સહજ સંવાદ:યુગસંધિના શુક્રતારક કવિ-ભક્ત દયારામ
ગુ જરાતી સાહિત્યના માર્ગ પર અનેક સમૃદ્ધ સર્જકોએ પોતાનાં પ્રદાનથી સાહિત્યની વાડીને લીલીછમ્મ રાખી છે. લોકકથા, વાર્તા, ખંડગીત, મહાકાવ્ય, નાટક, આખ્યાન, ભજન, ગીત, રાસ, ભવાઈ, કાદંબરી, યાત્રા-લેખ, વિવેચન અને અવલોકન- તમામ પ્રકારોને આલેખ્યા છે.
કેટલાકે વળી અલગ નામથી, તો કેટલાકે અનામ રહીને અભિવ્યક્ત કર્યું. કેટલાક તો એવાં ઉદાહરણો છે કે ભજન કે ગીત લખીને કાગળની ભૂંગળીમાં રાખીને ગામને પાદર વહેતી નદીમાં તરવા મૂકી દે. બીજા કોઈ ગામના લોકોને તે મળે, અને ધન્ય ધન્ય થઈને બોલે કે અરે, આ તો દેવકી ગાલોળના ભોજા ભગતની ભેટ!
એવું દેખાય છે કે મધ્યકાળના કવિઓનો પોતાનો આગવો પિંડ હતો, તે પ્રમાણે તેમની રચનાઓ રહેતી. અમદાવાદની ટંકશાળમાં કામ કરતા સોની અક્ષયદાસ કહાનદાસનું નામ તો અપરિચિત લાગશે પણ ‘અખો?’ અખો શબ્દ જ આખાબોલો જેવો લાગે, તેના છપ્પા કબીરની યાદ અપાવે. આટલો વાસ્તવિક અને કઠોર સત્યનો ઉપાસક કવિ ગુજરાતમાં પાક્યો નથી. તેનો રસ્તો જ્ઞાનનો હતો, સંસારની વિટંબણાનો હતો અને દંભ સામેનો હતો.
ત્રીજું નામ નરસિંહ મહેતા અને ચોથું મીરાબાઈનું. બંને વિશે કહેવાયું પણ ખરું: ‘હતો નરસિંહ, હતી મીરા, ખરાં ઇલમી, ખરાં શૂરા!’ ભક્તિ અને આધ્યાત્મમાં મીરા વિદ્રોહિણી હતી. એ જમાનામાં ભર્યાભાદર્યા રાજવી સંસારમાંથી નીકળીને કૃષ્ણ-ભક્તિ માટે નીકળી જવું, અને તે પણ એક રાજરાણી દ્વારા, એ આપણી ઉપાસના અને સાહિત્યની વિરલ કથા છે. સોક્રેટિસે ઝેર પીધું હતું તેની કથા-કહાણી તો વારંવાર કહેવાઈ, પણ આ સ્ત્રીએ પોતાના ‘રાણા’એ મોકલેલો ઝેરનો પ્યાલો ગટગટાવી લીધો, તે ઓછી ભવ્ય ઘટના છે?
સુરેન્દ્રનગરમાં 1965માં ડૉ. રામમનોહર લોહિયા આવ્યા ત્યારે એક યુવાન વિદ્યાર્થી તરીકે તેમને મળવા ગયો, ત્યારે તેમણે એક સરસ વાત મને કહી હતી: ‘મીરા મેડતાથી દ્વારકા નીકળી હતી, તે કયા રસ્તેથી પહોંચી હશે? વચ્ચે ક્યાં રોકાણ કર્યું હશે?’ આટલું કહીને આ અવધૂત રાજકારણીએ કહ્યું: ‘એકવાર મારે મીરાના માર્ગે મેડતાથી દ્વારકા ચાલતા નીકળવું છે. કેવી આધ્યાત્મિક વીરાંગના હતી તે, કેવી-કેવી વિટંબણા વચ્ચે સમર્પિત ભાવથી તે પહોંચી હશે?’ થોડાંક વર્ષો પછી સુરેન્દ્રનગર-નિવાસી લેખક ભૂપેન્દ્રભાઈ દવેએ મને શિયાણી ગામ બતાવ્યું. એક તળાવ, એક દેવાલય, નાનું ગામ. મને કહે કે અહીં મીરા મંડળીએ પાદરમાં રાતવાસો કર્યો હતો અને ત્યાંના મંદિરને કૃષ્ણ-મૂર્તિ અર્પણ કરી હતી! આમ તો આ ગામ સ્વામી આનંદની પણ જન્મભૂમિ હતી. તેઓ અકિંચન સાધુ રહ્યા અને ઉત્તમ ગદ્યકાર તથા પત્રકાર પણ હતા.
આપણે એક ચોથા કવિની વાત કરવી છે, તે ભક્ત કવિ દયારામની. મધ્યકાળ અને અર્વાચીનકાળની બરાબર વચ્ચે દયારામની કવિતા સર્જાઈ. એટલે તેમને મધ્યકાળના અંતિમ કવિ કહેવામાં આવ્યા. ખરેખર તો આવું વર્ગીકરણ ઉચિત નથી, તેમની ભક્તિ, જ્ઞાન અને સાહિત્ય એકબીજામાં એવા ભળી ગયેલા છે કે તેઓ માત્ર હવેલીમાં કે માત્ર રાસ-ગરબામાં નહીં, પણ સર્વત્ર જીવંત શબ્દ-સુગંધ આપે છે.
તેમની વિશેષતા? તેનો જવાબ સહજ અને સરળ છે. તેમણે પોતાના શબ્દ-સંસારને સર્જકશક્તિ અને ભાવલોકથી અનુપમ બનાવ્યો. દરેક અનુપમ કાર્ય એક ‘અવતારકાર્ય’ હોય છે. દરેક મનુષ્ય, અરે, તમામ પ્રકૃતિનું એક ચોક્કસ હેતુની સાથે અવતરણ હોય છે. તે પૂરું થાય એટલે જીવન સાર્થક!
શબ્દ અગ્નિદિવ્ય છે. તે ‘કેમ છો, મજામાં?’થી સાવ અલગ છે. દિલ, દિમાગ અને આત્માના ત્રિવેણી સંગમે તેનાં બીજ ફૂટે છે. દયારામનો રસિક શબ્દ, આર્તનાદ અને અસીમ સમર્પણ એવો અસામાન્ય શબ્દ હતો કે જે અનાયાસ અને સહજ હતો. તેમણે ‘સત્યમ, શિવમ, સુંદરમ’ની ઉપાસનાથી માહોલ સર્જ્યો. ત્યાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, ઈતરજન નથી. જે છે તે ‘હું’ અને ‘તું’ પણ નથી- ત્યાં અદ્વૈત છે. રાધા-કૃષ્ણનો એક જ ભાવ, તે રાધા-ભાવ.
જુઓ તો ખરા, દયારામનાં અનેક ગીતો અમદાવાદની દોશીવાડાની પોળમાં આવેલી ગોપીનાથજીની હવેલીમાં રચાયાં અને સ્વમુખે ગવાયાં. એટલે જ તેના ગોસ્વામી રણછોડલાલજીએ સંકલ્પ કર્યો કે દયારામના અવતરણને 250 વર્ષ થયાં હોય તો તેનું પર્વ ઊજવવું જોઈએ. ગુજરાતીના અધ્યાપક તરીકે મેં પણ નોંધ્યું કે સમગ્ર ગુજરાતમાં માત્ર અહીં જ ‘દયાપર્વ’ની ઉજવણીનો ઉપક્રમ રહ્યો હતો.
ગુજરાત-સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં આજે પણ ચોકમાં કન્યાઓ અને મહિલાઓ ઉલ્લાસભેર ગરબી ગાય છે, વર્તુળાકારે રાસ રમે છે. હવેલી સંગીતની વળી અલગ આભા છે. ‘મુજને અડશોમાં…,’, ‘આઠ કૂવા ને નવ નાવડી રે…’, ‘શ્યામ રંગ સમીપે ના જાવું…’, ‘ઊભા રહો તો કહું વાત રે…’, ‘શોભા સલૂણી શ્યામની રે…’, ‘વ્રજ વહાલું રે, વૈકુંઠ નથી જાવું…’, ‘નિશ્ચેના મહેલમાં, વસે મારો વલમો…’ આવો રસવૈભવ કઈ રીતે સર્જાયો હશે? શ્રીમદ્ વલ્લભાચાર્યની સંજીવની, ત્રણ વાર ભારતયાત્રા, પુષ્ટિમાર્ગનું અધ્યયન, સર્જકશક્તિની કુદરતી વિશેષતા, નર્મદા કિનારે ચાંદોદમાં જન્મ, ડાકોરમાં ઈચ્છારામ ભટ્ટનો સત્સંગ અને ભાષા વૈભવ.
દયારામ વ્રજ, ઉર્દૂ, હિન્દી, સંસ્કૃત, મરાઠી, મારવાડી, ગુજરાતી, પંજાબી, બિહારી અને સિંધી ભાષા જાણતા અને તેમાં ગીતો લખ્યાં! અને કેટલાં સ્વરૂપો તેમ જ પ્રકારો? રાસ, રાસડો, ગરબી, ગરબો, હીંચ, હમચી, ધોળ, થાળ, હાલરડું, આરતી, કીર્તન, તિથિ, વાર, મહિના, ભજન.. પ્રિય પ્રભુને પ્રાપ્ત કરવા કેટ-કેટલા લાડ લડાવવા પડે? પુષ્ટિમાર્ગના અભ્યાસી ડૉ. લાભશંકર પુરોહિતે સાચું કહ્યું છે કે મધુરાભક્તિની ત્રિગુણાત્મક ગીત સૃષ્ટિ દયારામે આપી છે. નાનાલાલ કવિએ તેમને ‘બંસીબોલના કવિ’ કહ્યા છે.
Read Original Article →