ડૉક્ટરની ડાયરી:હોય સવારે એવો સાંજે, એ માણસને શોધી કાઢો, બોલે જે બસ એક અવાજે, એ માણસને શોધી કાઢો

Magazine5/13/2026, 12:35:00 AM
ડૉક્ટરની ડાયરી:હોય સવારે એવો સાંજે, એ માણસને શોધી કાઢો, બોલે જે બસ એક અવાજે, એ માણસને શોધી કાઢો
વા ઘપુર ગામ. સરપંચનું નામ ગુમાનસિંહ. જાજરમાન વ્યક્તિત્વના ધણી. પરિવારમાં પત્ની, એકનો એક દીકરો ખુમાણ. અને પરિવારના સભ્યો જેટલાં જ વહાલાં વટ, વચન, ખોરડાની ખાનદાની, પ્રતિજ્ઞાનું ગૌરવ અને કાયમ સાચના માર્ગ પર ચાલવાની ટેક. દીકરો ખુમાણ વીસ વર્ષનો થયો ત્યારથી જ નાતીલાઓએ ધડાપીટ બોલાવવી શરૂ કરી દીધી, ‘સરપંચ, મારી દીકરી તમારા દીકરા જોડે શોભી ઊઠે એવી છે. અમે તો પાંચ વરસથી તમારી આગળ માગું નાંખવાની વાટ જોઈને બેઠાં છીએ. અમને નિરાશ ન કરશો.’ બીજો બાપ કહી ગયો, ‘બાપુ, મારા ને મારી ઘરવાળીનાં મનમાં કંઈ ન હતું, પણ દીકરી જ જીદ પકડીને બેઠી છે કે જો પરણું તો સરપંચના દીકરા વેરે! મા પાર્વતીએ મહાદેવને પામવા માટે જેવું કઠોર તપ કર્યું હતું એવું જ મારી દીકરી…’ ‘ગુમાનબાપુ, મેં તમારા ઘરમાં મારી દીકરી આપી દીધી. સાથે ચારસો વીઘા જમીન અને સૂંડલો ભરીને સોનાનાં ઘરેણાં. તમે જાણો છો કે મારે સંતાનમાં દીકરો નથી, એક દીકરી જ છે. મારે તો દીકરી આપીને દીકરો લેવો છે. જો જો ના ન પાડતા!’ પચાસ ગાઉના પલ્લે આવેલા સુખી ગામના જમીનદાર ઠાકોરે કન્યા આપવાની સાથે સાથે જિંદગીની લાઈફ ટાઈમ લાલચ પણ આપી દીધી. સરપંચ રાજી થયા. રાત્રે ઓરડે ગયા પછી ઠકરાણાંને કહ્યું પણ ખરું, ‘જુઓ છો ને મારી આબરૂનો પ્રતાપ! દીકરો હજી ઉંમરમાં આવ્યો નથી ત્યાં તો આપણાં આંગણામાં દીકરીઓના બાપાઓની ઘોડીયું હણહણવા માંડી છે! મારી આવી જ ધારણા હતી.’ ‘તો હવે રાહ કોની જુઓ છો? સારામાં સારી કન્યાનું માગું વધાવી લ્યો.’ ખુમાણની માએ ઉતાવળ દર્શાવી. ‘અરે પણ આપણા ખુમાણને એકવીસનો તો થાવા દ્યો. તમારે મને જેલમાં તો નથી મોકલી દેવો ને! સરપંચ થઈને જો હું જ કાયદો ન પાળું તો…’ એ રાત, એ પછીની અનેક રાતો સરપંચ અને એમની પત્નીએ દીકરાને પરણાવવાના, સુંદર વહુને આવકારવાના અને ઘરના ઓરડે-ઓરડે ઝાંઝરનો છમકાર સાંભળવાનાં સપનાંઓ જોવામાં વિતાવી દીધી. ખુમાણે એકવીસ વર્ષ પૂરાં કર્યાં. છેલ્લા એક વર્ષમાં એના માટે આવેલા માગાંઓની સંખ્યા સદી વટાવી ચૂકી હતી. ગુમાનસિંહ બાપુ એક પછી એક કન્યા અને એનું ખોરડું જોવા માટે યોજના તૈયાર કરી રહ્યા હતા ત્યાં જ એમના કાનમાં ક્યાંકથી માહિતી પડી, ‘બાપુ, મોટા રામપરમાં વાઘજી દરબારના ઘરમાં એક મોંઘેરું રતન પાક્યું છે જે અત્યારે અઢારનું થયું છે. મારું કહેલું માનો અને બીજે ક્યાંય નાહકના ફેરા ખાવાનું રહેવા દો. આવતી કાલે સીધા પહોંચી જાવ વાઘજી બાપુના ઘરે અને…’ આ વાત સાંભળી રહેલાં ઠકરાણાં રસોડામાંથી ટહુક્યાં, ‘અમે દીકરાવાળા છીએ. અમે સામે ચાલીને છોકરીના બાપના ઘરે શું કામ જઈએ? તમે જઈને વાઘજી બાપુને કહો કે તેઓ અમારા ઘરે આવીને.…’ હોકો ગગડ્યો, ખાટલો ખખડ્યો. ગુમાનસિંહ બાપુએ ખોંખારો ખાધો, ‘તમે ન બોલશો, ખુમાણની મા. આપણા દીકરાને માટે હું જાતે મોટા રામપુર ગામે જઈશ. કાલે જ જઈશ. જો સાંભળ્યાં પ્રમાણે કન્યા હશે તો ગમે તેમ કરીને વાઘજીને મનાવી લઈશ. મારા ખુમાણના ભવિષ્યનો પ્રશ્ન હોય તો હું દીકરાનો બાપ છું એ વાત ભૂલી જવા તૈયાર છું.’ ગુમાનસિંહ ખરેખર બીજે દિવસે પોતાની રફ એન્ડ ટફ મોંઘી જીપમાં સવાર થઈને મોટા રામપર જઈ પહોંચ્યા. વાઘજીનું ખોરડું જોયું. ખાનદાની જોઈ. કન્યાનો આદર સત્કાર જોયો. ગામમાં વાઘજીનો માન-મરતબો જોયો. પછી પૂછ્યું, ‘દીકરીબાનું નામ?’ ‘રત્ના.’ વાઘજીએ જવાબ આપ્યો. ‘આજથી તમારા ઘરનું અજવાળું અમારું બન્યું. સગાઈની વિધિની જરૂર નથી. સારું મુહૂર્ત કઢાવીને ખાંડુ લઈને આવી જઈશું. તમારી ઈચ્છા અમારા કુંવરને જોવાની હોય તો અમારી ના નથી પણ આપણો સંબંધ હવે પાક્કો થયો સમજવો.’ ગુમાનસિંહ સરપંચ રતન જેવી રત્નાને આશીર્વાદ આપીને રવાના થયા. સમય ક્યાં સસલું છે? વિચારોની ગતિએ દિવસો પસાર થવા માંડ્યા. રત્ના કુંવરી ખુમાણસિંહનાં ધર્મપત્ની થઈને સરપંચનું મોભાદાર ખોરડું શોભાવવા આવી ગયાં. આખા પંથકમાં લોકો ‘વાહ-વાહ!’ પોકારી ઊઠ્યાં. જાણે એક-મેક માટે જ સર્જાયાં હોય તેવાં હતાં એ બંને. લગ્નનું એક વર્ષ પૂરું થયું. બેઠકખંડમાં બેઠાં-બેઠાં સરપંચ પોતાના કાન રસોડાની દિશામાં નોંધી રાખતા, એ જાણવા કે સવારે-સવારે વહુની ઊલટી કે ઊબકાનો અવાજ સંભળાય છે ખરો! ન સંભળાયો. બીજું વર્ષ પૂરું થયું. હવે સરપંચે ઠકરાણાંને કહ્યું, ‘વહુને સમજાવો કે હવે મોડું ના કરાય. અમે જીવીએ છીએ જ એ માટે કે ઘરમાં કોઈની કિલકારીનો અવાજ ગુંજે.’ પત્નીએ જવાબ આપ્યો, ‘મેં ક્યારનુંયે કહી દીધું પણ વહુ બાપડાં શું કરે? બધું માણસના હાથમાં થોડું હોય છે? મા ભવાનીની કૃપાયે હોવી જોઈએ ને!’ ‘તંયે એમ ક્યો ને? મા ભવાની કદાચ ડૉક્ટરના રૂપમાં કૃપા કરવાના હશે. ખુમાણને કહો કે કોઈ સારા ડૉક્ટર પાસે જઈને….’ સરપંચ આ જાણીને સહેજ દુઃખી તો થયા, પણ હતાશ ન થયા. એમને મેડિકલ સાયન્સ પર પૂર્ણ શ્રદ્ધા હતી. એક, બે નહીં પણ અડધો ડઝન જેટલા ગાયનેક ડૉક્ટર્સ અજમાવી લીધા. રિઝલ્ટ ન મળ્યું. લગ્નજીવનનાં પંદર વર્ષ પૂરાં થઈ ગયાં. સરપંચ સાંઈઠના અને એમનાં પત્ની પંચાવનના થયાં. પૌત્ર કે પૌત્રીનું મોં જોવાનાં ઓરતાં ઊજડવા લાગ્યાં. સપનાનું રેશમ બળવા લાગ્યું. ધીરજનો ખજાનો ખાલી થઈ ગયો. પડોશીઓ અને સગાંવહાલાંઓએ દબાયેલા સ્વરમાં વાત મૂકવાનું શરૂ કર્યું, ‘બાપુ, ખુમાણસિંહને બીજી વાર પરણાવો. જમીન અને કારોબારનો આટલો મોટો પથારો કરીને બેઠા છો તો ભોગવનારું તો જોઈશે ને? આપણી આસપાસમાં આવું કરવું એની કંઈ નવાઈ નથી. રત્નાવહુને આખી જિંદગી બેઠાં બેઠાં પસાર થઈ જાય એટલા રૂપિયા આપીને છૂટું કરી નાખો.’ વાત રત્નાના કાન સુધી પહોંચી ગઈ. ખાનદાન પિતાની ખાનદાન દીકરીએ સામેથી કહ્યું, ‘મને વાંધો નથી. જો મારા કારણે તમારો વંશ અટકતો હોય તો હું કોરા કાગળ ઉપર સહી કરી આપીશ. મને મારા પિયરમાં મૂકી આવો.’ ખુમાણ પણ રડી પડ્યો, એનાં મા પણ ભાંગી પડ્યાં. આવી સર્વગુણસંપન્ન વહુને માત્ર એક જ કારણથી પિયરમાં મૂકી આવવી એ કોઈને રુચતું ન હતું. પણ વારસદાર મેળવવા માટે બીજો કોઈ રસ્તો પણ દેખાતો ન હતો. છેવટે આ જવાબદારી ગુમાનસિંહ બાપુને સોંપવામાં આવી. બાપુએ કહ્યું, ‘મને ચોવીસ કલાકનો સમય આપો.’ એ આખી રાત બાપુએ ઊંઘવાને બદલે વિચારવામાં વિતાવી દીધી. સવારે દાતણ કરીને બાપુ ઢોલિયામાં બેઠા હતા, પુત્રવધૂ રત્નાબા ચા લઈને આવ્યાં. બાપુએ ચાનો ઘૂંટડો ભર્યો. મૂછના થોભિયા ગરમ ચામાં ડૂબી ગયા. મૂછ ઉપર હાથ ફેરવીને બાપુએ વહુની સામે જોયું. પછી નિર્ણાયક અવાજમાં બાપુ બોલ્યા, ‘વહુ બેટા, તમારી કપડાંની બેગ ઘરમાં પાછી મૂકી દો. હું જ મારા દીકરા માટે તમારો હાથ માગવા તમારા ઘરે આવ્યો હતો, હવે હું જ તમને પાછો મૂકવા નહીં આવી શકું. લોકો મને યાદ રાખશે મારાં કર્મોથી, નહીં કે મારા વંશવારસથી. સંતાન થવાનું હશે તો થઈને રહેશે. એના માટે મારા ઘરની ભવાનીને હું દુઃખી નહીં કરું. હવે પછી જો કોઈએ આ વાત કરી તો એને મા ભવાનીના સમ છે.’ ઘૂમટો તાણેલું મસ્તક સહેજ કંપ્યું, થનગનતા પગ ઊઠ્યા, હરખની કૂખમાંથી જન્મેલું ડૂસકું ફૂટ્યું અને રત્નાબા પાછાં પોતાના ઘરમાં સચવાઈ ગયાં, સમાઈ ગયાં. મુદ્દાની વાત હવે આવે છે. માનવું હોય તો માનજો, ન માનો તો તમારી સમજણ તમને મુબારક. રત્નાબાએ ખુમાણસિંહના ખાનદાનને એ જ વરસે કુળદીપકની ભેટ આપી. એ ભેટ પણ આજે ત્રીસ વર્ષની થવા આવી છે.
Read Original Article →