સંપૂર્ણ જીવન ગણિતના આંકડાઓ વચ્ચે વીત્યું:ગુજરાતના ગણિતદાદા : ડૉ. પ્રહલાદ ચુનીલાલ વૈદ્ય
પ્ર.ચુ. વૈદ્ય એટલે ડૉ. પ્રહલાદ ચુનીલાલ વૈદ્ય. પી. સી. વૈદ્યસાહેબ એટલે ગુજરાતના ગણિત દાદા. તેઓ ડૉ. વિક્રમ સારાભાઈના સમકાલીન અને તેમના જેટલું જ શ્રેષ્ઠતમ કાર્ય કરનાર વિભૂતિ છે.
1955માં તેઓ ગુજરાત કોલેજમાં પ્રથમ વર્ગના પ્રાધ્યાપક તરીકે જોડાયા. શુદ્ધ ખાદીનો કફની, લેંઘો અને ઉપર જાકીટ એ તેમનો પોશાક. ઘેરથી કોલેજ સાઈકલ પર જ આવે. સત્ર શરૂ થયાના શરૂઆતના દિવસોમાં તેઓ વર્ગ લેવા ગયા ત્યારે બોર્ડ પર કોઈકે લખેલું કે ‘સાહેબ તો લેંઘો પહેરીને આવે છે.’
વિદ્યાર્થીઓ ધારતા હતા કે ‘ક્લાસ વન’ના અધિકારી એવા સાહેબ બોર્ડ પરનું વાક્ય જોશે એટલે વિસ્ફોટ થશે. વૈદ્યસાહેબે એ વાક્ય જોયું અને મોટેથી વાંચ્યું, ‘સાહેબ તો લેંઘો પહેરીને આવે છે.’ પછી જાણે સૌને ખાનગીમાં કહેતા હોય તેમ પણ બધા સાંભળે તેમ બોલ્યા, ‘તમારી એવી ઈચ્છા હશે તો કાલથી ઉતારીને આવીશ.’ વિસ્ફોટ તો 150 વિદ્યાર્થીઓનાં હાસ્ય અને તાળીઓનો થયો. આ એક જ વાક્યથી તેમણે વિદ્યાર્થીઓનાં દિલ જીતી લીધાં.
પ્ર. ચુ. વૈદ્યસાહેબનો જન્મ 23 મે 1918ના રોજ જૂનાગઢ જિલ્લાના શાપુર ગામે વડનગરા નાગર કુટુંબમાં થયો હતો. તેઓ ચુનીલાલ વૈદ્ય અને નિર્મળાબેનના ત્રણ સંતાનો પૈકી સૌથી નાના હતા. વૈદ્યસાહેબના પિતા દામનગરની પોસ્ટઓફિસમાં નોકરી કરતા હતા. તે પછીનાં વર્ષોમાં તેમની ધોલેરા તેમજ રાણપુર મુકામે બદલી થઈ. વૈદ્યસાહેબનું બાળપણ દામનગર, ધોલેરા અને રાણપુરમાં વીત્યું. 1922માં તેમના માતા નિર્મળાબેનનું અવસાન થયું, તે વખતે વૈદ્યસાહેબ ચાર વર્ષના હતા.
1922માં તેમના પિતાજીએ સંતાનોનો ઉછેર સારી રીતે થાય તેમજ ભાવનગરમાં રહેતા તેમના બહેનની નજીક રહી શકાય તે માટે ભાવનગર બદલી કરાવી. વૈદ્યસાહેબનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં થયું. 1931માં તેમના પિતાજીનું અવસાન થયું. વૈદ્યસાહેબે ચાર વર્ષની વયે માતા અને 13 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમના પિતા વારસામાં માત્ર શિક્ષણ અને સંસ્કાર મુકતા ગયા. છેલ્લા શ્વાસ લેતા પિતા ચુનીલાલ વૈદ્યે તેમના મોટા દીકરા મધુસૂદનભાઈને કહ્યું હતું કે ‘બચુને બી.એ. કરજો.’ વૈદ્યસાહેબને લાડમાં ઘેર બધા ‘બચુભાઈ’ કહેતા.
1934માં વૈદ્યસાહેબે મુંબઈમાં અંધેરીની શેઠ માધવદાસ અમરસિંહ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ તેઓ જોગેશ્વરીની ઈસ્માઈલ યુસુફ કોલેજમાં દાખલ થયા. 1936માં ઈન્ટર સાયન્સ પાસ કર્યા પછી બી.એસસી. માટે મુંબઈની રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં જોડાયા. 1938માં વૈદ્યસાહેબે ‘ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન’ સાથે બી.એસસી.ની પરીક્ષા ગણિત વિષય સાથે પાસ કરી. 1940માં પ્રથમ વર્ગ સાથે યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી એમ.એસસી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી.
1940માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. રાજકોટમાં એક વર્ષ ગાળ્યા પછી તેમણે બે વર્ષ માટે અધ્યાપન છોડી દીધું. પહેલા વર્ષે તેમણે મુંબઈમાં મલાડ ખાતે સરદાર પૃથ્વીસિંહના અહિંસક વ્યાયામ સંઘનું સંચાલન કર્યું. બીજા વર્ષે તેઓ બનારસ ગયા અને સાપેક્ષવાદના નિષ્ણાત પ્રાધ્યાપક વિષ્ણુ વાસુદેવ નાર્લીકરના માર્ગદર્શન હેઠળ પી.એચડી. માટેનું સંશોધન શરૂ કર્યું. વૈદ્યસાહેબ કહેતા કે ‘લોકો પરભવનું ભાથું ભેગું કરવા બનારસ જાય છે, પણ હું તો આ ભવનું ભાથું ભેગું કરવા બનારસ ગયો.’ તેમનું સંશોધન ‘વૈદ્ય મેટ્રિક’ તરીકે જગપ્રસિદ્ધ થયું.
1943 થી 1947 દરમિયાન તેઓ સુરતની એમ.ટી.બી. કોલેજમાં અધ્યાપક રહ્યા. ત્યાર પછી ફરી એક વર્ષ મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં રહી પીએચડી માટેનું સંશોધન કાર્ય પૂરું કર્યું. 1948થી 1955 સુધી તેઓ વલ્લભવિદ્યાનગરની વી.પી. કોલેજમાં પ્રાધ્યાપક રહ્યા.
1955માં વૈદ્યસાહેબ ગુજરાત કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. 1959માં તેઓ વિસનગર કોલેજના આચાર્ય બન્યા. એ જ વર્ષે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં નવા શરૂ થયેલા અનુસ્નાતક વિભાગમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. સંશોધક તરીકે તેમની પ્રતિષ્ઠા એટલી વ્યાપક હતી કે તેઓ વિઝિટિંગ પ્રોફેસર તરીકે અમેરિકા, ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ અને ઇટાલીની યુનિવર્સિટીઓમાં સેવા આપી આવ્યા હતા.
વૈદ્યસાહેબનું મહત્ત્વનું પ્રદાન ‘ગુજરાત ગણિત મંડળ’ અને ‘સુગણિતમ’ સામયિક છે. 1971માં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના અધ્યક્ષ તરીકે તેમની છ વર્ષ માટે વરણી થઈ હતી. 1977માં ભારત સરકારે તેમની કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC)ના સભ્ય તરીકે નિયુક્તિ કરી હતી. 1978-80માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રહ્યા હતા. 2010ની 12 માર્ચના રોજ 92 વર્ષની વયે અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું. વૈદ્યસાહેબની જાણીતી કૃતિઓમાં ‘પસ્તીનાં પાનાં’, આત્મકથા ‘ચોક અને ડસ્ટર’ તથા ‘અખિલ બ્રહ્માંડમાં’ જેવાં સુંદર પુસ્તકોનો સમાવેશ થાય છે.
2013માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલથી વાસણા તરફ જતા માર્ગને ‘ડૉ. પ્ર. ચુ. વૈદ્ય માર્ગ’ નામ આપી તેમના કાર્યને અંજલિ આપી છે. તેમના જીવન પર આધારિત ચરિત્ર કથા ‘આપણી મોંઘેરી ધરોહર’ પ્રા. અરુણભાઈ વૈદ્યે 2016માં લખી છે, જે વૈદ્યસાહેબને આપેલી ભવ્ય અંજલિ છે.
- કલ્પેશ દીનબંધુ અખાણી
Read Original Article →