ઓક્સિજન:વિકલ્પ
‘સાહેબ બીજો કોઇ ઓપ્શન નથી.’
હાઈવેની હોટલ આગળ સાહેબનો કાફલો ઊભો રહ્યો અને ઠંડા પીણાંની માંગ કરી તો દુકાનદાર કહે ચા સિવાય બીજું કશું નહીં મળે, લેવી હોય તો લ્યો. અલબત્ત, ઠંડા પીણાં ફ્રિજમાં તો હતાં જ. આ સાંભળીને સાહેબનો પિત્તો ગયો. માથે ગરમી ચઢે એ અપેક્ષિત હતું. સાહેબ અઠવાડિયાથી પાટનગરમાં ધામા નાખીને, કેટલાય કોઠા-કબાડા કરીને આવનારી પંચાયતની ચૂંટણીમાં પોતાને બિનહરીફ ઉમેદવાર જાહેર કરાવી ચૂક્યા હતા. હા, પેલું સામ, ડામ, દંડ, ભેદ બધું વાપરીને!
પોતાના મત વિસ્તારમાં પાછાં ફરતી વેળાએ આવો અનુભવ થયો ત્યારે તેમનો સેક્રેટરી કહે ‘સવારે ઘરેથી ફોન આવ્યો તો કહે ગામમાં ગલકાં જ મળે છે. બીજું શાક ખાવું હોય તો વિકલ્પ જ નથી.’ આ સાંભળી એક ટેકેદાર બોલ્યો ‘અનાજ લેવા જાવ તો કહે ચોખા જ છે, બીજું નહીં મળે. આપણને પસંદગી કરવા માટે કોઈ ચોઈસ જ નથી.’ આ સાંભળી સાહેબનું દિમાગ તપવા લાગ્યું.
હાઈવેથી ગામમાં પ્રવેશવા ગાડીઓ વળી તો આગળ રસ્તા ઉપર જ વાહનો પાર્ક થયેલાં પડ્યાં હતાં. બીજી ગલીમાં ગાયો-ભેંસોની સભા ભરાઈ હતી. ડ્રાઇવરે કહ્યું કે હવે ગામમાં ગાડી લઇ જવા કોઇ રસ્તો જ ન હતો. સાહેબની ટોળકી ગાડીઓમાંથી ઉતરી અને પગપાળા ગામમાં પ્રવેશી. જુએ તો ચોકમાં કીડિયારું ઊભરાયું હતું. પૂછ્યું તો લોકો કહે અમે તો હવે સાંજ પડે અહીં જ ભેગાં થઈશું. સાહેબ તાડૂક્યા ‘બધાંને અહીં શું દાટ્યું છે? મેદાન છે, શાળા છે, પંચાયતની સામેનું ચોગાન છે, કેટલા બધા વિકલ્પ છે! જાવ ત્યાં!’ લોકો કહે, ‘વિકલ્પ? અમે તો પોતાનો પ્રતિનિધિ પણ પસંદ નથી કરી શક્યા તો અમને વિકલ્પનો શું મોહ? હવે તો પાંચ વર્ષ આ રીતે જ નીકળશે.’
શબ્દોના ફટકાર પછી સાહેબને જ્ઞાન લાદ્યું કે પોતે પણ ‘વિકલ્પો’ને બેસાડીને જ બિનહરીફ બની બેઠા હતા, તો ગામવાળાં પણ એ જ કરી રહ્યાં હતાં ને! વિકલ્પ વગર શ્રેષ્ઠતાની પસંદગી કેવી રીતે કરી શકાય?
Read Original Article →