ગતકડું:ગૂગલમેપની ગૂંચવણ ને સરનામાંની મૂંઝવણ

Magazine5/20/2026, 12:35:00 AM
ગતકડું:ગૂગલમેપની ગૂંચવણ ને સરનામાંની મૂંઝવણ
ડૉ. પ્રકાશ દવે ‘તે રી ગલિયોં મે ના રખેંગે કદમ આજ કે બાદ…’ આ ફિલ્મી ગીતમાં હીરો ભલે હિરોઈનને આવું કહેતો હશે, પણ કોઈનું ઘર શોધીને થાકી જઈએ ત્યારે આપણને પણ આ ગીત યાદ આવી જાય છે. આપણે જવું ન હોય પણ સગાં બહુ કહેતાં હોય કે એ બાજુ નીકળો ત્યારે અમારા ઘેર પધારજો, એટલે આપણે એના ઘેર જવાનું નક્કી કરીએ. પણ આમાં તકલીફ એ થાય કે આપણે એનું પાક્કું સરનામું લેવાનું ભૂલી ગયાં હોઈએ. એટલે અહીંતહીં ફાંફાં મારવાં પડે. આપણે જોકે રિક્ષામાં હોઈએ અને રિક્ષાચાલક પણ એની રીતે પ્રયાસ કરતો જ હોય છે, જેથી એને ખોટું પેટ્રોલ ન બાળવું પડે. સગાભાઇએ જે વર્ણન કર્યું હોય એવી જ સોસાયટી અને મકાન હોય છતાં એનું મકાન મળે નહીં. આપણે ડ્રાઈવરને કહીએ કે ફુવારા સર્કલ પાસેથી જમણી તરફ વળી જઈને તરત ડાબી બાજુ ટર્ન લેવાનો પછી પાંચ મકાન છોડીને લાઈટના થાંભલા પાસેથી વળી જઈએ એટલે દૂધની ડેરી આવે એ ડેરીની સામે જ આપણું બે માળનું મકાન છે. સગાભાઈએ કહ્યા મુજબ ચાલીને આપણે ત્રણ વખત ફુવારા સર્કલ પાસે નીકળી ચૂક્યા હોઈએ, પણ ડાબી-જમણીની ભુલભુલામણીમાં ડેરી ન આવે તે ન જ આવે. કંટાળીને આપણે સગાભાઈને ફોન લગાડીએ: ‘સગાભાઈ, તમારું મકાન ખરેખર કઈ જગ્યાએ છે?’ ‘કયા મકાનની વાત કરો છો? સુરતના કે…?’ ‘ના ના, અહીં અમદાવાદ…’ ‘હા પણ અમદાવાદમાં મારે બે ઘર છે, સોરી બે મકાન છે!’ ‘ફુવારા સર્કલ….’ ‘ઓકે ઓકે….’ સગાભાઈ આપણને વળી પાછું લાઈટના થાંભલાવાળું વર્ણન ચાલુ કરે છે. આપણે કહીએ છીએ કે ‘અમે વીસ મિનિટથી સોસાયટીમાં આંટા મારીએ છીએ પણ…’ ‘ઓહો.. કોઈને પૂછો…’ ‘પૂછ્યું પણ કોઈને ખબર નથી.’ ‘બહુ કહેવાય.. એક કામ કરો.. મને ઓળખતા હોય એને પૂછો.’ ‘પણ તમને ઓળખતા હોય એને અમે ન ઓળખતા હોઈએ ને!’ ‘મકાનનું નામ પૂછો.’ રિક્ષાવાળો રસ્તો શોધતાં શોધતાં આપણને પણ રસ્તો બતાવે છે! ‘તમારા મકાનનું કંઈ નામ છે?’ ‘નામ હતું.. સ્વાગત..પણ નાના દીકરાની વહુને ન ગમ્યું એટલે કાઢી નાખ્યું છે. બીજું કોઈ સારું નામ હોય તો ક્યો…’ ‘પછી કહીશ..’ આપણે થોડા ગુસ્સા સાથે કહીએ છીએ. ‘લાઈવ લોકેશન મોકલો.’ શ્રીમતીજી આખાય ઘટનાક્રમમાં પહેલીવાર જોરદાર એન્ટ્રી મારે છે. ‘ મોકલી આપત બેન…પણ મને એ નથી ફાવતું અને મારો મોબાઈલ પણ સાદો છે.’ સગાભાઈ લાચારી વ્યક્ત કરે છે. પછી મોટા અવાજે કહે છે: ‘એક મિનિટ.. ભીખુને આવડે છે. એ હમણાં આવશે. એને કહું એટલે મોકલી દેશે.’ ‘ એમ કરો સાહેબ, હું તમને અહી ઉતારી દઉં. લોકેશન આવે એટલે ઘર શોધી લેજો.’ રિક્ષાવાળો બ્રેક મારી દે છે. આપણે નાછૂટકે રિક્ષામાંથી ઉતરી જઈએ છીએ અને છોકરાં જેમ વેકેશનની રાહ જુએ એમ આપણે લોકેશનની રાહ જોઈએ છીએ. આપણને આમ ચિંતાતુર જોઈને ત્યાંથી પસાર થઇ રહેલા રાહદારીઓ પોતાનું મોઢું પ્રશ્નાર્થચિન્હ જેવું કરી પસાર થઈ જાય છે. ત્યાં સામેના મકાનની બારી ખુલે છે અને એમાંથી એક મહિલાનો અવાજ આવે છે: કોના ઘેર જવું છે?’ આપણે સગાભાઇનું નામ દઈએ છીએ. શ્રીમતીજી કહે છે કે ‘લોકેશન મગાવ્યું છે.’ મહિલા બારી બંધ કરીને બારણું ખોલે છે. ‘સગાભાઈ તો અહીં નજીકમાં જ રહે છે. એમાં લોકેશન શું કરવું છે? આગળ જઈને જમણે વળીને તરત ડાબે વળી જાજો એટલે દૂધની ડેરી આવશે. એની સામે જ સગાભાઈનું મકાન.’ ‘મારે તો એને આવવાનો ટાઇમ થઈ ગયો છે નહિતર ઘર સુધી મૂકી જાત.’ આપણે એ બેનના પ્રભાવથી અનાયાસે જ ચાલવા માંડીએ છીએ. ત્યાં પત્ની ધ્યાન દોરે છે: લોકેશન આવી ગયું લાગે છે!’ આપણે લોકેશન જોઈએ છીએ પણ એમાં સગાભાઈનું ઘર આપણે જઈએ એના કરતાં વિરુદ્ધ દિશામાં બતાવે છે. મોબાઈલ અને માણસ આ બેય અલગ અલગ દિશા બતાવે તો કોનું માનવું એવો પ્રશ્ન આગામી દિવસોમાં બધાનાં જીવનમાં આવવાનો છે એવું કોઈ કહેતું હતું એનો આપણને અત્યારે અનુભવ થઈ જાય છે. ‘ઇ બાઈ મને તો ખોટી લાગી.’ પત્નીને એ મહિલા કરતાં ટેક્નોલોજી વધારે ભરોસાપાત્ર લાગે છે. જેમ તમે કરીને આપણે સગાભાઇના ઘેર પહોંચીએ તો ત્યાં તાળું મારેલું હોય છે. પડોશી માત્ર એટલું જ કહે છે કે કોઈ અગત્યનું કામ આવી ગયું એટલે એ હમણાં જ નીકળી ગયા!
Read Original Article →