વસુંધરાના વહાલાં દવલાં:વાઈરસ હારશે, સાવજ જીતશે: પ્રાણીઓની ખાત્માથી ખમીર સુધીની કથા!
ગીરના સિંહો માત્ર ગુજરાતનું જ નહીં, પણ સમગ્ર ભારતનું ગૌરવ છે. હાલમાં આપણા સાવજો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. જંગલમાં ઇતરડીથી ફેલાતો જીવલેણ રોગ ‘બબેસિયોસિસ’ અને સાથે ‘કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ’ના કહેરથી કેટલાક સિંહોનાં મોત નીપજ્યાં છે, જ્યારે વન વિભાગ દ્વારા 17 જેટલા સિંહોને લોહી ચડાવીને, બ્લડ ટ્રાન્સફ્યુઝન અને એન્ટિબાયોટિક્સ આપીને બચાવી લેવાયા છે. વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં અનેક કિસ્સા નોંધાયા છે જ્યાં લુપ્ત થવાના આરે ઊભેલી પ્રજાતિને મહામારીમાંથી હેમખેમ ઉગારી લેવામાં આવી હોય. સિંહો પરના સંકટ વચ્ચે જાણીએ દુનિયાની સર્વાઇવલ સ્ટોરી. ડ્રોનથી વેક્સિન ફેંકીને બચાવી આખી પ્રજાતિ!
1981માં ઉત્તર અમેરિકામાં જોવા મળતાં બ્લેક ફૂટેડ ફેરેટ, જે નોળિયા જેવું પ્રાણી છે તેને લગભગ લુપ્ત માની લેવામાં આવ્યાં હતાં. વ્યોમિંગ રાજ્યમાં માંડ થોડાંક ફેરેટ બચ્યાં હતાં, ત્યાં 1985માં પ્લેગ અને CDV વાઈરસે ભયંકર કહેર વર્તાવ્યો. આખી દુનિયામાં માત્ર 18 ફેરેટ જ જીવતાં બચ્યાં! વિજ્ઞાનીઓએ તાત્કાલિક મોટો નિર્ણય લીધો અને આ 18 પ્રાણીઓને પકડીને જંગલમાંથી લેબમાં ખસેડ્યાં. ત્યાં સુરક્ષિત માહોલમાં તેમનું કૃત્રિમ સંવર્ધન, જે આધુનિક કેપ્ટિવ બ્રીડિંગથી ઓળખાય છે, તે શરૂ કર્યું. તેમનો મુખ્ય ખોરાક પ્રેરી ડોગ્સ હતા, જેમને પણ પ્લેગ લાગતો હતો. આથી, જંગલમાં ડ્રોન દ્વારા ખાવાલાયક વેક્સિન ફેંકવામાં આવી જેથી તેમનો ખોરાક પણ રોગમુક્ત રહે. જંગલ સુરક્ષિત થયા બાદ તેમને ફરી છોડવામાં આવ્યાં અને આજે તેમની સંખ્યા 300ને પાર કરી ગઈ છે. 54% રસીકરણથી બિલાડાને મળ્યું નવું જીવન!
વર્ષ 2007માં સ્પેનનાં જંગલોમાં જોવા મળતી આઇબેરિયન લિન્ક્સ, જે જંગલી બિલાડીની એક પ્રજાતિ છે, તે દુનિયાની સૌથી દુર્લભ બિલાડી પ્રજાતિ બની ગઈ હતી. જંગલમાં માત્ર 250 જેટલા બિલાડા બચ્યા હતા. ઘરેલુ બિલાડીના સંપર્કમાં આવતા તેમાં પણ ફેલાઇન લ્યુકેમિયા વાઈરસ ફેલાયો. આંતરપ્રજનનને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ એટલી નબળી હતી કે વાઈરસ ઝડપથી ફેલાવા લાગ્યો. વૈજ્ઞાનિકોએ સંક્રમિત પ્રાણીઓને પકડીને ક્વોરેન્ટાઇન કર્યાં. કોમ્પ્યુટર મોડેલિંગનો ઉપયોગ કરી તેમણે તારણ કાઢ્યું કે, જો માત્ર 54% પ્રાણીઓને રસી આપી દેવામાં આવે તો બાકીનાં પ્રાણીઓમાં હર્ડ ઇમ્યુનિટી આવી જશે. આ રણનીતિ અદભુત રીતે કામ કરી ગઈ. આજે તેમની સંખ્યા 2500ને પાર પહોંચી છે. પાલતુ શ્વાનને રસી આપી રોક્યો વિનાશ!
આફ્રિકાના ઇથિયોપિયાના ઊંચા પહાડી વિસ્તારોમાં જોવા મળતાં આ વરુ વિશ્વની સૌથી સંકટગ્રસ્ત પ્રજાતિ છે. 2003, 2010 અને 2019માં સ્થાનિક ગામલોકોના પાલતુ કૂતરાઓમાંથી હડકવા અને CDV વાઈરસ આ વરુઓમાં ફેલાયો. વાઈરસ એટલો ખતરનાક હતો કે અમુક વિસ્તારોમાં 80 ટકાથી વધુ વરુઓ સાફ થઈ ગયાં. આ સંકટને પહોંચી વળવા રક્ષકોએ ‘રિંગ વેક્સિનેશન’નો રસ્તો અપનાવ્યો. તેમણે વરુઓને પકડવાને બદલે, જંગલની આસપાસનાં ગામડાંઓનાં હજારો પાલતુ અને રખડતા કૂતરાઓને રસી આપવાનું જંગી અભિયાન ચલાવ્યું. સાથે જ વરુઓનાં ઝુંડના મુખ્ય કે આલ્ફા સભ્યોને દૂરથી ડાર્ટ મારીને રસી આપી. આનાથી રોગની સાંકળ તૂટી ગઈ અને સમગ્ર પ્રજાતિનું અસ્તિત્વ બચી ગયું.
વન્યજીવ ઇતિહાસ સાબિત કરે છે કે વૈજ્ઞાનિક અભિગમથી મહામારી રોકી શકાય છે.
Read Original Article →