસ્તારોમાં જળ-વાયુ પ્રદૂષિત થયેલાં છે ત્યાં ડિપ્રેશનનું પ્રમાણ પણ વધેલું જોવા મળે છે. અન્ય રોગોમાં વધારો થવાને કારણે મનોસામાજિક તણાવ પણ વધતો જોવા મળે છે. હાલમાં જે યુદ્ધ થયું તેની વિનાશકતા માત્ર હિંસા પૂરતી નથી. કેટલાંય વર્ષો સુધી વાતાવરણ બગડેલું રહેવાને કારણે માનસિક સમસ્યાઓ વધેલી રહેશે. ઉપરાંત લોહિયાળ સંઘર્ષને કારણે ઊભો થયેલો પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) તો ખરો જ!
જો આપણે આપણાં સંતાનોને સારી મિલકતોનો વારસો આપવો હોય તો માત્ર પૈસા, મકાનો, સોના-ચાંદી, શેર, જમીનો વગેરે આપવાથી વાત પતી જતી નથી. પર્યાવરણના સંસ્કાર પણ એક મોટી મિરાત છે. ‘એન્વાયરમેન્ટલ સાયકોલોજી’ પ્રમાણે જેમ બાળક કોંક્રીટના જંગલમાં વધુ રહે છે, તેમ તેના મનોસામાજિક વિકાસમાં પણ સમસ્યાઓ વધે છે. વસ્તીની ગીચતા અને પ્રદૂષણ બાળવિકાસમાં બાધક બને છે. બાળકોને નાનપણથી પ્રકૃતિની નજીક રાખવા અનિવાર્ય છે. સંશોધનોમાં હરિયાળીથી નજીક રહેલાં બાળકોનો બુદ્ધિઆંક (IQ) પણ પ્રમાણમાં વધુ મજબૂત જોવા મળ્યો છે. જ્યારે બાળક પોતાની જાતને પ્રકૃતિનો ભાગ સમજતું થશે ત્યારે સર્વાંગી ઉછેર સાર્થક થયેલો ગણાશે. વિનિંગ સ્ટ્રોક
વૃક્ષો હવાને શુદ્ધ કરે છે અને રોગોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેથી, વૃક્ષોનું વાવેતર અને રક્ષણ જીવન માટે ફાયદાકારક છે.
Read Original Article →