ડૉક્ટરની ડાયરી:તું હિસાબોની બ્હાર રહેવાનો શું કરું હું તને ઉધારીને
ડૉ.નાયકે પૂરા બે કલાક સુધી વિચાર કર્યા પછી ફોનનું રિસિવર ઊઠાવ્યું, એક નંબર ડાયલ કર્યો. બીજી રિંગમાં જ સામા છેડેથી ફોન રિસિવ થયો. એક ઘેરો, ધીર-ગંભીર, જાણીતો અવાજ સંભળાયો: ‘ધનસુખલાલ બોલું છું, તમે કોણ?’
‘શેઠજી, હું ડૉ. ધીરજ નાયક બોલું છું. હોસ્પિટલમાંથી.’ ડૉ. નાયકે કહ્યું.
‘બોલો ને, ડૉક્ટર. શું કામ પડ્યું? હોસ્પિટલમાં બધું બરાબર છે ને?’ શેઠજીએ વડીલશાહી ઢબે પૂછ્યું.
‘હોસ્પિટલમાં તો બધું બરાબર છે, પણ હું બરાબર નથી. મારે આપને મળવું છે. થોડીક વાત કરવી છે. આપ કહો તે સમયે હું આપના ઘરે આવી જાઉં.’ ડૉ. નાયકે બને એટલી વિનમ્રતા દાખવીને મુલાકાતનો સમય માગ્યો. શેઠ ધનસુખલાલ જમાનાના ખાધેલ હતા. વગર કહ્યે બધું સમજી ગયા, ‘તમે ધક્કો ન ખાશો. આવતી કાલે રવિવાર છે, હું જ તમને મળવા આવી જઈશ. સવારે દસ વાગ્યે.’
આજથી છેંતાળીસ વર્ષ પહેલાંની ઘટના. ડૉ. નાયક હાલમાં અઠ્યોતેર વર્ષના છે. તાજેતરમાં જ એમની પ્રાઇવેટ પ્રેક્ટિસ બંધ કરીને ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા છે. તેમનો દીકરો ત્યાં બિઝનેસમાં ખૂબ સારી રીતે ‘સેટ’ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા જતાં પહેલાં તેમણે ‘શેર’ કરેલી આ ઘટના આજથી અડધી સદી પહેલાંના ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની ચેરિટેબલ હોસ્પિટલના વાતાવરણ વિશે રસપ્રદ જાણકારી પૂરી પાડી જાય છે.
ડૉ. નાયક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જનરલ સર્જન (એમ.એસ.) થયા પછી પ્રેક્ટિકલ અનુભવ મેળવવા માટે એક પછાત ગણાતા, પંદરેક હજારની વસ્તી ધરાવતા ગામની સાર્વજનિક હોસ્પિટલમાં સી.એમ.ઓ. તરીકે જોડાયા હતા. એમ.એસ.ની પરીક્ષામાં તેઓ ગોલ્ડ મેડલ સાથે ઉત્તીર્ણ થયા હતા, પણ ગરીબ પરિવારમાંથી આવતા હોવાથી સીધી પ્રાઇવેટ હોસ્પિટલ શરૂ કરી શકવાની સ્થિતિમાં ન હતા, ઉપરાંત સર્જરીનો બહોળો અનુભવ પણ મેળવવાનો બાકી હતો.
નોકરીમાં જોડાતાં પહેલાં ટ્રસ્ટીમંડળના સાત સભ્યોએ ડૉ. નાયકનો મૌખિક ઈન્ટરવ્યૂ લીધો હતો, એમનો એકેડેમિક રેકોર્ડ જાણીને તમામ ટ્રસ્ટીઓ પ્રભાવિત થયા હતા. ટ્રસ્ટીમંડળના પ્રમુખ શેઠ ધનસુખલાલ ભલા હતા, પણ ધનની બાબતમાં કરકસરિયા હતા. તેલમાં ડૂબેલી માખીને નિચોવીને, એની અંદરનું તેલનું ટીપું પણ જતું ન કરે તેવા હતા. એ વિસ્તારનાં સિત્તેર-એંશી જેટલાં ગામડાંઓના ગરીબ દર્દીઓ માટે બનેલી આ હોસ્પિટલ તેઓ અમદાવાદ અને મુંબઈમાં રહેતા સુખી, શ્રીમંત વેપારીઓ પાસેથી દાનમાં મળેલા રૂપિયા વડે ચલાવતા હતા. એક-એક રૂપિયાનો સદુપયોગ થાય તે વાતનું પૂરેપૂરું ધ્યાન રાખતા હતા.
નોકરીમાં જોડાતી વખતે ડૉ. નાયકને અનુભવ મેળવવો હતો માટે પગાર બાબતે એમણે જરા પણ કચકચ કરી ન હતી, જ્યારે નોકરીનાં ચાર વર્ષ પૂરાં થયાં, સેંકડો મેજર અને હજારો માઇનોર ઓપરેશન્સ કરી લીધાં, હાથ પૂરો સાફ થઈ ગયો, આત્મવિશ્વાસ આવી ગયો, એ પછી ડૉ. નાયકને પગાર વધારવાની માગણી કરવાનો વિચાર આવ્યો. રોજ દિવસ આખો તો ભરપૂર કામ રહેતું જ હતું, રાત્રે પણ ત્રણ-ચાર વાર ઊંઘમાંથી જાગીને હોસ્પિટલમાં દોડવું પડતું હતું.
બીજા દિવસે સવારે દસ વાગ્યાના ટકોરે શેઠ ધનસુખલાલ ડૉ. નાયકના ક્વાર્ટર પર આવી પહોંચ્યા. ધોતી, ઝભ્ભો, બંડી અને ટોપીમાં શેઠજી જાજરમાન લાગી રહ્યા હતા. એમનો ચહેરો ખીલેલો હતો અને આંખો હસતી હતી. જેવી ડૉ. નાયકે પગારવધારાની વાત ઉચ્ચારી એ સાથે જ શેઠજી કરમાઈ ગયા. આંખોમાં અંજાયેલું સ્મિત અદૃશ્ય થઈ ગયું.
શેઠ બોલ્યા, ‘ડોક્ટર, એક વાત સમજી લો. આ હોસ્પિટલ સુખી દાતાઓના દાનમાંથી ચાલે છે. દર્દીઓ માટે પૈસા ખર્ચવામાં અમે ક્યારેય કસર છોડતા નથી, તમને સંપૂર્ણ છૂટ આપીએ છીએ. તમારે જેટલી દવાઓ, ઇન્જેક્શનો કે ઓપરેશનનાં સાધનો મગાવવા હોય તે લાવી આપીએ છીએ, પણ ડોક્ટરોના પગારવધારા માટે અમારી પાસે પૈસા નથી.’
ડૉ. નાયક સહેજ તપી ગયા, ‘તો શું મારે સાવ આટલા પગારમાં જ વૈતરું કર્યે રાખવાનું? સેવાની પણ કોઈક કિંમત તો હોય કે નહીં?’
શેઠ ગર્જ્યા, ‘ડોક્ટર, તમે કંઈ સેવા માટે અહીં નથી ટકી રહ્યા. આ હોસ્પિટલ તમારા માટે ટ્રેનિંગ સેન્ટર છે. અહીં કેટલા બધા દર્દીઓ આવે છે તમારી પાસે! બીજી કોઈ હોસ્પિટલમાં વીસ વર્ષમાં જેટલો અનુભવ ન મળે એટલો તમને અહીં ચાર વર્ષમાં મળ્યો છે. તમારે તમારા સ્વાર્થનો જ વિચાર કરવાનો?’
‘સ્વાર્થ’ શબ્દ સાંભળીને ડૉ. નાયક આઘાત પામ્યા, ‘મારું કરશો, શેઠજી, આટલું કહીને તમે મારું અપમાન કર્યું છે. હવે હું અહીં કામ નહીં કરી શકું. આ મહિનો પૂરો થાય એટલે હું રાજીનામું આપીને ચાલ્યો જઈશ. એક મહિનાનો ‘નોટિસ પે’ તમે રાખી લેજો.’
‘મહિનો પૂરો થાય ત્યાં સુધી રાહ જોવાની શી જરૂર છે? આજથી જ તમે છૂટ્ટા! અત્યારે જ રાજીનામું લખીને આપી દો. અમે નવી નિમણૂક માટે અખબારમાં જાહેરાત આપી દઈશું.’ શેઠજીએ વાત પૂરી કરી ત્યાં સુધીમાં ડૉ. નાયકે પોતાના લેટરહેડ પર ત્રણ લીટીમાં રાજીનામું લખી આપ્યું. એ જ સાંજથી નોકરીમાંથી છૂટ્ટા થઈ ગયા. શેઠ વિદાય થયા, ડૉક્ટર સામાન ‘પેક’ કરવા લાગ્યા. વહેલી સવારે આ સ્થળ છોડીને ચાલ્યા જવાનું નક્કી કરીને તેઓ પથારીમાં પડ્યા.
રાત્રે બે વાગ્યા હશે અને ક્વાર્ટરની ડોરબેલ વાગી ઊઠી. પટાવાળો હતો. ડોરબેલ વગાડવાથી સંતોષ નહીં થયો હોય એટલે એણે બારણું ધમધમાવ્યું. ડૉ. નાયકે બારણું ખોલીને પૂછ્યું, ‘આ શું માંડ્યું છે? આખું ગામ મરવા પડ્યું છે?”
‘હા, સાહેબ, લગભગ એવું જ છે.’ પટાવાળો બોલ્યો: ‘હમણાં થોડી વાર પહેલાં જ આ ગામની બહાર એક ટેમ્પો ઊંધો વળી ગયો. ચાલીસ મજૂરો ઘવાયા છે. બધાને લઈને એમ્બ્યુલન્સ આપણે ત્યાં આવી ગઈ છે. પાંચેક જણાની હાલત ગંભીર છે, બાકીનાંને નાની-મોટી ઇજાઓ થઈ છે.’
ડૉ. નાયક મુંઝાયા, ‘પણ મેં તો રાજીનામું મૂકી દીધું છે. કાયદાની રીતે હું હવે આ હોસ્પિટલમાં કોઈ પણ દર્દીને સારવાર આપી ન શકું. જો કોઈ કોમ્પ્લિકેશન થાય તો મારું આવી બને. શેઠ ધનસુખલાલને કહો કે રાતોરાત કોઈ નવા સર્જનની વ્યવસ્થા કરી લે.’
પટાવાળાએ કહ્યું, ‘તમારી પાસે આવતા પહેલાં જ સિસ્ટરે શેઠજીને ફોન કર્યો હતો. શેઠ સાહેબે જ કહ્યું કે ડૉ. નાયક સરને વિનંતી કરો કે માનવતા ખાતર…’
ડૉ. નાયક નાઇટ ડ્રેસમાં જ પહોંચી ગયા. હોસ્પિટલમાં પાંચ મેડિકલ ઓફિસર્સ અને પંદરેક નર્સ યુદ્ધના ધોરણે હાજર થઈ ગઈ હતી. ડૉ. નાયક વગર એ બધાં હુકમના એક્કા વગરનાં પાનાં જેવા હતા. હુકમનો એક્કો આવી ગયો, બધાં દોડતાં થઈ ગયાં.
મેડિકલ ઓફિસરોએ મામૂલી ઇજા પામેલા દર્દીઓની પાટાપિંડી, ટીટેનસનાં ઇન્જેક્શનો અને એન્ટીબાયોટિક્સ આપવાની જવાબદારી ઊપાડી લીધી. જેમનાં શરીર પર ઊંડા ઘા પડ્યા હતા એમને એક પછી એક ઓપરેશન ટેબલ પર લઈને ટાંકા મારવાનું કામ ડૉ. નાયકે શરૂ કરી દીધું. બે દર્દીઓને હેડ ઇન્જરી થઈ હતી, તેમને સેટલ કરીને હોસ્પિટલની વેનમાં અમદાવાદ શિફ્ટ કરી દીધા.
સવારે છ વાગ્યે ડૉ. નાયક પરવાર્યા. દૂધવાળો દૂધ લઈને આવે તો ચા ભેગા થવાય, દૂધવાળાની પહેલાં ટ્રસ્ટના પ્રમુખ શેઠ ધનસુખલાલ પધાર્યા, તમામ સ્ટાફ મેમ્બર્સ માટે ચા અને નાસ્તાનો જથ્થો લઈને પધાર્યા હતા. ડૉ. નાયક એમને ઓફિસમાં લઈ ગયા, ‘શેઠજી, ગઈ કાલે મેં તમને રાજીનામાનો કાગળ આપ્યો હતો એ જો સાથે લાવ્યા હો તો મને આપો. મારે એમાં તારીખ સુધારવી પડશે, ગઈ કાલને બદલે આજની તારીખ નાખવી પડશે.’
શેઠજીએ બંડીના ખિસ્સામાં હાથ નાખ્યો, બહાર કાઢ્યો ત્યારે હથેળીમાં કાગળના ઝીણા-ઝીણા ટુકડા જોવા મળ્યા, ‘ડોક્ટર, તમારું રાજીનામું તો શરતચૂકથી ફાટી ગયું છે, હું બીજો કાગળ લઈને આવ્યો છું. લખાણ તૈયાર છે. તમારે માત્ર સહી જ કરી આપવાની છે.’
ડૉ. નાયકે કાગળનું લખાણ વાંચ્યું. ઔપચારિક લખાણ હતું. ડૉ. નાયકે ટ્રસ્ટીમંડળ પાસે પગારવધારા માટે વિનંતી કરી હતી. રકમની જગ્યા ખાલી રાખી હતી. શેઠજીએ કહ્યું, ‘ડોક્ટર, સર્જન તો બીજા મળી જશે પણ તમારા જેવા નહીં મળે. કેટલી રકમ ભરવી છે? ભરી દો, અમને મંજૂર છે.’
- શીર્ષકપંક્તિ : અંકિત ત્રિવેદી
Read Original Article →