રિફ્લેક્શન:ગોસિપિંગ કોનો જન્મસિદ્ધ અધિકાર છે?
નમ્રતા દેસાઈ સ્ત્રી ઓ વિશે હંમેશાં એવું કહેવાય છે કે તેઓ બહુ બોલકણી હોય છે. જાહેર સંસ્થાઓ, પારિવારિક સારા-નરસા પ્રસંગો, મોલ હોય કે પછી ફોન-સ્ત્રીઓની ગોસિપ ક્યારેય અટકતી જ નથી. કિન્તુ, હમણાં સ્વિડન નામના દેશમાં એક ચોંકાવનારું તારણ એ નીકળ્યું છે કે સ્ત્રીઓ કરતાં પુરુષો જ ગોસિપમાં વધારે કુશળ અને પાવરધા હોય છે. અહો આશ્ચર્યમ્!
સ્વિડનના માનવ અધિકાર પંચ દ્વારા રિસર્ચમાં આ રસપ્રદ વાતો બહાર આવી છે. સ્વિડન આમ તો આખી દુનિયામાં સૌથી સુખી અને ખુશહાલ દેશ ગણાય છે, અને આ ખુશહાલીમાં કદાચ આ બોલકા પુરુષોનો ફાળો હોય તો નવાઈ નહીં!
અમુક સ્ત્રીઓનાં પેટમાં કોઈ ખાનગી વાતો ટકતી નથી, કદાચ એટલે જ મોટાભાગના પુરુષો પોતાની પત્ની કે પ્રેમિકાને મહત્ત્વની વાતો કહેવાનું ટાળતા હોય છે. પણ ઓફિસ, રેસ્ટોરન્ટ, ગાર્ડન, મીટિંગ પ્લેસ અને પાર્ટીઓમાં પુરુષો ગોસિપ કરવામાં વધુ એક્કા અને હોંશિયાર હોય છે- એવું આ રિસર્ચ કહે છે.
સ્ત્રી વ્યક્તિ, પરિસ્થિતિ કે વસ્તુ સાથે ઇમોશનલ તીવ્રતાથી જોડાય છે, એટલે તે પોતાને સરળ અને સહજ રીતે અભિવ્યક્ત કરી શકે છે. જ્યારે પુરુષ થોડો મોઘમ, જરૂર પડે ત્યારે અતડો અને ચૂપ રહી શકે છે. મોટાભાગના પુરુષો જાહેરમાં કે અંગત વર્તુળમાં પણ પોતાની વ્યક્તિગત પીડા, ગમા-અણગમા અને પસંદ-નાપસંદ જાહેર કરતા ખચકાય છે, કારણ કે પુરુષ માટે આ વાતો શેર કરવી એટલે પોતાની કમજોરી જાહેર કરવી એવું તેમને લાગતું હશે. પરંતુ બીજાની ગોસિપ કરવામાં તેમને મજા એટલે આવે છે કે બીજા લોકો માટે અભિપ્રાય વ્યક્ત કરવો, થોડી પોતાની બડાશ હાંકવી, ઠઠ્ઠા-મશ્કરી કરવી કે કોઈ સ્ત્રીના ચરિત્ર વિશે ટીકા કરવી- આ બધું કેટલાક પુરુષો પોતાના અહંકારને સ્થાપિત કરવાની ભાવના હેઠળ કરતા રહે છે.
તો પછી પુરુષો ગોસિપ શું કામ કરે? મોટેભાગે સોશિયલ કનેક્શન માટે. મિત્રો વચ્ચે જોડાણ મજબૂત કરવા માટે પુરુષો ગોસિપ કરે છે. જેમ કે ઓફિસ, મિત્રો કે સમાજમાં શું ચાલે છે તે શેર કરવું. ઘણીવાર માહિતી મેળવવા માટે પણ ગોસિપ થાય છે. કોણ શું કરી રહ્યું છે, ક્યાં શું બદલાવ આવ્યો- આ બધું જાણવાની ઈચ્છા તેમને રહે છે. એટલે ગોસિપ તેમના માટે એક પ્રકારનું ‘ઇન્ફર્મેશન નેટવર્ક’ બની જાય છે.
અમુક પુરુષો પોતાની તુલના અને ઈગો માટે કોણ વધુ સફળ છે, કોણ આગળ છે તેવી વાતોમાં ગોસિપ કરે છે. તો અમુક પુરુષો ફક્ત મનોરંજન માટે, ફ્રી ટાઈમમાં, ખાસ કરીને ચા-પાણી વખતે કે લંચ બ્રેકમાં હળવી ગપસપની મજા લે છે.
પુરુષો સીધી દિલની વાત ભાગ્યે જ કરતા હોવાથી તેઓ ગોસિપ દ્વારા આડકતરી રીતે પોતાની લાગણીઓ વહેતી મૂકતા હોય છે. કેટલાક વળી ગ્રુપમાં પોતાની જગ્યા બનાવવા કે ઈમ્પ્રેસન જમાવવા માટે પણ ગોસિપનો સહારો લે છે.
જ્યારે મોટાભાગની સ્ત્રીઓની ગોસિપમાં સાસુ, દેરાણી-જેઠાણી, બીજી સ્ત્રીનો પતિ કે પ્રેમી, બાળકો, શોપિંગ, કિચન, ફેશન અને ‘મોસ્ટ ફેવરિટ’ ટોપિક કામવાળી બાઈ હોય છે. ગોસિપ એટલે થોડું મરચું-મીઠું ભભરાવીને કરેલી વાતો, જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચતા તો આખેઆખી બદલાઈ જાય અને તેનો અર્થ પણ ફરી જાય.
અમુક પુરુષોને ઘરમાં બોલવાની આઝાદી જ નથી હોતી, એવા અનેક પુરુષો ગામના ઓટલે, મોલના બાંકડે, મંદિરના પરિસરમાં, પાનની દુકાને કે સંસ્થાના સ્ટેજ ઉપર આ આઝાદી ભોગવી લે છે. શેર-સટ્ટા, રાજકારણ, યુદ્ધ અને ક્રિકેટ જેવા વિષયો પર હિન્દુસ્તાન હોય કે પરદેશ—કોઈ પણ ઉંમરનો પુરુષ પોતપોતાની રીતે આ ‘બ્રહ્મજ્ઞાન’ ગોસિપ થકી બીજાને ત્વરિત અર્પણ કરી દે છે.
તો શું ગોસિપથી ફાયદા થાય છે ખરા? હા, જો તેને પોઝિટિવ રીતે લેવામાં આવે તો! આસપાસ શું ચાલી રહ્યું છે, લોકોનું વર્તન અને સમાજનો બદલાવ જાણવામાં મદદ મળે છે. સંબંધો મજબૂત બને છે. મિત્રો કે સહકર્મચારીઓ વચ્ચે વાતચીત વધતા આત્મીયતા વધે છે. ક્યારેક સ્ટ્રેસ પણ ઓછો થાય છે. હળવી ગપસપથી મન હળવું થાય છે, ખાસ કરીને જ્યારે કોઈ ટેન્શન હોય ત્યારે. ગોસિપથી સોશિયલ સ્કિલ્સ પણ સુધરે છે-કેમ વાત કરવી અને ક્યારે શું બોલવું તે સમજાઈ જાય છે.
પરંતુ જો આપણી ઈર્ષ્યા, અદેખાઈ કે બદલો લેવાની ભાવના નબળી હોય અથવા ક્યાંક અસલામતી અનુભવાતી હોય, ત્યારે કોઈ વ્યક્તિ માટે ગોસિપ કરવી એ અપરાધ ગણાય. કોઈની અંગત વાત જ્યારે વિશ્વાસ મૂકીને આપણને કહેવામાં આવી હોય અને તેની ગોસિપ કરવામાં આવે, ત્યારે કરનારને ભલે આત્મસંતોષ મળે, પણ જેની ગોસિપ થઈ છે તે વ્યક્તિની હાલત દયનીય થઈ જાય છે અને વાત બદનામી સુધી પહોંચી શકે છે.
બીજી તરફ, કોઈ સ્ત્રી હોય કે પુરુષ પોતાની ભીતરની સાચી પીડાને જો અભિવ્યક્ત કરવામાં અસમર્થ હોય, તો ડિપ્રેશન, હૃદયરોગ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોને પગપેસારો કરવાનો મોકો મળી જાય છે. બાકી, હસતા મુખે કોઈનું અહિત ન થતું હોય કે કોઈને માઠું ન લાગે તે રીતે થયેલી ગોસિપ ક્યારેક ‘ફીલ ગુડ ફેક્ટર’ અને ડોપામાઇનનો ડોઝ આપતી હોય છે. ગોસિપની મજા લેવી એ બહુ સ્વાદિષ્ટ રેસિપી છે, જો તેને બેલેન્સ રીતે બનાવતા આવડતી હોય તો!
Read Original Article →