ઈમિગ્રેશન:ગ્રીનકાર્ડ હોલ્ડર ભારતમાં કેટલો સમય રહી શકે?
રમેશ રાવલ
સવાલ : મારા વિઝિટર વિઝાનો ઇન્ટરવ્યૂ તારીખ 23 એપ્રિલ 2026ના રોજ છે. મારી બહેને જૂન 2012માં મારા માટે F-4ની પિટિશન ફાઈલ કરેલી છે. મારો ભાઈ તેના ફેમિલી સાથે EB-5 દ્વારા અમેરિકામાં 2018થી સેટલ થયેલ છે. F-4 કેટેગરીના વેઇટિંગ પીરિયડને ઘણાં વર્ષો લાગે છે તેથી મારે મારા 16 વર્ષના પુત્ર સાથે અમેરિકાની વિઝિટ કરવી હોય તો હાલના સંજોગોમાં વિઝિટર વિઝા મળે?- તોરલ પટેલ, સુરત
જવાબ : વિઝિટર વિઝા મળવામાં પ્રોબ્લેમ થઈ શકે છે, કારણ કે તમારી સ્ટ્રોન્ગ ફેમિલી ટાઈઝ અમેરિકામાં જ છે તેમજ તમારી ગ્રીનકાર્ડની પિટિશન થયેલી છે. જો તમારા ફેમિલીમાં તમારા પતિ તથા માતા-પિતા ભારતમાં રહેતા હોય અને તમે તમારી ફેમિલી ટાઈઝ મુખ્યત્વે ભારતમાં જ રહેતા હોવાથી તમે ભારત પાછા આવશો તેવું જણાવી શકાય. તમે જણાવો છો કે તમારી આવક અને બધી જ બચત મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકી છે તો તેને કન્સીડર કરાય. હા, તે તમારી ઈન્કમ તરીકે માન્ય રહી શકે. મિલકત બતાવવી જોઈએ. સવાલ : મારી પુત્રી J-1 વિઝા દ્વારા હોસ્પિટલમાં અમેરિકામાં Resident Doctor તરીકે ફાઈનલ વર્ષમાં છે. તેનાં લગ્ન અમેરિકાના સિટીઝન સાથે 2025માં થયેલાં છે. હાલમાં તેણે J-1 વિઝા વેવર કરવા માટે એપ્લાય કરેલું છે, પરંતુ તેને ઘણો સમય લાગે તેમ છે. તો તમારી એડવાઈઝ લેવા રૂબરૂ આવી શકાય?- રાજેશ પટેલ, અમદાવાદ
જવાબ : J-1 વિઝાધારકે તેની કેટલીક કડક અને ગંભીર શરતોનું પાલન કરવું પડે. તેથી તેના પતિએ જ તમારી પુત્રી માટે IR-1 સ્પાઉસ વિઝા માટે પિટિશન ફાઈલ થાય કે નહીં તેની માહિતી લેવી જોઈએ. હાલના કડક નિયમોને લીધે ત્યાંના એટર્ની જે સલાહ આપે તે રીતે પ્રોસેસ J-1ની પણ કરવી જોઈએ. સવાલ : મારા ફિયાન્સે અમેરિકાના સિટીઝન છે. તેઓ મે મહિનામાં લગ્ન કરવા ભારત આવવાના છે. પરંતુ મારા અમેરિકાનાં સિટીઝન સાસુ-સસરા મને વિઝિટર વિઝા લેવાની ના પાડે છે, કારણ કે મારા સ્પાઉસ વિઝાને નેગેટિવ અસર થશે. તો તે સલાહ સાચી છે? ઇન્ડિયાથી જ ગ્રીનકાર્ડ માટે હું એપ્લાય કરી શકું
જવાબ : તમારા બંને સવાલોનો જવાબ ના છે, કારણ કે વિઝિટર વિઝા માટે એપ્લાય કરવાથી સ્પાઉસ વિઝા માટે કોઈ અવરોધ કે મનાઈ કે બાધ નથી. સામાન્ય રીતે જેની ગ્રીનકાર્ડ માટે પિટિશન ફાઈલ કરતા પહેલાં તેમજ લગ્ન કરતા પહેલાં વિઝિટર વિઝા માટે અરજી કરવી જોઈએ. તમારાં સાસુ-સસરાની સલાહ બરાબર નથી. તમારા પતિએ જ અમેરિકામાં પિટિશન ફાઈલ કરવી પડે. જો વધુ માહિતીની જરૂર હોય તો મને ફોન કરી શકો છો અથવા તમારો ફોન નંબર નંબર મોકલી શકો છો. સવાલ : ગયા વર્ષ 2025માં મને ગ્રીનકાર્ડ મળ્યા પછી ઓગસ્ટ 2025માં અમેરિકાથી અમદાવાદ પાછો આવ્યો. આ ફેબ્રુઆરી 2026માં અમદાવાદમાં 6 મહિના પૂરા થઈ ગયા છે પરંતુ તે દરમ્યાન મને જમણા હાથમાં ફ્રેક્ચર થવાથી ડોક્ટરે સલાહ આપેલી કે ઓપરેશન કરવું પડશે અને 4 અઠવાડિયાં સુધી સાચવવું પડશે. મેં અમેરિકા જવા 6-માર્ચની અમીરેટ્સ એરલાઇન્સની ટિકિટ લીધેલ તે કેન્સલ કરેલી છે. હું આપને પંદર વર્ષ પહેલાં સલાહ લેવા રૂબરૂ આપની ઓફિસે મળેલો છું. તો મને તમારી અનુકૂળતા મુજબ એપોઇન્ટમેન્ટ આપશો? હું અમેરિકા જઈ શકું?- પ્રકાશ રાવલ, સુરેન્દ્રનગર
જવાબ : હા, તમે અમેરિકા જઈ શકો. પરંતુ ભારતમાં 6 મહિનાથી વધારે સમય રહ્યા પછી અમેરિકા જતા હોવાથી ત્યાંના એરપોર્ટ ઉપર ઘણી તપાસ થશે અને ઘણા સવાલો પૂછાશે. તેથી તમારે તમારા ડોક્ટરનું સર્ટિફિકેટ તથા ઓપરેશન, મેડિકલ વગેરેની ફાઈલ સાથે લઈ જઈને ઓફિસરને બતાવવી જોઈએ. સાથે કેન્સલ થયેલી ટિકિટ બતાવવાથી તમે સમયમર્યાદામાં અમેરિકા જવા તત્પર અને તૈયાર હતા તે સાબિત કરી શકાય. નવા નિયમ પ્રમાણે ભારતમાં છ મહિના રહેવાય નહીં. સવાલ : મારા સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટના આધારે મારા પાસપોર્ટમાં Ketankumar Chandrakant Pathak લખ્યું છે, જ્યારે મારા બેન્ક એકાઉન્ટ, આધાર કાર્ડ, પાનકાર્ડ વિગેરેમાં Ketan Chandrakant Pathak લખેલું છે, પરંતુ મારી પુત્રી U.K.માં કામ કરતી હોવાથી મારે U.K.ના ટુરિસ્ટ વિઝા માટે એપ્લાય કરવું હોય તો મારા નામમાં તફાવતને હોવાથી તકલીફ થાય?- ડોક્ટર કેતન પાઠક, અમદાવાદ
જવાબ : નિયમ પ્રમાણે પાસપોર્ટ બર્થ સર્ટિફિકેટના આધારે જ કરાવવો જોઈએ. તેથી તેમાં જે સાચું નામ હોય તે પ્રમાણે સુધારો કરાવવો જોઈએ. પાસપોર્ટ સિવાયના બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ્સ વિઝિટર વિઝા માટે જરૂરી નથી. સવાલ : હું ગ્રીનકાર્ડ હોલ્ડર હોવાથી May-2025 સુધી અમેરિકામાં રહી છું. મારા ગ્રીનકાર્ડની 2019થી ઓક્ટોબર 2029 સુધીની વેલિડિટી છે. મારા પતિનું જાન્યુઆરી 2024માં અવસાન થવાથી મારાં બાળકોએ ઇન્ડિયા પાછાં આવવાનું અને અહીં જ રહેવાનું નક્કી કર્યું છે. હું એકલી અમેરિકામાં રહેવા માંગતી નથી તેથી મેં મારાં પેરેન્ટ્સ અમેરિકામાં જ રહેતાં હોવાથી વિઝિટર વિઝા માટે એપ્લાય કરેલું તે રિજેક્ટ થયેલ છે. તો તેનું શું કારણ હશે? - બિનિતા પટેલ, અમદાવાદ
જવાબ : તમારે ગ્રીનકાર્ડ સરેન્ડર કરીને વિઝા માંગવા જોઈએ. તમારી ફેમિલી ટાઈઝ ભારતમાં પાછા આવ્યા પછી પુરવાર કરી શકાય. તમારાં પેરેન્ટ્સ અમેરિકા હોવાથી કદાચ તમારી ટાઈઝ અમેરિકામાં હોવાનું પણ કારણ હોઈ શકે. તેમ છતાં તમને ઇન્ટરવ્યૂમાં વિઝા ઓફિસરે કયા કયા સવાલો પૂછ્યા અને તેના શું જવાબો આપ્યા તે લખીને મને ઈમેલ કર્યા પછી જ રિજેક્શનનું સાચું કારણ શું છે તે જણાવી શકાય. તમે ઈમેલથી જવાબ માગો છો તે શક્ય નથી.
Read Original Article →