બ્લેક એન્ડ વ્હાઈટ:’એવા’ કોલ રિસીવ કરવા જ શા માટે?

Magazine6/3/2026, 12:35:00 AM
બ્લેક એન્ડ વ્હાઈટ:’એવા’ કોલ રિસીવ કરવા જ શા માટે?
મે, 2026ના પ્રથમ સપ્તાહમાં મુંબઈના ઘાટકોપર ઉપનગરમાં રહેતા એક ગુજરાતી વૃદ્ધના વોટ્સએપ પર મેસેજ આવ્યો કે ‘તમારે ગેસ બિલના 12 રૂપિયા ચૂકવવાના બાકી છે. એ તાત્કાલિક નહીં ચૂકવો તો આજે રાતે દસ વાગ્યે તમારું મહાનગર ગેસની પાઇપલાઈનનું કનેક્શન કપાઈ જશે.’ એ મેસેજમાં તેમને કહેવાયું હતું કે ‘શ્રીકાંત નામના સહાયકનો તમને કોલ આવશે અથવા તેનો નંબર મોકલાવું છું એના પર કોલ કરો એટલે તે તમને મદદ કરશે.’ તે વૃદ્ધે એ ‘સહાયક’ સાથે ફોન પર વાત કરી અને પછી થોડી વારમાં તેમનું બૅન્ક અકાઉન્ટ સાફ થઈ ગયું! આવી જ ઘટના થોડા દિવસો અગાઉ પુણેમાં બની હતી. જેમાં ‘તમારું દસ રૂપિયાનું ગેસ બિલ બાકી છે’ એમ કહીને સાયબર ગઠિયાઓએ તેમની જાળમાં ફસાયેલા માણસના બેન્ક અકાઉન્ટમાંથી બધા પૈસા તફડાવી લીધા હતા. આવી ઘટનાઓ અવારનવાર બનતી જ રહે છે. વોચમેનથી માંડીને મોટી-મોટી કંપનીના મેનેજિંગ ડિરેકટર સુધીના માણસો મોબાઈલ ફોન પર ન જોવાનું ઘણું જોતા રહે છે, પરંતુ તેમની જાડી બુદ્ધિમાં એ વાત ઊતરતી નથી કે ‘ડિજિટલ અરેસ્ટ’ જેવું કશું કાનૂનમાં છે જ નહીં. દરેક રાજયોની પોલીસ લોકોને કહી-કહીને થાકી ગઈ કે ‘તમને કોઈ પોલીસ ઓફિસર કે જજ કે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર કે સીબીઆઈ ઓફિસર કે કોઈપણ પ્રકારના સરકારી અધિકારી હોવાનો દાવો કરીને કોઈ વ્યક્તિ તમને કોલ કરે તો એવા કોલથી ગભરાવું નહીં અને પોલીસને જાણ કરવી.’ કેન્દ્ર સરકારે તો 1930 નંબર પણ આપ્યો છે. અને દરેક મોબાઈલધારકના મોબાઈલ ફોન પર અનેકવાર સરકાર તરફથી એવા મેસેજ જાય છે, પરંતુ મોટાભાગના લોકોએ જાણે બુદ્ધિનું દેવાળું ફૂંકી દીધું હોય એ રીતે તેઓ સાયબર ગઠિયાઓની જાળમાં ફસાય છે અને પોલીસનું કામ વધારે છે. જોકે, એક મોટું કારણ એ પણ છે કે સામાન્ય લોકો પોલીસથી અને કાનૂનથી ડરે છે. આપણા દેશની સૌથી મોટી ટ્રેજેડી એ છે કે જેમણે પોલીસથી ડરવું જોઈએ એવા રીઢા ક્રિમિનલ્સને પોલીસનો ડર જ નથી અને સામાન્ય લોકો બિચારા પોલીસથી ડરતા રહે છે. આ મુદ્દે ક્યારેક કિસ્સાઓ સાથે એક અલગ લેખમાં વાત કરીશ. અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સ રિસીવ કરવાને કારણે રોજ સંખ્યાબંધ સાયબર ફ્રોડની ઘટનાઓ બનતી રહે છે અને એ કિસ્સાઓ મીડિયા થકી લોકો સુધી પહોંચતા રહે છે એમ છતાં અજાણ્યા કોલ્સ ઉપાડવાનું ઝનૂન લોકોમાં શા માટે જાગતું હશે એ સમજાતું નથી. એ જ રીતે વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવતા મેસેજિસના રિપ્લાય કરવાનું કે વોટ્સએપ મેસેજ પર આવતી એપીકે ફાઈલ ડાઉનલોડ કરવાની મૂર્ખાઈ લોકો શા માટે કરતા હશે એ સમજી શકાતું નથી. આપણા દેશના મોટાભાગના માણસોને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા આવડતું જ નથી, એમ કહીએ તો ચાલે. જડ બુદ્ધિના નમૂનાઓ અજાણ્યા નંબર પરથી કોલ આવે એ સાથે આંખ મીંચીને કોલ રિસીવ કરી લે છે. અને પછી તેઓ સાયબર ગઠિયાઓની જાળમાં ફસાઈ જાય છે. મોબાઈલ ફોનનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિષે સરકારે અભ્યાસક્રમમાં ભણાવવાનું ફરજિયાત કરવું જોઈએ. આ સૂચન વાંચીને કદાચ ઘણા વાચકોને હસવું આવશે, પણ ઘણી વખત પોલીસ અધિકારીઓ પાસે એવા કિસ્સા આવતા હોય છે કે તેમને પહેલાં તો હસવું આવે અને પછી ગુસ્સો પણ આવે કે કોઈ આટલી હદ સુધી બેવકૂફ કઈ રીતે બની શકે? અને પછી જીવનભરની બચત ગુમાવનારા માણસો પર તેમને દયા પણ આવે. અજાણ્યા કોલ રિસીવ કરનારા બેવકૂફોની મોટી સંખ્યા છે એમ ઘણા કોલ કરનારાઓ પણ મંદબુદ્ધિના હોય છે, માઠા હોય છે. મને ઘણી વખત અજાણ્યા નંબરથી કોલ આવે ત્યારે ટ્રુ કોલર, સ્પામની કે ફ્રોડની ચેતવણી ન આપે તો હું કોલ કરનારી વ્યક્તિને મેસેજ કરું છું કે ‘આ નંબર અજાણ્યો છે. મે આઈ નો હૂ ઈઝ ધિસ? તમારા નામ સાથે મને મેસેજ કરો.’ જોકે ઘણા જડ બુદ્ધિના બેપગાળા જીવો એવા મેસેજનો જવાબ આપવાને બદલે ફરીવાર કોલ કરે. ફરીવાર હું કોલ ડિસકનેક્ટ કરું એટલે ફરીવાર કોલ કરે. ચાર-પાંચ વખત અને ઘણા કિસ્સાઓમાં દસ-દસ વખત કોલ કરે, પણ મેસેજનો જવાબ નહીં મોકલે કે ‘હું ફલાણો કે ઢીંકણો માણસ છું અને તમારો સંર્પક સાધવાની કોશિશ કરી રહ્યો છું.’ આવા જડ બુદ્ધિના લોકો અભણ જ હોય કે અર્ધશિક્ષિત હોય કે ગામડાંના જ હોય કે એવું જરૂરી નથી. ગુજરાતના એક પ્રિન્સિપાલનો પણ મને આવો અનુભવ થયો હતો. પ્રિન્સિપાલ જેવી ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ જો આટલી જડ બુદ્ધિની, મંદ બુદ્ધિની હોય તો સામાન્ય લોકોની શું વાત કરવી? આપણે કોઈને કોલ કરીએ ત્યારે તેના નંબર પર રિંગ વાગતી હોય તો તે વ્યક્તિને એક મેસેજ મોકલાવી દેવો જોઈએ એટલી સાદી વાત જાડી બુદ્ધિના લોકોના મગજમાં ઊતરતી નથી. લોકોને અજાણ્યા કોલ રિસીવ કરી લેવાની કે અજાણ્યા નંબર પરથી આવેલી ફાઈલ ડાઉનલોડ કરી લેવાની કે ગેસ બિલ કપાઈ જશે કે ઈલેક્ટ્રિસિટી બિલ કપાઈ જશે એવા મેસેજ વાંચીને વળતા કોલ કરવાની મૂર્ખાઈ કરે છે. ઘણા લોકો અજાણ્યા નંબર પરથી આવતા કોલ એટલી ઝડપે ઊંચકી લેતા હોય છે કે જાણે તેઓ એ કોલ રિસીવ નહીં કરે તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જશે અથવા તો પોતે જિંદગી હારી જશે! ફોન પર યોગ્ય રીતે કોમ્યુનિકેશન કરવાનું તો આપણા દેશના મોટાભાગના લોકો સમજતા જ નથી, પરંતુ પોતાનું કામ હોય ત્યારે કેવી રીતે સંપર્ક કરવો એટલી બુદ્ધિ પણ તેમનામાં નથી હોતી. આવા મંદબુદ્ધિના લોકોને કારણે પણ સાયબર ક્રાઈમ થતા રહે છે. એક બાજુ આવા મંદબુદ્ધિના, માઠા માણસો છે અને સામે દુષ્ટ સાયબર ગઠિયાઓ છે એટલે આપણા દેશમાં સાયબર ક્રાઈમનું પ્રમાણે દિવસે ન વધે એટલું રાતે અને રાતે ન વધે એટલું દિવસે વધી રહ્યું છે.
Read Original Article →