ક્રાઇમ સિક્રેટ:તિહાડ જેલ પર પ્લેન ઉડાડનારો કેદી કોણ હતો?
રાજ ભાસ્કર
ડૅનિયલ કેસ - 1
કહાની છે 1962ની, જ્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધો વણસ્યા હતા. 1962ની શરૂઆતમાં ભારતની ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી કે ભારતના કેટલાક ભૂતપૂર્વ રાજા-મહારાજાઓ છૂપી રીતે અત્યાધુનિક વિદેશી હથિયારોની ખેપ મંગાવી રહ્યા છે. ઈન્ટેલિજન્સે તપાસ શરૂ કરી કે હથિયારો, ગોળા-બારૂદ અને લાઈવ કારતૂસનું આ સ્મગલિંગ કોણ કરી રહ્યું છે.
20 સપ્ટેમ્બર, 1962. દિલ્હીની શાન ગણાતી ફાઈવ સ્ટાર ‘અશોકા હોટલ’માં અચાનક પોલીસ અને ખૂફિયા વિભાગની ટીમે દરોડો પાડ્યો. લક્ઝુરિયસ રૂમમાં ઠસ્સાદાર અમેરિકન નાગરિક હતો. એનું નામ ડૅનિયલ હેલી વોલકોટ. તેના રૂમની જડતી લેવાતાં એક પેટીમાંથી 766 જીવતા કારતૂસ અને એક લોડેડ બંદૂક મળી આવી. પોલીસે તેની અટકાયત કરી અને વધુ તપાસ માટે તેને સફદરજંગ એરપોર્ટ પર લઈ ગઈ. ત્યાં તેનું પ્રાઈવેટ પ્લેન ‘પાઈપર અપાચે’ ઊભું હતું. પ્લેનના ગુપ્ત ખાનાંઓમાંથી બીજા 1000 કારતૂસ મળી આવ્યા! કુલ 1766 ગોળીઓ અને હથિયારો સાથે ડૅનિયલની ધરપકડ કરાઈ અને તેને તિહાડ જેલમાં ધકેલી દેવાયો.
ડૅનિયલ વોલકોટ બહુ મોટો રમતબાજ હતો. એ તિહાડ જેલમાં રહ્યો એ દરમિયાન તેણે જેલના કેદીઓ સાથે દોસ્તી કરી. તે કેદીઓને કહેતો, ‘ચિંતા ના કરો, હું જ્યારે અહીંથી બહાર નીકળીશ ત્યારે તમારા માટે એવું કંઈક ખાસ કરીશ કે આખી દુનિયા યાદ રાખશે!’ થોડા મહિનામાં તેને આર્મ્સ એક્ટના કેસમાં શરતી જામીન મળી ગયા. તે ભારત છોડી શકે તેમ નહોતો. તેના પર આ ગુનો તો હતો પણ તેણે ટાટા કંપનીને 60 હજાર રૂપિયા પણ આપવાના હતા, જે એ વખતે મોટી રકમ હતી. ડૅનિયલનો ઈરાદો પૈસા દેવાનો નહોતો.
એને એ પણ ખબર હતી કે જો તે હજુ વધુ સમય ભારતમાં રોકાશે તો ચોક્કસ તેના જામીન રદ થશે અને તે ફરી જેલના સળિયા ગણશે. એટલે એક રાતે તેણે વાઘા બોર્ડરથી પાકિસ્તાન ભાગવાની કોશિશ કરી, પણ એ બોર્ડર પર જ પકડાઈ ગયો. તેને ફરીથી દિલ્હી લાવવામાં આવ્યો અને જેલભેગો કર્યો.
દરમિયાન 1962નું ભારત-ચીન યુદ્ધ ફાટી નીકળ્યું. આ યુદ્ધ ડૅનિયલ માટે વરદાન સાબિત થયું. તેણે કોર્ટમાં જઈને જજ સામે હાથ જોડ્યા અને એક લલચામણી ઓફર મૂકી. તેણે કહ્યું, ‘સાહેબ, અત્યારે દેશ મુસીબતમાં છે. મારી પાસે ઘણા પ્રાઈવેટ પ્લેન્સ છે. ભારત સરકાર ઈચ્છે તો મારા પ્લેનનો ઉપયોગ યુદ્ધમાં સેના માટે સામાન પહોંચાડવા કરી શકે છે. હું થોડી કાર્યવાહી બાદ પ્લેન્સ મંગાવી દઉં છું!’
કોર્ટ રાજી થઈ ગઈ અને તેની આ મદદ બદલ તેને ફરીવાર જામીન આપી દીધા. પણ શરત એ કે પહેલાં ટાટા કંપનીના 60 હજાર રૂપિયા જમા કરાવી દે અને કેસ પૂરો ના થાય ત્યાં સુધી દેશ છોડીને જઈ નહીં શકે.
સફદરજંગ એરપોર્ટના હેંગરમાં તેનું ‘પાઈપર અપાચે’ પ્લેન જપ્ત અવસ્થામાં પડ્યું હતું. ડૅનિયલે ફરી કોર્ટને આજીજી કરી કે ‘સાહેબ, મારુ પ્લેન જો લાંબો સમય ઊભું રહેશે તો તેનું એન્જિન જામ થઈ જશે અને તેને કાટ લાગી જશે. મને રોજ એક વાર પ્લેનનું એન્જિન ચાલુ કરવાની મંજૂરી આપો જેથી એનું મશીન ચાલુ હાલતમાં રહે.’
કોર્ટે માનવતાના ધોરણે અને ટેકનિકલ સલાહ લઈને હા પાડી. નિયમ એવો બન્યો કે રોજ સવારે નિશ્ચિત સમયે ડૅનિયલ એરપોર્ટ પર આવશે અને પોલીસની હાજરીમાં એન્જિન સ્ટાર્ટ કરશે. અઠવાડિયાંઓ સુધી આ રૂટિન ચાલ્યું. તેની સાથે પાંચ પોલીસ કોન્સ્ટેબલો પહેરો ભરતા. ધીરે ધીરે પોલીસવાળાઓ લાપરવાહ થઈ ગયા. તેમને લાગ્યું કે આ સાહેબ ક્યાં જવાના છે? આ તો રોજનું કામ છે, પણ ડૅનિયલ અંદરખાને મોટું કાવતરું રચી રહ્યો હતો. તે રોજ થોડું થોડું ફ્યુઅલ બચાવતો.
આખરે 23 સપ્ટેમ્બર, 1963નો દિવસ આવ્યો. ડૅનિયલ પ્લેન પાસે પહોંચ્યો. કોન્સ્ટેબલો ઊભા હતા. તેણે એન્જિન સ્ટાર્ટ કર્યું અને પ્લેનને રન-વે તરફ મારી મૂક્યું! પોલીસવાળા કંઈ સમજે એ પહેલાં તો પ્લેને સ્પીડ પકડી લીધી. એક કોન્સ્ટેબલ તો પ્લેનની પૂંછડી પકડીને લટકી ગયો, પણ પ્લેનની ગતિ એટલી હતી કે તે હવામાં ફંગોળાઈ ગયો. આખું એરપોર્ટ તંત્ર દોડતું થયું. એટીસીને ખબર કરવામાં આવી. પણ પંખી પાંજરું તોડીને ઉડી ચૂક્યું હતું.
ડૅનિયલ પ્લેન લઈને હવામાં તો ઉડ્યો પણ તેણે પ્લેનનું મોઢું તિહાડ જેલ તરફ વાળ્યું. જેલની ઈમારત ઉપરના આકાશમાં પહોંચીને તેણે નીચી ઉડાન ભરી અને જેલ પર ત્રણ ચક્કર લગાવ્યાં. જેલના સળિયા પાછળ રહેલા તેના કેદી મિત્રો માટે તેણે પ્લેનમાંથી મોંઘીદાટ સ્વિસ ચોકલેટ, બિસ્કિટ અને વિદેશી સિગારેટનાં હજારો પેકેટોનો વરસાદ કર્યો. તિહાડ જેલના ઈતિહાસમાં આ પહેલી અને છેલ્લી ઘટના હતી જ્યારે કોઈએ જેલ પર આવી નોખી રીતે અનોખી ભેટ વરસાવી હોય.
પોતાનો વાયદો પૂરો કરીને ડૅનિયલે પ્લેન પાકિસ્તાન બોર્ડર તરફ ફેરવ્યું. ભારતીય વાયુસેનાનાં બે હન્ટર ફાઈટર પ્લેન તેની પાછળ મોકલવામાં આવ્યાં, પણ ડૅનિયલ બહુ જ નીચી ઊંચાઈએ (3000 ફૂટથી નીચે) ઉડી રહ્યો હતો જેથી રડારમાં પકડાયો નહીં. અંતે તે સફળતાપૂર્વક પાકિસ્તાનની સીમામાં ઘૂસી ગયો અને કરાચી એરપોર્ટ પર પ્લેન લેન્ડ કર્યું.
ભારતનું નાક કાપીએ એ ભાગી ગયો પણ એનો અસલી ખેલ હજુ બાકી હતો. એ કોણ હતો અને હવે શું થવાનું હતું? એ પકડાવાનો હતો કે નહીં અને પકડાવાનો હતો તો ક્યારે અને કેવી રીતે? એ જોઈશું આવતા બુધવારે. (ક્રમશ:)
Read Original Article →