ગતકડું:ભગવાને આમને વોલ્યુમ બટન કેમ નહીં આપ્યું હોય?
ડૉ. પ્રકાશ દવે ઘણા લોકો એટલું જોરથી બોલતા હોય છે કે તેમને સાંભળીને આપણને એ માઇક્રોફોન ગળી ગયા હોય એવો વહેમ પડે; અને એ પણ એવા સમયે કે જ્યારે એ ફુલ વોલ્યુમ સાથે વાગતો હોય! જો એ અવાજ ધીમો કરવો હોય, તો એમના ગળામાં જઈને જ કરવો પડે. એ શક્ય ન હોવાથી, એમનો ફુલ વોલ્યુમ સહન કર્યા વિના આપણી પાસે કોઈ છૂટકો નથી રહેતો.
જોરથી બોલવાની આદત ધરાવનાર માણસ સામાન્ય વાત પણ જોરથી જ બોલે છે. પરિણામે, એ વાત જરૂર કરતાં વધુ ‘અસરકારક’ (કે પછી ભયાનક) બની જાય છે!
એક માણસ મોબાઈલની દુકાને ગયો અને ફરિયાદ કરી, ‘મેં તમારી પાસેથી નવો મોબાઈલ લીધો છે, એમાં બે તકલીફ થાય છે.’
‘શું?’ વેપારીએ પૂછ્યું. ‘પહેલી તકલીફ એ કે આમાં બેટરી બહુ નબળી છે. હું કોઈની સાથે પાંચ મિનિટ વાત કરું, ત્યાં બેટરી પાંચ પોઇન્ટ ઊતરી જાય છે.’ વેપારીએ કહ્યું, ‘બોલવાથી બેટરી નથી ઊતરતી સાહેબ, બરાડા પાડવાથી ઊતરતી હોય એવું લાગે છે! તમે આમ જોરથી બૂમો પાડશો તો લાંબા ગાળે બેટરી માત્ર ઊતરશે નહીં, પણ ફાટશે પણ ખરી! હવે બીજી તકલીફ કહો.’
ગ્રાહક બોલ્યો, ‘મોબાઈલમાં મને સામેવાળાનો અવાજ જ સંભળાતો નથી. સામેવાળાનો અવાજ દબાઈ જતો હોય એમ લાગે છે.’ વેપારીએ ધીમેથી કહ્યું, ‘અવાજ દબાતો નથી, પણ સામેવાળો તમારો અવાજ સાંભળીને હેબતાઈ જાય છે! થોડું ધીમે બોલવાનું રાખો!’
ઘણા લોકો મોબાઈલ પર વાત કરતી વખતે એટલા જોરથી ‘હેલ્લો’ બોલે કે સામેવાળો વ્યક્તિ શું કામ ફોન કર્યો હતો એ જ ભૂલી જાય! એવા લોકો માત્ર હેલ્લો બોલે ત્યાં સામેવાળાનો મોબાઈલ હલી જાય. ક્યારેક તો એમ પણ લાગે કે સામેની વ્યક્તિ સાથે વાત કરવા માટે આ ભાઈને ફોનની કોઈ જરૂર જ નથી, આ માણસ એમને એમ બોલશે તો પણ સામેવાળો પાડોશી દેશમાં બેઠો બેઠો સાંભળી શકશે!
બીજી તરફ, ઘણાનો અવાજ મ્યુટ કરેલા માઇક જેવો હોય છે. એ બોલે છે ખરા, પણ અવાજ બિલકુલ આવતો નથી. મતલબ કે શબ્દ ઉદભવ્યા ભેગો જ હવામાં વિલીન થઈ જાય છે. અમુક લોકો તો એટલું ધીમું બોલે કે એમને પોતાને પણ ન સંભળાય! આવી વ્યક્તિઓ ‘ધીરે ધીરે બોલ કોઈ સુન ના લે!’ એ સિદ્ધાંતમાં જ ચુસ્તપણે માનતી હોય છે.
ધીમે બોલનારા અને જોરથી બોલનારા લોકો ઉપરાંત, બોલવાની બાબતમાં લોકોનો એક ત્રીજો પ્રકાર પણ અસ્તિત્વમાં છે. આ લોકો વાતની શરૂઆત માપસરના અવાજમાં કરે છે, પરંતુ વાક્યમાં અર્ધે પહોંચે ત્યારે કોણ જાણે શું થતું હશે, અવાજ એકદમ ધીમો કરી નાખે છે! ‘આરંભે શૂરા’ એવા આ લોકો આપણામાં નવું જાણવાની ઉત્કંઠા તો જગાવે છે, પણ ઓચિંતા જ ‘આંખોથી લઈશું કામ હવે બોલવું નથી’નો સિદ્ધાંત પકડી આપણને અધવચ્ચે લટકાવી રાખે છે.
ખાસ કરીને ઓફિસમાં આપણે કોઈ કામ અર્થે ગયા હોઈએ ત્યારે અધિકારી સાહેબ આ ‘બોલતાં બોલતાં બંધ થઈ જવાની ટેકનિક’નો ભરપૂર ઉપયોગ કરે છે.
આપણે પૂછીએ, ‘સાહેબ, તો હવે હું ક્યારે આવું?’
એટલે એ જવાબ આપે, ‘આવતી સત્તર તારીખે રજા છે, અઢારે હું બહાર જવાનો છું, એમ કરો…’ આ ‘એમ કરો...’ પછી ઓચિંતા જ એ લીવર પરથી પગ ઉપાડી લે છે, મતલબ કે જીભને બોલવામાંથી મુક્તિ આપી દે છે! બાકીના શબ્દો એ એટલા ધીમે બોલે છે કે ઓગણીસ તારીખે આપણે આવવું કે નહીં, એ નક્કી જ નથી થઈ શકતું!
આનાથી સાવ જુદો અનુભવ પણ થાય છે. અમુક વ્યક્તિ શરૂઆત ટેસ્ટ મેચની જેમ સાવ ધીમેથી કરે છે. એ બોલવાની શરૂઆત કરે ત્યારે આપણે આપણા કાનને એ ભાઈની જીભ સુધી લઈ જવા પડે છે, પણ એ ભાઈ ટેસ્ટ મેચમાંથી ઓચિંતા જ ‘ટી-ટ્વેન્ટી’ મોડમાં આવી જાય છે અને એવો જોરથી ઘાંટો પાડે છે કે આપણા કાનના પડદા કારણ વગર કામચલાઉ ધોરણે બંધ થઈ જાય છે! અમુક વ્યક્તિની ભાષા આપણા રસ્તા જેવી હોય છે. ઘડીક ઢાળ આવે, ઘડીક ચઢાણ આવે, ઓચિંતો બમ્પ આવે કે પછી એકદમ લિસ્સો રસ્તો આવે! એમ અમુકની ભાષામાં ક્યારે, કયો વળાંક કે ઘાંટો આવશે એ નક્કી હોતું નથી, એટલે આપણે કાનને કાયમ ‘એલર્ટ મોડ’ પર જ રાખવા પડે છે.
આ દુનિયાની માલીપા એવા લોકો પણ વસે છે જે દિવસે ઓછું બોલે છે, પણ રાત પડે એટલે એમની વાચા ખુલી જાય છે. જેમ રાત આગળ વધતી જાય, તેમ એમનો અવાજ વધુ બુલંદ બનતો જાય છે. પાડોશીઓ આવા લોકોને જાહેરમાં ‘અડધી રાતનો હોંકારો’ કહીને બોલાવતા હોય છે, પણ ખાનગીમાં તો એમને ‘અડધી રાતનો દેકારો’ તરીકે જ ઓળખે છે!
Read Original Article →