સાયબર સિક્યુરિટી:ડિજિટલ ઠગાઈ : ટાસ્ક સ્કેમ અને સ્પેમ કૉલ્સ

Magazine5/13/2026, 12:35:00 PM
સાયબર સિક્યુરિટી:ડિજિટલ ઠગાઈ : ટાસ્ક સ્કેમ અને સ્પેમ કૉલ્સ
કેવલ ઉમરેટિયા તાજેતરની ઘટનાઓ અને કેટલાક રિપોર્ટ દ્વારા સ્પષ્ટ થયું છે કે ભારતમાં સાયબર ક્રાઈમ હવે માત્ર વ્યક્તિગત છેતરપિંડી પૂરતું મર્યાદિત નથી રહ્યું. સાયબર ક્રાઇમે હવે એક સંગઠિત ઇન્ડસ્ટ્રીઝનું રૂપ ધારણ કરી લીધું છે. આ વાતની સાક્ષી પૂરતી બે ઘટનાઓ વિશે વાત કરવી છે. વોટ્સએપ ‘ટાસ્ક’ સ્કેમ ઇન્ટરનેટ પર ‘ઘરે બેઠાં પૈસા કમાઓ’ની જાહેરાતો આપણે બધાંએ જોઈ જ હશે. પરંતુ તાજેતરમાં ઉત્તરાખંડ પોલીસ દ્વારા દિલ્હીમાં કરવામાં આવેલી ધરપકડથી આ સ્કેમની એક ડરામણી હકીકત સામે આવી છે. તાજેતરમાં જ ઉત્તરાખંડ પોલીસે દિલ્હીના ભેજાબાજ ગઠિયાઓના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જેઓ મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા સગેવગે કરી રહ્યા હતા. આ કૌભાંડ કેવી રીતે કામ કરે છે? આ સ્કેમની શરૂઆત એક સામાન્ય વોટ્સએપ મેસેજથી થાય છે. તમને કોઈ જાણીતી કંપનીના એચઆર (HR) બનીને મેસેજ કરવામાં આવે છે અને નાનાં-નાનાં કામ (ટાસ્ક) આપવામાં આવે છે. જેમ કે યુટ્યુબ વીડિયો લાઈક કરવા અથવા ગૂગલ મેપ્સ પર રિવ્યૂ આપવા. શરૂઆતમાં તમારો વિશ્વાસ જીતવા માટે તમને 200-500 રૂપિયા ચૂકવવામાં પણ આવે છે. આ ‘મ્યુલ એકાઉન્ટ્સ’ શું છે? આ ગઠિયાઓ ગરીબ તથા અન્ય લોકોને લાલચ આપી તેમનાં બેંક ખાતાં ભાડે લેતા હોય છે. ઘણી વખત તેમને છેતરીને નવાં ખાતાં ખોલાવે છે. છેતરપિંડીના પૈસા સીધા ગુનેગારોનાં ખાતાંમાં જવાને બદલે આ ‘મ્યુલ’ ખાતાંઓમાં આવે છે. આનાથી પોલીસ માટે અસલી માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવું લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ બની જાય છે. પોલીસ આ ખાતાં સુધી પહોંચે, ત્યાં સુધીમાં તો પૈસા ક્રિપ્ટો કરન્સીમાં કે વિદેશી બેંક ખાતાંઓમાં ટ્રાન્સફર થઈ ચૂક્યા હોય છે. સ્પેમ કૉલ્સનો રાફડો: ભારત બન્યું દુનિયાનું ‘સોફ્ટ ટાર્ગેટ’ જો તમને આખો દિવસ અજાણ્યા નંબરો પરથી ડઝનબંધ કૉલ્સ આવતા હોય, તમને એકલાને નથી આવતા. 2025ના વૈશ્વિક રિપોર્ટ મુજબ, ભારતમાં સ્પેમ કૉલ્સની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. આ માત્ર માર્કેટિંગના કૉલ્સ નથી હોતા, તેમાંના મોટાભાગના કૉલ્સ ‘વિશિંગ’ (વોઇસ ફિશિંગ)નો ભાગ હોય છે. ગ્લોબલ સ્પેમ ઇન્ડેક્સ 2025 મુજબ, ભારત દુનિયાના એવા ટોચના દેશોમાં સામેલ છે જ્યાં સૌથી વધુ સ્પેમ કૉલ્સ કરવામાં આવે છે. ગુનેગારો હવે એઆઈ (AI)નો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ તમારા અવાજની આબેહૂબ નકલ (Voice Cloning) કરીને તમારા સગા-સંબંધીઓ પાસે પૈસા માંગી શકે છે અથવા બેંક અધિકારી બનીને તમને ડરાવી શકે છે. સ્પેમ કૉલ્સનો આ વધતો જતો આંકડો દર્શાવે છે કે આપણો ડેટા (ફોન નંબર, નામ વગેરે) ડાર્ક વેબ પર ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. એકવાર જ્યારે તમારો નંબર આ ગુનેગારોની યાદીમાં આવી જાય છે, ત્યારે તેઓ તમને અલગ-અલગ કીમિયાઓ અજમાવીને પરેશાન કરવાનું શરૂ કરી દે છે. આ જાળમાંથી કેવી રીતે બચવું? શંકા કરતા શીખો: જો કોઈ તમને મહેનત વગર રાતોરાત પૈસા આપવાનો વાયદો કરી રહ્યું હોય અથવા ડરાવી-ધમકાવીને તરત જ પૈસા ટ્રાન્સફર કરવાનું કહી રહ્યું હોય, તો ચેતી જજો. આ 100% ફ્રોડ છે. સત્તાવાર એપ્સનો ઉપયોગ: સ્પેમ કૉલ્સને બ્લોક કરવા માટે સત્તાવાર ટૂલ્સ અને સેટિંગ્સનો જ ઉપયોગ કરો. શંકાસ્પદ નંબરોને તરત જ બ્લોક કરો અને રિપોર્ટ કરો. તમારું બેંક ખાતું કોઈને ન આપો: ક્યારેય પણ કોઈના કહેવા પર તમારા બેંક ખાતામાં પૈસા મંગાવીને તેને બીજે ક્યાંય ટ્રાન્સફર ન કરો. આવું કરવાથી તમે અજાણતા જ ‘મની મ્યુલ’ બની શકો છો અને પોલીસના સકંજામાં આવી શકો છો. યાદ રાખો, ડિજિટલ દુનિયામાં ‘સાવચેતી હટી, દુર્ઘટના ઘટી’ની કહેવત એકદમ સચોટ બેસે છે. જો કમનસીબે તમે પણ આવી કોઈ છેતરપિંડીનો ભોગ બનો છો, તો સહેજ પણ મોડું કર્યા વગર સાયબર હેલ્પલાઇન નંબર 1930 ડાયલ કરો અથવા cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો. જો આપણે જાગૃત રહીએ અને માત્ર સત્તાવાર પ્લેટફોર્મ્સનો જ ઉપયોગ કરીએ, તો આપણે આપણી પરસેવાની કમાણીને સુરક્ષિત રાખી શકીએ છીએ.
Read Original Article →