આજ-કાલ:મરીનેય માનવ હક માટે લડતાં ડોરોથી પાર્કર
પ શ્ચિમી દેશોની એક વાતમાં ઈર્ષા થાય. ત્યાં પ્રમુખથી લઈને ભલભલા ચમરબંધને રોકડી પરખાવી દેવાય, કોઈની સાડીબારી રાખ્યા વગર. અને આપણા દેશમાં? કાં તો સત્તાધારીઓની ભાટાઈ કરો, કાં પછી મોંઢામાં મગ ભરી લો કે દહીં જમાવી લો. મુઠ્ઠી મગ કે મેળવણની જફામાં ન પડનારા શું કરે? આંખ, કાન ને મોંઢુ બંધ કરીને શાહમૃગ બની જવાનું. આમાં મોટાભાગના બૌદ્ધિકો, સાહિત્યકારો, ફિલ્મ સ્ટાર્સ, નાટ્યકારો, કથાકારો, પત્રકારો અને ક્રિકેટર્સ સહિતના સૌ આવી જાય. બિલોરી કાચ લઈને અપવાદ શોધીએ તો એક હાથની આંગળીના વેઢા પણ માંડ ગણાય.
આજે આખી દુનિયા ડોનાલ્ડ ટ્રમ્પની અનિચ્છનીય દબંગાઈથી ત્રસ્ત છે. અમુક દેશો બોલે છે, તો વ્યૂહાત્મક ને રાજદ્વારી વ્યૂહને નામે મોંમાં મગ અને મેળવણ ઠુંસનારા ય છે. અમેરિકાની સંસદથી લઈને રસ્તાઓ પર ટ્રમ્પગીરીનો બુલંદ વિરોધ થઈ રહ્યો છે. આ જોઈને એક નામ યાદ આવે છે: ડોરોથી પાર્કર.
ડોરોથી પાર્કર જાણીતાં અમેરિકન કવિયત્રી અને લેખિકા હતાં. એમની સંવેદના માત્ર શબ્દો કે સાહિત્ય પૂરતી સીમિત નહોતી. આ સર્જક ફક્ત નામના, એવોર્ડ્સ કે રોયલ્ટીના તોતિંગ ચેક માટે જીવતા નહોતા.
અનુકંપા અને માનવતા જાણે તેમને ગળથૂથીમાં મળ્યાં હતાં. માત્ર આઠ વર્ષનાં ડોરોથી એકવાર બરફીલા તોફાન વખતે બારી બહાર જોતાં હતાં. દૂર મજૂરો જોરદાર બરફમાં ખોદકામ કરતા હતા. ઠંડીથી તેમના હાથની ચામડીનો રંગ બદલાઈ ગયો હતો. પગમાં જૂતાને બદલે બોરીનું કંતાન લપેટેલું હતું. ડોરોથીએ પાછળથી અતિ ધનિક કાકીનો અવાજ સાંભળ્યો: “આ બધાને કામ મળ્યું એ કેટલું સરસ કહેવાય!’ આ સાંભળી ડોરોથી અવાચક બની ગયાં. એ ઘટના ક્યારેય તેમનાં દિલ-મગજમાંથી દૂર ન થઈ. તેમણે મનોમન નિસાસો નાખ્યો કે અમુક માણસોને દુઃખ સહન કરવા માટે મજબૂર કરાય છે, જેથી અન્ય થોડાં લોકો તેમની દયા ખાઈ શકે અને પોતાને ભલા-સારા માની શકે.
બહુ નાની ઉંમરે લાધેલું આ સત્ય કાયમ સાથે રહ્યું. ત્રીસ વર્ષની ઉંમરે તો ડોરોથી પાર્કર અમેરિકાનાં સૌથી પ્રસિદ્ધ લેખિકામાંનાં એક બની ગયાં. સૌથી તીક્ષ્ણ બુદ્ધિ અને ખૂબ વેચાતાં કવિયત્રી, જેમને બે એકેડેમી એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું અને હોલિવૂડ પણ તેમને સારું માન અને પેમેન્ટ આપતું હતું. આ સફળતા અને સલામતીના એકદંડીયા મહેલમાં ભલભલાને આજીવન પુરાઈ રહેવું ગમે, પણ આ યુવતી એકદમ અલગ હતી. તેઓ સફળતાની ચકાચૌંધને શરણે થવાને બદલે શહેરી જીવનની નબળાઈ, લુચ્ચાઈ અને વિચિત્રતાનું સતત નિરીક્ષણ કરતાં અને તેને વાચા આપતાં રહ્યાં.
1936માં તેમના વિચારોએ એવું નક્કર સ્વરૂપ ધારણ કર્યું કે તે વિશ્વમાં ઉદાહરણરૂપ બની ગયાં. તેમણે જર્મનીમાંથી જીવ બચાવીને ભાગી આવેલા શરણાર્થીઓની વાતો ધ્યાનપૂર્વક સાંભળી. એમાં નાઝીઓ દ્વારા કરાતી બેફામ ધરપકડો, ગાયબ કરાતી વ્યક્તિઓ અને આયોજનબદ્ધ હિંસા જેવા અત્યાચારોની વેદના હતી. એક શરણાર્થીએ ચેતવણી ઉચ્ચારી કે, “આ તો માત્ર શરૂઆત છે, અસલી યુદ્ધ તો હવે થશે.’
ડોરોથી પાર્કર સ્કોચના પેગમાં આઈસ ક્યૂબ નાખીને આ વાતો વિસરી જનારા સેલિબ્રિટી જેવાં નહોતાં. તેમણે પાર્ટીબાજી બંધ કરી દીધી અને ‘હોલિવૂડ એન્ટી-નાઝી લીગ’ની સ્થાપનામાં આગેવાની લીધી. આમાં અભિનેતાઓ, નિર્દેશકો અને લેખકો સહિત અનેકને એક કર્યાં. તેમણે માત્ર મીડિયા પબ્લિસિટીથી સંતોષ ન માન્યો; તેઓ અમેરિકન સરકાર અને પ્રજાને સમયસર ચેતવવા માગતાં હતાં. પરંતુ ત્યારે હોલિવૂડને બહેરાશ આવી ગઈ હતી. સ્ટુડિયો માલિકો તેમને અવગણવા માંડ્યાં. જ્યારે ડોરોથી નાઝી હિંસા વિશે જાહેરમાં ચિંતા વ્યક્ત કરતાં, ત્યારે કોઈ તેમને પાગલ કહેતું તો કોઈ નશામાં હોવાની મજાક ઉડાવતું.
પરંતુ આ મક્કમ નારી અડગ રહી. 1937માં તેઓ સ્પેન ગયાં. ત્યાંની લોકશાહી સરકારને હિટલર અને મુસોલિનીના સમર્થનથી ફાસીવાદી શક્તિઓ ખતમ કરી રહી હતી અને દુનિયા ચૂપચાપ તમાશો જોતી હતી. ડોરોથીએ બોમ્બ વિસ્ફોટનો શિકાર બનેલાં શહેરોમાં ફરીને, શરણાર્થી છાવણીમાં પીડિતોને મળી બેબાક રિપોર્ટિંગ કર્યું. તેમણે મેડ્રિડ રેડિયો પરથી જગતને બતાવ્યું કે ત્યાં કેવો વિનાશ થઈ રહ્યો છે.
ડોરોથી પાર્કર અમેરિકા પાછાં આવ્યાં ત્યારે સરકારે તેમને સન્માનવાને બદલે FBIને તેમની પાછળ લગાવી દીધી. અમેરિકન ગુપ્તચર સંસ્થા તેમના પર ફાઈલો બનાવવા માંડી. તેમનાં ભાષણો, ડોનેશન અને મીટિંગ્સ પર ચાંપતી નજર રખાવા માંડી. સરકારની બેવકૂફી જુઓ કે જે ફાસીવાદ વિરુદ્ધ ચેતવતી હતી, તે મહિલા પર જ જાસૂસી કરાતી હતી.
7 ડિસેમ્બર, 1941ના રોજ પર્લ હાર્બર પર હુમલો થયો અને અમેરિકાએ યુદ્ધમાં જોડાવું પડ્યું, જે આગાહી ડોરોથીએ પાંચ વર્ષ પહેલાં કરી હતી. ડોરોથીએ યુદ્ધના રિપોર્ટિંગ માટે પાસપોર્ટની અરજી કરી, પણ સરકારે તે નકારી કાઢી. 1950માં તેમને ‘બ્લેકલિસ્ટ’માં મૂકી દેવાયાં. તેમના પર સામ્યવાદી હોવાનો ખોટો આરોપ મુકાયો. કોઈ પુરાવા કે સુનાવણી વગર, આલ્ફ્રેડ હિચકોક જેવા માંધાતાઓ સાથે કામ કરનારાં આ લેખિકાને કામ મળતું બંધ થઈ ગયું.
ડોરોથી પાર્કરને સાચા હોવાની અને માનવતા માટે ઝઝૂમવાની સજા મળી. જીવનનાં છેલ્લાં 17 વર્ષ તેમણે ન્યૂયોર્કની એક હોટલના રૂમમાં એકલતામાં વિતાવ્યાં. 7 જૂન, 1967ના રોજ 73 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમણે પોતાની વસિયતમાં બધું જ માનવ અધિકારના લડવૈયા ડો. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને નામે કરી દીધું. આજે પણ તેમનાં પુસ્તકોની રોયલ્ટીની આવક નાગરિક અધિકારોની લડતમાં જાય છે. આમ, મૃત્યુ પછી પણ તેઓ માનવતા અને ન્યાય માટે લડી રહ્યાં છે. ઓનલાઇન-ઓફલાઇન
સાચું સુખ રાજકીય જીવનમાં ભાગ લેવાથી અને સદાચારપૂર્વક વર્તવાથી
મળે છે. - એરિસ્ટોટલ (મહાન તત્ત્વજ્ઞાની)
Read Original Article →