રેઈનબો:કિલ્લા હંમેશાં અંદરથી જ ખતમ થાય છે : ગિરીશ કર્નાડ
રક્ષા શુક્લ 17 વર્ષના એક યુવાને આઇરિશ લેખક ‘સીન ઓ કૈસી’નો એક સ્કેચ જાતે બનાવીને મોકલ્યો હતો. તેના જવાબમાં લેખકે તેમને પત્ર લખ્યો કે ‘આ બધું કરવામાં સમય બગાડવાને બદલે એવું કંઈક કામ કર, જેનાથી એક દિવસ લોકો તારી પાસે ઓટોગ્રાફ માગે.’ આ એક જ વાક્ય તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બન્યો. 1991માં દૂરદર્શન પર પ્રસારિત થતા ‘ટર્નિંગ પોઈન્ટ’ નામના સાપ્તાહિક સાયન્સ મેગેઝિન કાર્યક્રમના પ્રસ્તુતકર્તા આ યુવાન જ હતા. આ યુવાન એટલે બહુમુખી પ્રતિભાનું નિર્ભીક નામ—ગિરીશ કર્નાડ.
1938માં માથેરાનમાં કોંકણીભાષી પરિવારમાં જન્મેલા મૂળે કન્નડભાષી નાટ્યલેખક ગિરીશ કર્નાડનો ઉછેર કર્ણાટકમાં થયો હોવાથી માતૃભાષા કન્નડ રહી. તેમની યુવાન વિધવા માતા ક્રિષ્નાબાઈ માટે આજીવિકા કમાવવી અત્યંત જરૂરી હોવાથી તેમણે નર્સિંગનો અભ્યાસ કર્યો અને બોમ્બે મેડિકલ સર્વિસીસમાં સક્રિય ડૉક્ટર રઘુનાથ કર્નાડની પથારીવશ પત્ની માટે નર્સ અને રસોઈયા તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
રઘુનાથ સાથે તેમણે પછીથી લગ્ન પણ કર્યાં, જે ગિરીશ કર્નાડના પિતા હતા. પિતાની સરકારી નોકરીને લીધે બદલીઓ થતી રહેવાથી ગિરીશભાઈના લેખનમાં સમગ્ર ભારતની સોડમ ભળી. પ્રાચીન કથાનકોને પચાવી, તેનો આધાર લઈ વર્તમાનની પીડાને વાચા આપતા કર્નાડ પાસે બાળપણમાં વેદ-પુરાણ જેવાં ધાર્મિક પુસ્તકો સિવાય મનોરંજન માટે કોઈ સાધનો નહતાં. સહજ પ્રાપ્ય આ મહાન ગ્રંથોની અસર તેમના ‘યયાતિ’, ‘અગ્નિ અને બરખા’ વગેરેનાં કથાનકોમાં ડોકાય છે.
ગિરીશ કર્નાડ 1958માં કર્ણાટક વિશ્વવિદ્યાલયમાંથી ગણિત અને આંકડાશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા. ત્યારબાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા ‘રોડ્સ સ્કોલર’ તરીકે શિષ્યવૃત્તિ મળતાં તેઓ ઈંગ્લેન્ડ ગયા, જ્યાં તેમણે લિંકન અને મેગડાલેન કોલેજ (ઓક્સફોર્ડ)માંથી ફિલસૂફી, રાજકારણ અને અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેઓ શિકાગો યુનિવર્સિટીની ફુલબ્રાઈટ કોલેજમાં વિઝિટિંગ પ્રોફેસર પણ રહ્યા હતા.
1960માં સ્વદેશ પરત આવી મદ્રાસમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસમાં મેનેજર તરીકે 7 વર્ષ કામગીરી સંભાળી. એ પછી ફુલટાઈમ લેખન કરવા માટે તેમણે રાજીનામું આપ્યું. પુણેની મહત્ત્વની રાષ્ટ્રીય તાલીમ સંસ્થા ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ’ (FTII)ના નિયામક તરીકે તેમણે 2 વર્ષ ફરજ બજાવી. આ ઉપરાંત તેમણે કર્ણાટક સંગીત નાટક અકાદમી અને કેન્દ્રીય (રાષ્ટ્રીય) સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો હતો.
જ્યારે અન્ય કન્નડ લેખકો પશ્ચિમી સાહિત્યિક પુનર્જાગરણથી ખૂબ પ્રભાવિત હતા, ત્યારે લેખકો વચ્ચે કંઈક એવું લખવાની હોડ જામી હતી જે સ્થાનિક લોકો માટે બિલકુલ નવીન અને ક્યારેક તેમની સમજ બહારની હોય. એ સમયે કર્નાડે સમકાલીન મુદ્દાઓને ઉકેલવા માટે અવારનવાર ઇતિહાસ અને પૌરાણિક કથાઓનો ઉપયોગ કરીને નાટકો રચ્યાં. વળી, કર્નાડ મુખ્યત્વે કન્નડમાં જ લખતા.
કર્નાડના સર્વપ્રથમ નાટક ‘યયાતિ’ને અદભુત સફળતા સાંપડી. પછીથી એક સફળ તથા પ્રતિભાશાળી નાટ્યકાર તરીકેની દેશવ્યાપી ખ્યાતિ તેમને ‘તુઘલક’, ‘ஹયવદન’ (હયવદન), ‘અંજુમલ્લિગે’, ‘હિટ્ટીના હૂંજા’, ‘રક્તકલ્યાણ’ અને ‘નાગમંડળ’ જેવી નાટ્યકૃતિઓથી મળી. એમનાં નાટકો અનેક ભાષાઓમાં અનુવાદિત થયાં.
અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય તેમના વ્યક્તિત્વનું એક મહત્ત્વનું પાસું હતું. સમાજમાં ઘટતી સારી-માઠી ઘટનાઓ વિશે નિર્ભીક અને નિર્દંભ કર્નાડ પોતાનો મત સ્પષ્ટ અને સશક્ત રીતે વ્યક્ત કરતા, જેના લીધે તેમને ઘણીવાર ધમકીઓ પણ મળી હતી. ‘તુઘલક’ નાટકમાં તેમણે તત્કાલીન શાસન વ્યવસ્થા પર જબરદસ્ત કટાક્ષ કરેલો. નાટકમાં એક સંવાદ આવે છે કે ‘કિલ્લાને કોઈ તોડી નથી શકતું.’ ત્યારે બીજું પાત્ર તરત જ સંવાદ બોલે છે કે ‘કિલ્લા હંમેશાં અંદરથી જ ખતમ થાય છે.’
કર્નાડ દ્વારા કન્નડ રંગમંચની આધુનિક કારકિર્દીનો શુભારંભ થયો. કર્નાડ ટચૂકડા પડદે આર. કે. નારાયણના પુસ્તક પર આધારિત પ્રખ્યાત ટીવી સિરિયલ ‘માલગુડી ડેઝ’માં સ્વામીના પિતાના પાત્રમાં જોવા મળ્યા હતા. તેઓ ઓમ પુરી, અમરીશ પુરી, શેખર સુમન, રાજીવ મેનન અને સોનાલી કુલકર્ણી જેવા અનેક કલાકારોના પથદર્શક (મેન્ટોર) બની રહ્યા.
1970માં કર્નાડે કન્નડ ફિલ્મ ‘સંસ્કાર’થી પોતાની ફિલ્મ સફર આદરી હતી. 1971માં તેમની આ પ્રથમ ફિલ્મને જ કન્નડ સિનેમા માટે રાષ્ટ્રપતિ તરફથી ‘ગોલ્ડન લોટસ’ (સ્વર્ણ કમલ) પુરસ્કાર મળ્યો હતો. ગુજરાત સાથે પણ તેમનો ગાઢ નાતો રહ્યો હતો. ગુજરાતમાં પ્રસિદ્ધ અમૂલ દૂધની સહકારી મંડળીની શ્વેત ક્રાંતિ ચળવળ વિશે શ્યામ બેનેગલે બનાવેલી ઐતિહાસિક ફિલ્મ ‘મંથન’માં કર્નાડે મુખ્ય ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મમાં તેમણે ભજવેલું ડૉક્ટર રાવનું પાત્ર શ્વેત ક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનથી પ્રેરિત હતું. એ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.
ત્યાર પછી તેમણે ‘નિશાંત’, ‘ભૂમિકા’ અને ‘ગોધૂલી’ જેવી પ્રખ્યાત હિન્દી ફિલ્મોમાં અભિનેતા તરીકે નામના મેળવી. બી. વી. કારંથ સાથે 1971માં તેમણે ‘વંશવૃક્ષ’ ફિલ્મનું સહ-નિર્દેશન કર્યું. તેમણે નિર્દેશિત કરેલી ફિલ્મ ‘ઓનડાનોન્ડુ કાલાદાલ્લિ’ને 1979માં શ્રેષ્ઠ કન્નડ ચિત્ર તરીકે રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું હતું. કર્નાડે 1984માં ‘ઉત્સવ’ અને 1990માં હિન્દુ ભક્તિમાર્ગ તથા ઇસ્લામના સૂફીવાદ ઉપર અત્યંત સંવેદનશીલ દસ્તાવેજી ચિત્ર ‘ધ લૅમ્પ ઇન ધ નિશ’ બનાવ્યું હતું.
પદ્મશ્રી પુરસ્કાર, પદ્મભૂષણ, કન્નડ સાહિત્ય પરિષદ પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર, સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા (લોસ એન્જલસ) દ્વારા માનદ ડોક્ટરેટ અને અનેક ફિલ્મફેર એવોર્ડ્સ તેમના નામે બોલે છે. કર્નાડ કહેતા કે: ‘હું વાસ્તવમાં મારા કાનમાં બોલાતા સંવાદો રીતસર સાંભળી શકતો હતો... મને લાગતું કે ત્યારે હું માત્ર એક લહિયો (લખનાર) હતો.’ તેમને 81 વર્ષની ઉંમરે અંગો કામ નહોતા કરતા તેનો એટલો વસવસો નહોતો, પણ પોતે લખી શકતા નહોતા તેનું ઊંડું દુઃખ હતું. ઇતિ
આળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં દુઃખરૂપ બને છે; જ્યારે પુરુષાર્થ શરૂઆતમાં દુઃખરૂપ હોય છે, પણ અંતમાં સુખરૂપ સાબિત થાય છે.- મહર્ષિ વેદવ્યાસ
Read Original Article →