મેંદી રંગ લાગ્યો:કોઈ કે’ ઓધવ આવે, કોઈ કે’ માધવ આવે
કોઈ કે’ ઓધવ આવે, કોઈ કે’ માધવ આવે,
કોઈ કે’ વધામણી રે. . . ઓધવજી.
હૈયા કેરો હાર આલું, ડોકનું માદળિયું આલું,
માથા કેરી ડામણી રે. . . ઓધવજી.
નાનાં હતાં ભેળાં રમતાં, એકી ભાણે બેસી જમતાં,
હવે હરિને નથી ગમતાં રે. . . ઓધવજી.
વાલે તો વિસારી મેલ્યાં, તેડીને તરછોડી મેલ્યાં,
આઘાં લૈને પાછાં ઠેલ્યાં રે. . . ઓધવજી.
કાળી કુબજા કામણગારી, વશ કીધા છે વનમાળી,
હથેળીની દીધી તાળી રે. . . ઓધવજી.
જાન્યુઆરીથી ડિસેમ્બર એમ બાર અંગ્રેજી મહિનાઓના દિવસો ગણીએ તો 365 થાય, પણ લીપ યર આવતું હોય એટલે કે ત્રણ વર્ષે એકવાર ફેબ્રુઆરીના 28ને બદલે 29 દિવસ આવે ત્યારે 366 થાય. ભારતીય પંચાંગની ગણના અનુસાર સૂર્યવર્ષ 365 દિવસ 6 કલાકનું તો ચંદ્રવર્ષ 354 દિવસનું હોય છે એટલે કે બન્ને વચ્ચે 11 દિવસ અને છ કલાકનો તફાવત આવે છે, જે સરભર કરવા દર ત્રણ વર્ષે એકવાર અધિક માસ આવે છે.
અધિક એટલે વધારાનું, વધારાનું હોય એની ફેંકાફેંકી થતી હોય. એક માન્યતા એવી છે કે આ અધિક માસના અધિષ્ઠાતા કોઈ ન્હોતા થતા એટલે ભગવાન વિષ્ણુએ અધિક માસને પોતાનો ગણ્યો એથી એનું નામ પુરુષોત્તમ માસ પડ્યું.
પુરુષોત્તમ માસને ઉત્તર ભારતમાં ‘મલ માસ’ કહે છે. આ માસમાં સગાઇ, લગ્ન, ગૃહપ્રવેશ, નામાભિધાન, વાસ્તુપૂજન સહિતનાં કેટલાંય શુભ કાર્યો વર્જિત મનાયાં છે, પણ પૂજાપાઠ, જપતપ, ભજનકીર્તન, દાનપુણ્યનું અનેરું માહાત્મ્ય દર્શાવાયું છે. એવું પણ મનાય છે કે અધિક માસમાં જપતપ, દાન, ધર્મકાર્ય કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
‘કોઈ કે’ ઓધવ આવે... ’ બહુ મજાનું દેશાણબહેનો જેને ‘વિસામડો’ કહે છે એ ઢાળનું ભાવસભર ભક્તિગીત છે. કોઈ ગોપીને દૂરથી ઓધવ તો કોઈને માધવ આવતા લાગ્યા. કોઈએ પોતાનાં પ્રિય અલંકારો આપી દેવાની વાત કરી દીધી. ભગવાન સાક્ષાત પધારી રહ્યા હોય તો વધામણી તો આપવી જોઈએ ને! ગોપીઓ કહે, પ્રભુ હવે બહુ મોટેરા અને મોંઘેરા થઈ ગયા છે, નાના હતા ત્યારે અમારી ભેળા રમતા ને ભેળા જ, એક જ ભાણામાં જમતા પણ હવે વાલો વિમુખ થઈ ગયા છે એ માટે કાળી પણ ભગવાનને કામણગારી લાગે છે એ કુબજા જવાબદાર છે!
આજેય પુરુષોત્તમ માસ શરૂ થાય એટલે ગામડાંમાં મંદિર, ચોક, કોઈનું ફળિયું કે પછી પ્રાગવડ, પીપળો, સવન જેવાં પાવન વૃક્ષો નીચે ભગવાનની મૂર્તિનું સ્થાપન કરી સવાર-સાંજ ગોપીઓ એકત્ર થઈ પૂજન-અર્ચન કરી ધોળ, ભક્તિગીતો ગાય છે. ગુજરાતનાં અનેક ગામોમાં આ પરંપરા સચવાયેલી છે. આ મહિનામાં પુરુષોત્તમને પૂજતી ગોપીઓ એકાદ દિવસ ‘વનભોજન’ પણ રાખે છે. જેમાં ઘરેથી વાનગી બનાવીને લઈ જાય ને શક્ય હોય તો નદીકિનારે, ઝાડને છાંયે બેસીને સમૂહ ભોજન માણે છે એટલે કે પ્રકૃતિની સાક્ષીએ ભેદભાવ વિના સાથે બેસીને જમવું એવો ભાવ હોય છે.
પુરુષોત્તમ માસમાં-
આંબુડાં, જાંબુડાં કેરી ને કોઠીંબડાં;
રાય દામોદર નોતર્યાં, વાડી રાજા રામની,
વાસુદેવ રખોલિયા, સુખડાં લેજો બાયું- શ્રી રામનાં
જેવી દેશાણ રચના ઉપરાંત ‘વિસામડા’ તરીકે જાણીતું-
કોપ્યા કુંવર કાનડ કાળા, શતગણા મેલી દ્યો ચાળા
ગીત ગામેગામ ગવાતું હતું, હજુ ક્યાંક ગવાતું હશે. નરસિંહ કે મીરાંની રચના જેવું આ લોકગીત ગાઈએ ત્યારે સમજાય કે અભણ કે અલ્પશિક્ષિત ગુજરાતીઓએ કોઠાસૂઝથી કેવાં ગરવાં ગીતો રચ્યાં છે ! જ્યાં સુધી પુરૂષોત્તમ માસની શ્રદ્ધાથી ઉજવણી થતી રહેશે ત્યાં સુધી આવાં ગીતો ગવાતાં રહેશે.
Read Original Article →