બુધવારની બપોરે:મોબાઈલ પાણીમાં પડી જાય પછી....
એફોન તો સામાન્ય હતો, પણ છોકરી સામાન્ય નહોતી....અથવા સામાન્ય લાગતી નહોતી! રસ્તા પરની ચોરસ ગટરના ઢાંકણામાં એનો ફોન પડી ગયો. પહેલાં તો એની એકલીની જ નજર પડી, પછી ચાર, પછી પંદર ને છેવટે હતાં એટલા બધાંને ચિંતા થઈ કે, ‘બેનનો ફોન પડી ગયો લાગે છે!’
‘બેન’ તો કેવળ સૌજન્ય પૂરતો શબ્દ વાપર્યો છે, પણ હતી તો એ ખૂબસૂરત....એટલે લેવા-દેવા વગર ભાઈ-બેનનો સંબંધ બંધાય નહિ! અર્થાત, ઘટનાસ્થળે એના 15-20 સહૃદયીઓ (ભાઈ નહિ!) ભેગા થઈ ગયા. બધા જુએ છે, છતાં બધા પૂછે છે, ‘શું થયું?’ છોકરીના ચહેરા પર રોઈ પડવા જેવી ચિંતા હતી ને ભાઈઓના ચહેરાઓ ઉપર જાનફેસાની હતી. સમજો ને, વાંકા વળેલા બધાના બન્ને હાથ ઢીંચણ ઉપર હતા.
એમનું લક્ષ્ય ગટરની અંદર હતું, પણ પંજાબી પહેરેલું મન ગટરની ઉપર હતું! ખભા સંકોરીને કેટલાક તો પૂછતા ય હતા કે ‘ફોન પડી ગયો છે?’ તો બોલી નહોતા શકતા એવા કેટલાક લાગણીશીલોએ ચિંતાગ્રસ્ત ચહેરે એમ પણ કીધું કે ‘હા. ફોન પડી ગયો લાગે છે!’
‘એવું હોય તો બેન....મારો ફોન લઈ લો!’ એવી દયાજનક ઓફર પણ એક-બે જણે ‘મનમાં’ કરી. બીજાની તો ખબર નહિ, પણ એ ‘મનમાં’ ઓફર કરનારાઓમાં હું ય હતો. એ વાત જુદી છે કે, એમ કંઈ હું ચાલીસ હજારનો મારો ફોન આપું નહિ, પણ આ તો મનમાં ઓફર કરવાની હતી. આપણને ય જરા સારું લાગે કે, આપણે આટલી સુંદર છોકરીના કોઈ કામમાં આવ્યા હોવાનો સંતોષ થાય! આ તો એક વાત થાય છે!
આ કેવળ આપણે ત્યાં જ નહિ, જગતભરમાં યુવતીઓને હેલ્પ કરવા રેડી મેઇડ ભાઈઓ ફૂટી નીકળે છે. ‘એકબીજાની મદદમાં હંમેશ આવવું જોઈએ’, એવું શાસ્ત્રોમાં કીધું હશે, પણ રસ્તા ઉપર આવું કોઈ માનતું નથી, સિવાય કે, એ યુવતી હોય, એ સુંદર હોય, એ સહૃદયી હોય અને સ્માઇલ સાથે આપણી મદદ સ્વીકારવા તૈયાર હોય અને મદદ પછી આપણી સાથે એટ લિસ્ટ, ‘કેમ છો?...કેમ નહિ?’ના સંબંધો વર્ષોનાં વર્ષ જાળવનારી હોવી જોઈએ.
આપણે એનું બીજું તો કશું કામ ન હોય, પણ સંબંધ જાળવે તો જરા સારું રહે....આપણે ક્યાં એને પરણવું હોય? પણ આપણે આપણા સંસ્કાર બતાવ્યા, એમ એણે ય બતાવવા જોઈએ, આપણે આપેલા વિઝિટિંગ-કાર્ડનો બીજા દિવસથી ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ!
...અફ કોર્સ, આપણે ઘેર હોઈએ ને વાઇફ ઘરમાં હોય ત્યારે પેલીએ ફોન કરવો નહિ, એટલું વિવેકભાન તો એને હોવું જોઈએ! એના ઘરમાં બા-બાપુજી નહિ હોય? ‘તમે કોઈ પદ્મજાને ઓળખો છો?’ પત્નીએ ન પૂછવા જેવો સવાલ પૂછ્યો. જોકે, મને ચહેરો અદ્દલોઅદ્દલ યાદ હતો. નામ તો મેં ય પૂછ્યું નહોતું. આ તો માંગ્યું એટલે વળી એણે કાર્ડ આપ્યું. નોર્મલી ભાઈઓએ આપેલા કાર્ડ ભૂંગળી વાળીને કાનમાં હળી કરવામાં વપરાય છે, પણ કાર્ડ આપનાર પદ્મજા જેવી હોય તો પત્ની તો ઠીક, પદ્માડીના ગોરધનથી ય સાચવવું પડે! કાર્ડને ભગવદ્-ગીતાના અધ્યાય પંદરની જેમ સાચવવું જોઈએ. આમ તો છોકરીઓ કાર્ડ-બાર્ડ રાખતી નથી, રાખતી હોય તો (આપણા જેવાને) આપતી નથી અને આપે તો સાલી ફોનો ઉપાડતી નથી. માણસ કેટકેટલી વાર ફોનો કરે? સાલો બે-ત્રણ વાર તો એના ગોરધને ઉપાડ્યો. એને શું આપણે યુનિ.ના બસ સ્ટેન્ડ ઉપર મળવા બોલાવવાના હતા? આપણે કાંઈ
એવા છીએ?
...ને ખબર નહિ, ઈશ્વરની કૃપા હશે, પણ એક વાર એણે ફોન ઉપાડ્યો. પણ એ બેવકૂફ તો ગટરવાળી ઘટના જ ભૂલી ગઈ હતી. ‘મેડમ, યાદ છે, મેં તમારો ફોન ગટરમાંથી કાઢી આપ્યો’તોઓઓઓ....?’
મેક્સિમમ, એ એટલું જ સમજી કે ફોન તો કોઈ સફાઈ-કામદારે કર્યો લાગે છે, એટલે તરત રિસ્પોન્સ આપ્યો, ‘ભ’ઇ. ઘેર આઇને બક્ષિસના દસ રૂપિયા લઈ જજે.’ હું હચમચી ગયો. નાનકડી ગુસ્સી ય આવી. ‘એ મને શું સમજી બેઠી છે? દેખાવમાં તો કદાચ હોઈશ, પણ શું મારો અવાજ ય એવો લાગે છે?’
‘ઓ બેન....હું એક એડવોકેટ છું ને તમારો ફોન ચાલુ થઈ ગયો કે, નહિ, એટલું જાણવા જ ફોન કર્યો છે!’ ફરી
એક વાર ગુસ્સાથી એણે ફોન પછાડીને મૂકી દીધો, પણ ‘who cares?’ મેં મારી ફરજ પૂરી કરી. હવે ભલે એ જાય એની બહેનોનાં લગ્ન કરાવવા! એમ તો મને ખૂન્નસ પણ ચઢ્યું કે, વાંદરીનો ફોન બીજી વાર ગટરમાં પડી જવો જોઈએ ને મારા જ હાથમાં આવે ને હું લાઇફ-ટાઇમમાં પાછો ન આપું! (મારો ગુસ્સો બરોબર છે ને, વાચકો?....જવાબ, ‘હા’માં જ આપજો!....રિક્વેસ્ટ પૂરી!)
અહીં પ્રસ્તુત લેખમાં વાચકોને જોડાવાનું આમંત્રણ આપવામાં આવે છે ને એક જ સવાલ પૂછવામાં આવે છે કે, આવો ફોન, આવી મહિલા અને આવી ગટર તમને મળે તો તમારા તાત્કાલિક પ્રતિભાવો શું હોય? ફોન મોંઘો ન હોય તો ય પાછો આપવા જાઓ ખરા? મહિલા અત્યંત ખૂબસૂરત હોય તો ફોન રાખી લેવો કે આપી દેવો સારો? ભલે એનો ગોરધન આપણને ફટકારે એવો તંદુરસ્ત ન હોય...અને ઓપ્શનમાં છોડી શકાય એવો છેલ્લો સવાલ....ફોન પાછો આપવા બદલ બક્ષિસમાં એ તમને રૂ. 10/-ની નોટ આપે તો લઇ લો કે, એના મ્હોં પર ફટકારો?
હું હોઉં તો દસની નોટ લઇ લઉં.....કોઇ ગેરન્ટી છે કે, બીજી વાર રસ્તે પડેલો આપણને ફોન મળશે? સિક્સર
- આ....તમારી આંખો લાલ કેમ છે?
- વાઇફે લાલ મરચું ફેંક્યું તો હતું ભીંતમાં....વચ્ચે જરા હું
આવી ગયો!
Read Original Article →