આંતરમનના આટાપાટા:ઘડપણ : મનગમતી પ્રવૃત્તિની નવી વસંત
માણસ જન્મે છે, યુવાવસ્થામાં પહોંચે છે, કારકિર્દીથી માંડીને એક આખી નવી દુનિયાની કલ્પના એને આકાશમાં ઊડતો કરી દે છે. એની અનેક અભિલાષાઓ હોય છે અને એ અભિલાષાઓને પામવા માટે એની પાસે કદાચ પૈસાની કમી હોય પણ ઉત્સાહ અને મહત્ત્વાકાંક્ષાઓની કમી તો નથી જ હોતી. યુવાનીનો સમય એ શમણાં જોવાનો, એને સાકાર કરવા માટે મથવાનો અને એના પરિપાકરૂપે શમણાંને સાકાર કરવાનો સમય છે, એમ કહીએ તો એમાં જરાય
ખોટું નથી.
શારીરિક શક્તિની દૃષ્ટિએ જોઈએ તો માણસ એની ચરમસીમાએ હોય છે. એ વધારાનું કામ કે દોડધામ પણ કરી શકે છે અને પોતાનાં સપનાં સાકાર કરવા સાત સમંદર પાર પણ જાય છે. ક્યારેક આમ કરવા જતા ઊંઘ ચૂકી જવાય કે એકાદ ટંકનું ખાવાનું રહી જાય તો એનો બહુ વસવસો એને થતો નથી. આ એવો સમય છે જ્યારે એના કુટુંબ અને મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થાય છે. એના સમાજમાં કે મિત્રવર્તુળમાં એ પાંચમા પૂછાતો થાય છે પણ ત્યારે એ ભૂલી જાય છે કે ‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.’
હવે એણે યૌવનનો ઉંબરો ઓળંગ્યો. પહેલાં કદીયે ના થાકનાર આ માણસને હવે થાક લાગવા માંડ્યો છે, જાણે કે એ હવે જવાનીને કહી રહ્યો છે, ‘કહું છું જવાનીને, પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે.’
...અને એટલે માણસ લાખ ચાહે વધતી જતી ઉંમરના તકાજાથી એ છટકી શકતો નથી. એ પણ હકીકત છે કે પોતે ઘરડો થઈ રહ્યો છે, એ કલ્પના કરવી પણ એને ગમતી નથી અને એટલે કોઈ જ્યારે કશા જ કારણ વગર ઉલ્લેખ કરે કે ‘હવે તમારી ઉંમર દેખાવા માંડી છે!’ ત્યારે સાહજિકતાથી આ વાતને સ્વીકારવાનું એને ગમતું નથી.
તમે લાખ ટાળો ઉંમર વધતી જાય છે અને એ વધતી જતી ઉંમર સાથે દોસ્તી ન બાંધો અથવા એને ન સ્વીકારો તો મનમાં ને મનમાં તમે જ દુઃખી થાઓ છો અને એટલે આજે વાત કરવી છે કે તમે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહ્યા હો અને દુઃખી ના થવું હોય તો કોઈના પર આધાર ન રાખશો.
જો કોઈ પર આધાર રાખશો તો ધીરે ધીરે તમારી પ્રકૃતિ, આત્મનિર્ભરતા અને એથી પણ વધુ સ્વમાન સાથે તમારે સોદો કરવો પડશે અને એ સરળ નહીં હોય. કોઈકના પર પોતે આધારિત છે અને એટલે નિઃસહાય છે એ ભાવમાત્ર ભલભલા ચરમબંધીને તોડી નાખવા માટે પૂરતો છે.
આ પરિસ્થિતિમાં વૃદ્ધાવસ્થા તમને દુઃખ ન પહોંચાડે તેવું ઇચ્છો છો? તમારી પાસે જ્યારે તક હતી ત્યારે ઘણી બધી એવી વસ્તુઓ હતી જે તમે કરી શકતા હતા. ત્યારે તમે તમારું જીવન બીજાને રાજી રાખવા માટે ખર્ચી નાખ્યું, ખરું ને? અથવા તમારી વધુ પડતી મહત્ત્વાકાંક્ષા એ ખાઈ ગઈ એવું પણ હોઈ શકે ને?
તમે બીજાઓ માટે આ જે કર્યું, પછી ભલે તે તમારા ગમે તેટલા નજીકના હોય, પણ જ્યારે તમારો પનારો વાસ્તવિકતા સાથે પડે અને વૃદ્ધાવસ્થામાં તમને અહેસાસ થાય ત્યારે તમારા માટે કોઈને સમય હોતો નથી. એમને પણ એમની મહત્ત્વાકાંક્ષા હોય છે, એમનું આકાશ હોય છે જેમાં એમણે મુક્ત પંખી બનીને ઊડવું છે, એટલા માટે જીવનમાં પહેલો સિદ્ધાંત અપનાવો, ‘ડોન્ટ ડિપેન્ડ ઓન એની વન - કોઈના પર આધારિત અથવા પરાવલંબી ના બની જાઓ.’ તમારું જીવનસાથી, તમારાં બાળકો અથવા તો કુટુંબના બીજા સભ્યો પણ આમાં આવી જાય.
તમે જેવા પરાવલંબી બનો છો, એક એવી પરિસ્થિતિને નિમંત્રણ આપો છો, જ્યારે તમારે મન મારીને જીવવું પડે છે અને આમ કરવાથી ધીમી પણ મક્કમ ગતિએ તમારું સ્વમાન ઘસાય છે. ધીરે ધીરે તમે અંદરથી જ તૂટતા જાઓ છો. આ પરિસ્થિતિમાંથી રાહત મેળવવી હોય તો પૈસા બચાવો. નાની તો નાની પણ તમારી આવક ઊભી કરો અને નિવૃત્ત થયા એટલે ઘરનો ખૂણો પકડીને બેસી ન જાઓ. નિવૃત્તિ એ તમને અનુકૂળ પ્રવૃત્તિની શરૂઆત છે.
અત્યાર સુધીમાં બગીચામાં જઈને બાંકડે બેસવાનો સમય નહોતો જે હવે છે. સમયાંતરે બે-ચાર દોસ્તો સાથે ભેગા થઈને ટોળટપ્પાં કરવાં છે, સમય નહોતો,
હવે છે. કાંઈક લખવું છે, સાહિત્યસર્જન કરવું છે, નિજાનંદની મસ્તી ખાતર જરૂર કરો.
ઘડપણ એ મૂરઝાવાની ઋતુ નથી. ઘડપણમાં તમારી મનગમતી પ્રવૃત્તિઓ મહેકી ઊઠવાની વસંત આવી શકે છે. કાર્યરત રહો અને જીવંત રહો. ઘડપણમાં કોઈ શર્ટ ખરીદવાનો વિચાર આવે, સિનેમા જોવા જવાનો સમય આવે, સારી રેસ્ટોરાંમાં જવાની ઇચ્છા થાય તો કોઈની પર આધાર રાખવાની જરૂર ન પડે માટે તમારી યુવાનીના સમય દરમિયાન થોડીક બચત કરો અને એમાંથી આવા નાના-નાના શોખ પૂરા થઈ શકે, એટલી આવક ઊભી કરો.
એ ખ્યાલ રાખો કે, સ્વતંત્રતા એ કોઈ તવંગર હોવાનો અહેસાસ નથી પણ માણસ સુરેશ દલાલની ભાષામાં ખુદ્દારીથી કહી શકે કે,
‘આપણે તો આપણી રીતે રહેવું; ખડા થયા તો ખડગ, નહીં તો નદી જેમ નિરાંતે વહેવું...’
Read Original Article →