ગતકડું:ગાજે પણ ફરે નહીં એનું નામ પંખો!
ડૉ. પ્રકાશ દવે અ મુક અધિકારીઓ ઝડપી કાર્યવાહી કરવામાં માનતા હોય છે. એ ઓફિસમાં આવે એટલે પટ્ટાવાળો સાહેબની ચેમ્બરનો પંખો ફૂલ સ્પીડમાં મૂકી દે છે!
અમુક પંખા પણ આપણી સાથે રહી રહીને અવળચંડા થઈ જાય છે. પંખાની મૂળભૂત ફરજ છે ફરવું અને આપણી ગરમી દૂર કરવી. અમુક પંખા આળસુ હોય છે. એને ચાલુ કરવામાં આવે એટલે એ ગાજવા માંડે પણ ફરે નહીં. રેગ્યુલેટર દ્વારા એને ગમે એટલો ધીમો કે ફૂલ કરવામાં આવે, એ લાજવાને બદલે ગાજ્યા કરશે. પંખાના પાંખિયાને ફેરવવા માટે મોટાભાગે હાજર હથિયાર તરીકે સાવરણીનો ઉપયોગ કરીને ધક્કો મારવામાં આવે છે.
સાવરણીના વિકલ્પે ક્રિકેટનું બેટ, વેલણ વગેરે પણ લોકપ્રિય હથિયારો છે. અમુક વખતે આવું કશું હાજર ન હોય અને ગરમી ભુક્કા કાઢતી હોય ત્યારે ટુવાલ અથવા બાપુજીના લેંઘા દ્વારા પણ પંખા પર આક્રમણ કરવામાં આવે છે. આવું કરવાથી મોટાભાગે પંખા ચાલુ થઈ જાય છે, પણ અમુક પંખા જીદ્દી હોય છે. ચાલુ થયા પછી તમે હથિયાર સગેવગે કરો એટલે એ પોત પ્રકાશીને ફરવાનું બંધ કરી દે છે. ફરીવાર એને ચાલુ કરી શકાય એવી શક્યતાઓ હવે ધૂંધળી બની ગઈ હોય છે, કારણ કે ટુવાલ કોઈકે શરીર લૂછીને ભીનો કરી નાખ્યો હોય છે અને બાપુજી લેંઘો પહેરીને મંદિરે જતા રહ્યા હોય છે. એટલે નાછૂટકે પંખો હોવા છતાં ગરમીમાં શેકાવું પડે છે.
એક ભાઈએ એનાં પત્નીને પંખો ફૂલ સ્પીડમાં મૂકવા કહ્યું. પત્ની સ્પીડ વધારીને રસોડામાં ગઈ ત્યાં એ ભાઈએ બૂમ પાડી, ‘પંખો બંધ કરી દેજે.’ પત્નીએ રસોડામાંથી આવી પંખો બંધ કર્યો અને ફરીથી રસોડાગમન કર્યું. થોડીવારે ફરી સાદ સંભળાયો, ‘પંખો પાંચ ઉપર કરી દેજે.’ પત્નીએ હુકમનું પાલન કર્યું. આમ સતત ચાલુ રહ્યું એટલે પત્ની ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, ‘એક પોલિસી નક્કી કરો. પંખો ચાલુ રાખવો છે કે બંધ?’ પતિએ શાંતિથી કહ્યું, ‘મેં બહુ વિચારીને જ આ પોલિસી નક્કી કરી છે. પંખો ઘડીક ફૂલ સ્પીડમાં મૂકી પછી બંધ કરી દેવાનો. બંધ થઈ જાય એટલે ફરી ચાલુ કરવાનો.’
‘આને પોલિસી ન કહેવાય, આડોડાઈ કહેવાય. અને આવી આડોડાઈ કરવાથી શું ફાયદો?’ પત્ની પંખાને પડતો મૂકી પતિ સામે ત્રાટક કરતા બોલી.
‘ડબલ ફાયદો છે. પહેલો ફાયદો એ કે ફૂલ સ્પીડમાં પંખો કરીએ એટલે ગરમી ન થાય અને બીજો ફાયદો એ કે વારેવારે બંધ કરીએ એટલે લાઈટબિલ ઓછું આવે.’ પતિએ ફાયદા બતાવ્યા!
દરેક વખતે પતિ જ લાઈટબિલ ઓછું આવે એવા પ્રયત્ન કરતો હોય છે એવું નથી, પત્ની પણ એમાં પૂરેપૂરો સહયોગ આપે છે. એક પતિને ગરમી બહુ લાગે એટલે એ બહારથી ઘેર આવે એટલે પંખો ફૂલ સ્પીડમાં મૂકી દે. પત્નીને આ જરાય ન ગમે. એણે એક યુક્તિ કરી. પતિની ગેરહાજરીમાં ઇલેક્ટ્રિશિયનને બોલાવી પંખાની સ્પીડ વધે જ નહીં એવું સેટિંગ ગોઠવી દીધું. પતિ ઘેર આવ્યો અને પંખો ચાલુ કર્યો. પંખો ધીમી સ્પીડમાં ફરવા લાગ્યો. પતિએ રેગ્યુલેટર આમથી તેમ કર્યા કર્યું પણ પંખાની ગતિમાં કોઈ ફેરફાર ન થયો. અચાનક પત્ની રસોડામાંથી બહાર આવી અને પતિને કહ્યું, ‘આમ રેગ્યુલેટર ફેરવ્યા કરશો તો એ તૂટી જશે.’
પતિ કહે, ‘પંખો ધીમે ફરે છે. ગરમી ઓછી કરવા શું કરવું?’ પત્ની હોશિયાર પણ હતી. એણે રસ્તો બતાવ્યો, ‘થોડો પંખો ફરે, પંખા નીચે બેસીને થોડા તમે ફરો.’ આ ઘટનાને બે વરસ થઈ ગયાં. પંખો, પત્ની અને રેગ્યુલેટર સલામત છે, પતિ તૂટી ગયો!
કોઈને ત્યાં મહેમાન આવે ત્યારે ચા અને નાસ્તા પછી સૌથી વધુ આગ્રહ પંખાની સ્પીડ વધારવા બાબતે કરવામાં આવે છે! ઘણા યજમાન તો ‘તમારી ઉપર જ રેગ્યુલેટર છે, જોઈએ એ પ્રમાણે પંખો વધારી લેજો’ એમ કહીને મહેમાનને જ પંખાની ઝડપ વધારવા માટે ‘પાવર ઓફ એટર્ની’ આપી દે છે. એક ભાઈએ પંખો બનાવતી કંપનીમાં ફોન કરીને પૂછ્યું કે ચોવીસ કલાક ફૂલ સ્પીડમાં ફરીને પંખો ગરમ થઈ ગયો છે, હવે શું કરવું? ‘ગરમ પંખાને ઠંડો કરવા બીજા પંખા નીચે મૂકી દો.’ હેલ્પલાઈનવાળાએ હેલ્પ કરી!
પંખો કેટલાની સ્પીડ પર ફરતો હશે એ તમે ક્યાં બેઠાં છો એના પર આધાર રાખે છે. ઘેર બેઠાં હશો તો બે પર ફરતો હશે અને ઓફિસમાં હશો તો પાંચ પર! એ વાત અલગ છે કે અમુક માણસો પંખા કરતાં પણ વધુ સ્પીડથી ફરી શકે છે.
Read Original Article →