ડૉક્ટરની ડાયરી:ઝુલાવે છે, ઉછાળે છે અચાનકથી પછાડે છે,બધાને ગોદમાં લઈને સમય આમ જ રમાડે છે
ગધેડા! તું ડફોળ છો કે ડૉક્ટર? તને ડિગ્રી કોણે આપી? તું દર્દીને સાજા કરવા આવ્યો છે કે મારવા?’ આજથી બરાબર 38 વર્ષ પહેલાંની આ સત્ય ઘટના. ઉપર લખેલો સંવાદ પણ સાવ સાચો. અલબત્ત, એમાં લખાયેલા ‘ગધેડા’ કે ‘ડફોળ’ જેવી ગાળો ખોટી, તેના સ્થાને ન લખી શકાય તેવી અસભ્ય ગાળો મૂકીને વાંચો તો સંવાદ સંપૂર્ણપણે સાચો બને.
દુઃખની વાત એ કે આ ગાળો જેને ઉદ્દેશીને દેવાઈ રહી હતી તે ડૉક્ટર હતા અને જે બોલી રહ્યા હતા તે પણ ડૉક્ટર હતા. અલબત્ત, એ બંનેની ડિગ્રીઓ, આવડત અને સંસ્કારો વચ્ચે જમીન-આસમાનનું અંતર હતું.
1999નું વર્ષ હતું. બારેક હજારની વસ્તીવાળું ટાઉન. તાલુકાનું સેન્ટર. મેડિકલ સુવિધાના નામે શૂન્ય. એ ટાઉન અને આજુબાજુનાં 70-80 ગામોની મહિલાઓની સુવાવડો દાયણો જ કરાવતી હતી. પ્રસૂતિ સમયે નવજાત શિશુઓનો મૃત્યુ દર પચાસ ટકાથી ઉપર રહેતો, પ્રસૂતાનો મૃત્યુ દર લગભગ વીસેક ટકા.
આવી સ્થિતિ પ્રવર્તમાન હતી ત્યારે એ ટાઉનમાં એક ક્વોલિફાઇડ ગાયનેકોલોજીસ્ટનું આગમન થયું. અમદાવાદની સુખ્યાત ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી ત્રણ વર્ષની તાલીમ મેળવીને, એમ.ડી. (ગાયનેક)ની ડિગ્રી મેળવીને, સ્વતંત્રપણે મેજર ઓપરેશનોનો અનુભવ મેળવીને પહેલી વાર કોઈ ડૉક્ટરે આ નાનકડા ટાઉનમાં પોતાનું ખાનગી નર્સિંગ હોમ શરૂ કર્યું.
પ્રથમ દિવસથી જ પ્રેક્ટિસ જામી ગઈ. હોસ્પિટલના ઉદ્ઘાટનના પ્રસંગમાં પધારેલા આમંત્રિતોમાંથી જ સાત જેટલા દર્દીઓ ઓપરેશનના નીકળ્યા. પછીના બે દિવસમાં ડૉ. શાહે સાતેયનાં ઓપરેશન્સ કરી આપ્યાં.
એક વર્ષમાં તો ડૉ. શાહની શાખ જામી ગઈ. આખા પંથકની બહેનોમાં એમનું નામ મોટા આશીર્વાદ સ્વરૂપે વરસી રહ્યું. દર મહિને 150-200 સ્ત્રીઓની પ્રસૂતિ (નોર્મલ વત્તા સીઝેરિયન દ્વારા) ડૉ. શાહ દ્વારા પાર પડતી હતી, એક પણ પ્રસૂતા કે એક પણ નવજાત શિશુનું મૃત્યુ નોંધાયું ન હતું.
એ ટાઉનના અને આજુબાજુનાં ગામોનાં તમામ ડૉક્ટરો એમની પત્નીઓ કે દીકરીઓની સારવાર, પ્રસૂતિ અને ઓપરેશન ડૉ. શાહના નર્સિંગ હોમમાં જ કરાવતા થઈ ગયા હતા. ડૉ. જોબન બાજુના ગામડામાં જનરલ પ્રેક્ટિસ કરતો એક ‘ક્વેક’ હતો. ડિગ્રી નામનો શબ્દ એના શબ્દકોષમાં જ ન હતો. અંગ્રેજી ભાષાના કક્કામાંથી ચાર અક્ષરો પસંદ કરીને એણે પોતાના નામની પાછળ લગાડી દીધા હતા. માણસ માથાભારે. આવા લોકોનું મિત્રવર્તુળ પણ અસામાજિક તત્ત્વોનું બનેલું હોય છે.
એક દિવસ જોબન એના નાના ભાઈ અને ભાઈની પત્નીને લઈને ડૉ. શાહના નર્સિંગ હોમમાં આવ્યો, ‘ડૉક્ટર, આ મારો ભાઈ જયેશ છે, આ એની પત્ની ભારતી છે. ભારતી પ્રેગ્નન્ટ છે. ચાર મહિના પૂરા થયા છે. તમે એ કહી આપો કે એનો ગર્ભ દીકરો છે કે દીકરી?’
એ જમાનો સોનોગ્રાફીની સુવિધાનો ન હતો. ટી.વી.માં જોઈને ભૃણની જાતિ જાણવાનું શક્ય ન હતું. કોરિયોન બાયોપ્સી પણ શક્ય ન હતી. ભૃણનું જાતિ-પરીક્ષણ પ્રતિબંધિત થવાને હજુ બાર-પંદર વર્ષની વાર હતી. તો પણ ડૉ. શાહે ના જાહેર કરી દીધી, ‘ડૉ. જોબનભાઈ, હું આ કામ કરતો નથી.’
ડૉ. જોબને જીદ કરીને, દબાણ કરીને, સંબંધ ખરાબ કરી નાખવાની ધમકી આપીને ડૉ. શાહને આ કામ કરવા માટે મનાવી લીધા. ડૉ. શાહે કહ્યું, ‘એક જ રસ્તો છે. પેટ પરથી લાંબી, પાતળી પોલી સોય દાખલ કરીને ગર્ભાશયમાં ગર્ભની આસપાસ રહેલા પાણીમાંથી થોડુંક પાણી ખેંચી લઈને તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે તો હોશિયાર પેથોલોજીસ્ટ એનો અભ્યાસ કરીને ગર્ભસ્થ જીવ બાબો છે કે બેબી તે કહી આપી શકે.’ (આ પદ્ધતિને ‘એમ્નિયોસેન્ટેસિસ’ કહેવાય છે.)
મને-કમને ડૉ. શાહે ભારતીનો આ ટેસ્ટ કરી આપ્યો. ત્રણ દિવસમાં અમદાવાદથી રિપોર્ટ આવ્યો, ‘બાળકની જાતિ પુરુષ છે. અર્થાત્ આવનારું બાળક દીકરો હશે.’
એક ભલા, પવિત્ર ડૉક્ટરના હાથે તેની મરજી વિરુદ્ધ કરાવવામાં આવેલા આ કૃત્યથી કદાચ ઈશ્વર ખુશ નહીં હોય, ત્રણ દિવસ પછી અચાનક ભારતીને ગર્ભાશયનો દુખાવો ઊપડ્યો, બ્લીડિંગ શરૂ થઈ ગયું, ડૉ. જોબન તેને લઈને ડૉ. શાહના નર્સિંગ હોમમાં પહોંચે તે પહેલાં જ ભારતીને ગર્ભપાત થઈ ગયો. આ પ્રકારના ટેસ્ટમાં ગર્ભપાત થવાની શક્યતા રહેતી જ હોય છે.
બાબાનો રિપોર્ટ આવ્યો અને ગર્ભ પડી ગયો આ વાતનો આઘાત જોબન પચાવી ન શક્યો. ચાર ગુંડાઓને સાથે લઈને એ જાણે આક્રમણ કરતો હોય તેવી રીતે ડૉ. શાહની હૉસ્પિટલ પર ધસી ગયો. બેફામ રીતે ગંદી ગાળો બોલીને એણે દર્દીઓની હાજરીમાં ડૉ. શાહને ખૂબ ખરાબ રીતે અપમાનિત કર્યા, પોલીસ કેસ કરવાની ધમકી આપી, નર્સિંગ હોમને તાળાં લગાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારી.
ડૉ. શાહ ડરી ગયા. સમાજના બે-ચાર મોભાધાર વ્યક્તિઓને વચ્ચે રાખીને, ડૉ. જોબનને ત્રણ લાખ રૂપિયાનું વળતર ચૂકવીને તેમણે મામલો શાંત પાડ્યો. એ પછી એમનું મન એ પરથી ઊઠી ગયું. નર્સિંગ હોમ વેચીને દૂરના બીજા શહેરમાં તેઓ શિફ્ટ થઈ ગયા. એક વાર અમદાવાદમાં ગાયનેક કોન્ફરન્સમાં ડૉ. શાહ મને મળી ગયા હતા ત્યારે આ ઘટનાને યાદ કરીને તેમણે કહ્યું હતું, ‘એ બદમાશ જોબને મારા જેવા નિર્દોષ માણસને હેરાન કર્યો છે, ભગવાન એને માફ નહીં કરે.’
સમયનું ચક્ર ફરતું રહે છે, ઘડિયાળના કાંટા ચાલતા રહે છે, કૅલેન્ડરનાં પાનાં ફરતાં રહે છે. ઉપરની ઘટનાને અત્યારે સાડત્રીસ વર્ષ થઈ ગયાં છે. ડૉ. જોબન 75 વર્ષના થયા છે, એમનો દીકરો ડૉ. ઈશાન ક્વોલિફાઇડ ગાયનેકોલોજીસ્ટ બની ગયો છે, એ જ ટાઉનમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે.
તાજેતરની ઘટના. દસેક કિલોમીટર દૂર આવેલા ગામડાંમાંથી પૂંજી નામની પંચાવન વર્ષની મહિલા ગર્ભાશય કઢાવવાનું ઓપરેશન કરાવવા માટે ડૉ. ઈશાન પાસે આવી. બીજા દિવસે ઓપરેશન થયું. ઓપરેશન દરમ્યાન ડૉ. ઈશાનનું નાઇફ લોહીની મોટી નસ પર ફરી ગયું. લોહીનો ફુવારો છૂટ્યો. ડૉ. ઈશાને એ નસને બંધ કરવાની લાખ કોશિશો કરી પણ એમાં સફળતા ન મળી. પૂંજી ઓપરેશન ટેબલ ઉપર જ મૃત્યુ પામી. સમાચાર મળતાં જ ગામડેથી સો જણાનું ધાડું ધસી આવ્યું. સાડત્રીસ વર્ષ પૂર્વે જોબને ડૉ. શાહને જે ગાળો દીધી હતી એના ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ડૉ. ઈશાનને ગાળોના દરિયામાં ડુબાડી દીધો. પછી એને ઠમઠોર્યો. 75 વર્ષનો જોબન વચ્ચે પડ્યો તો એને પણ મેથીપાક જમાડ્યો.
આવા કિસ્સાઓમાં આખરી પતાવટ પૈસાથી જ થતી હોય છે. પૂંજીના મોતની પતાવટ અંતે ચાળીસ લાખ રૂપિયાનું વળતર ચૂકવીને કરવામાં આવી. એ શહેરમાં અને આસપાસના પંથકમાં ડૉ. ઈશાનની ભારે બદનામી થઈ ચૂકી, પરિણામે મેડિકલ પ્રેક્ટિસ પણ પડી ભાંગી. અત્યારે એ ટાઉનમાં બીજા ત્રણ-ચાર ગાયનેક ડૉક્ટરો પણ ઉપલબ્ધ છે. પોતાનું વતન હોવાથી ડૉ. ઈશાન એને છોડીને બીજે જાય પણ ક્યાં?
કોઈ સાંગોપાંગ પવિત્ર મનુષ્યને જ્યારે હેરાન કરવામાં આવે છે ત્યારે તેના ઘવાયેલા હૃદયમાંથી જે ચીસ ઊઠે છે તે પોતાની અસર દેખાડ્યા વગર રહેતી નથી.
- શીર્ષકપંક્તિ : મનોજ જોશી ‘મન’
Read Original Article →