વસુંધરાના વહાલાં દવલાં:પ્રવાસીઓના ચટાકા વાંદરાઓને ચટાડે છે ધૂળ!
કુદરત પાસે પોતાની રક્ષા કરવાના અદભુત રસ્તાઓ હોય છે. જ્યારે માનવીય હસ્તક્ષેપ વન્યજીવોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે, ત્યારે આ અબોલ જીવો પોતાની રીતે જ રસ્તો શોધી લેતાં
હોય છે.
તાજેતરમાં યુરોપના એકમાત્ર જંગલી પ્રાઈમેટ્સ એટલે કે નર વાનર જિબ્રાલ્ટરના ‘બાર્બરી મેકાક’ વિશે જે સંશોધન સામે આવ્યું છે, તે પર્યાવરણ પ્રેમીઓ અને વિજ્ઞાનીઓ માટે આંખ ઉઘાડનારું છે. જિબ્રાલ્ટરના વાંદરાઓનું અનોખું ડિટોક્સ, જેમાં તેઓ પ્રવાસીઓના જંકફૂડ સામે રક્ષણ મેળવવા માટી ખાય છે.
જિબ્રાલ્ટરના ખડકાળ પ્રદેશોમાં જોવા મળતા આ વાંદરાઓ પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર છે. પ્રવાસીઓ ઉત્સાહમાં આવીને તેમને પોટેટો ચિપ્સ, ચોકલેટ, બ્રેડ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ખવડાવે છે. જોકે, આ જંકફૂડ આ વાંદરાઓના કુદરતી આહારનો હિસ્સો નથી. તેમાં ફાઈબર ઓછું હોય છે અને ખાંડ, મીઠું તથા કેલેરીનું પ્રમાણ અતિશય વધારે હોય છે.
વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ, આ વાંદરાઓના કુલ ખોરાકમાં આશરે 18.8 ટકા હિસ્સો આવા જંકફૂડનો છે. પરિણામે, આ વાંદરાઓને અપચો, ગેસ, ઉબકા અને ઝાડા જેવી પાચન સંબંધી ગંભીર સમસ્યાઓ થાય છે. તેમનાં પેટમાં એસિડિટી અને બળતરા વધવા લાગે છે. હવે સવાલ એ હતો કે, ડોક્ટર પાસે ગયા વગર આ વાંદરાઓ પોતાનો ઇલાજ કેવી રીતે કરે છે?
‘જીઓફેગી’: માટી જ્યારે દવા બને
‘નેચર સાયન્ટિફિક રિપોર્ટ્સ’માં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, આ વાંદરાઓએ એક અનોખી ટેવ પાડી છે, જેને વિજ્ઞાનની ભાષામાં ‘જીઓફેગી’ એટલે કે માટી ખાવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. જ્યારે પણ વાંદરાઓ પ્રવાસીઓએ આપેલું જંકફૂડ ખાય છે, તેના થોડા જ સમયમાં તેઓ લાલ રંગની માટી ‘તેરા રોસા’ ખાવાનું શરૂ કરી દે છે.
વૈજ્ઞાનિકોના મતે, આ માટી તેમના પાચનતંત્રમાં એક ‘બફર’ અથવા રક્ષણાત્મક પડ તરીકે કામ કરે છે. માટીમાં રહેલાં તત્ત્વો પેટના ઝેરી પદાર્થોને શોષી લે છે અને પીએચ (pH) લેવલને સંતુલિત કરે છે. ટૂંકમાં કહીએ તો, આ વાંદરાઓ માટીનો ઉપયોગ ‘એન્ટાસિડ’ અથવા કુદરતી દવા તરીકે કરે છે જેથી પ્રવાસીઓના હાનિકારક ખોરાકની આડઅસર ઓછી થઈ શકે.
સામાજિક શિક્ષણ અને પરંપરા
અભ્યાસમાં જાણવા મળ્યું કે 90 ટકા કિસ્સાઓમાં જ્યારે કોઈ વાંદરો માટી ખાતો હોય ત્યારે આસપાસ બીજા વાંદરાઓ પણ હાજર હોય છે. નાનાં બચ્ચાંઓ પોતાના વડીલોને જોઈને આ રીત શીખે છે. જે વિસ્તારોમાં પ્રવાસીઓની અવરજવર બિલકુલ નથી, ત્યાંના વાંદરાઓમાં માટી ખાવાનું પ્રમાણ નહિવત જોવા મળ્યું છે. આ સાબિત કરે છે કે માનવીય પ્રવૃત્તિઓએ વન્યજીવોનાં વર્તનને પણ બદલી નાખ્યું છે. સીઝન અને ખોરાકનો સંબંધ
સંશોધન દરમિયાન એવું પણ નોંધાયું કે ઉનાળામાં, જ્યારે પ્રવાસીઓની સંખ્યા સૌથી વધુ હોય છે, ત્યારે માટી ખાવાની પ્રવૃત્તિમાં 56.5 ટકાનો ઉછાળો આવે છે. શિયાળામાં આ પ્રમાણ ઘટીને 39.1 ટકા થઈ જાય છે. સ્થાનિક તંત્ર દ્વારા જોકે વાંદરાઓને ફળો અને શાકભાજી પૂરાં પાડવામાં આવે છે અને પ્રવાસીઓને ખાવાનું આપવાની મનાઈ છે, છતાં ચોરીછુપીથી ચાલતો આ સિલસિલો વાંદરાઓનાં સ્વાસ્થ્ય માટે જોખમી બની રહ્યો છે.
જિબ્રાલ્ટરના આ બાર્બરી મેકાકનું ઉદાહરણ આપણને સમજાવે છે કે માનવીની નાની અમથી ભૂલ - વન્યજીવોને પોતાનો ખોરાક આપવાની આદત-પ્રકૃતિના ચક્રને કેવી રીતે ખોરવી શકે છે. ભલે આ વાંદરાઓએ માટી ખાઈને બચવાનો રસ્તો શોધી લીધો હોય, પણ અંતે તો તે માનવીય દખલનું જ પરિણામ છે. વન્યજીવોને જંગલી રહેવા દેવા અને તેમના કુદરતી
આહારમાં ખલેલ ન પહોંચાડવી એ જ આપણી સૌથી મોટી સમજદારી છે.
Read Original Article →