સાયબર સિક્યુરિટી:સાયબર ફ્રોડ થયા બાદ તમારા પૈસા ક્યાં જાય છે?

Magazine4/15/2026, 12:50:00 AM
સાયબર સિક્યુરિટી:સાયબર ફ્રોડ થયા બાદ તમારા પૈસા ક્યાં જાય છે?
કેવલ ઉમરેટિયા વર્તમાન સમયે આપણી આસપાસ દરરોજ સેંકડો સાયબર ફ્રોડ થઇ રહ્યાં છે. સાયબર ફ્રોડ થાય, લોકો ફરિયાદ નોંધાવે અને પછી પોતાના પૈસા પાછાં આવવાની રાહ જુએ. કેટલાક કિસ્સામાં આવે છે અને કેટલાક કિસ્સામાં નથી આવતા. હકીકત એ છે કે તમારા ખાતામાંથી જે પૈસા કપાય તે કોઈ એક ખાતામાં પડ્યાં નથી રહેતા, પણ હવામાં ઓગળી જાય છે. તો ચાલો આજે સમજીએ કે તમારી બેંકમાંથી નીકળેલા પૈસા કયા રસ્તાઓ પરથી પસાર થઈને ગાયબ થઈ જાય છે અને છેક વિદેશ સુધી કેવી રીતે પહોંચે છે. સાયબર ગઠિયાઓની શાતિર ચાલ સાયબર ગુનેગારો બહુ શાતિર હોય છે. તેઓ ક્યારેય પણ છેતરપિંડીના પૈસા સીધા પોતાના અસલી બેંક ખાતામાં નથી મંગાવતા, કારણ કે આવું કરવાથી પોલીસ તેમને તરત જ પકડી લેશે. પોલીસ અને બેંકને ગોથાં ખવડાવવા માટે તેઓ એક લાંબી ચેઈન (સાંકળ) બનાવે છે. પહેલું પગથિયું: ભાડાંનાં ખાતાં સાયબર ગઠિયાઓ ગરીબ મજૂરો, વિદ્યાર્થીઓ કે નાના દુકાનદારોને અમુક હજાર રૂપિયાની લાલચ આપીને તેમના નામે બેંક ખાતાં ખોલાવે છે અથવા ભાડે લે છે. સાયબરની ભાષામાં આને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ કહેવાય છે. આ ઉપરાંત, નકલી પાન કાર્ડ અને આધાર કાર્ડની મદદથી સેંકડો બોગસ ‘શેલ કંપનીઓ’ ઊભી કરવામાં આવે છે અને તેમના કરન્ટ એકાઉન્ટ ખોલવામાં આવે છે. તમારા પૈસા સૌથી પહેલાં આવા જ કોઈ અજાણ્યા ખાતામાં જાય છે. બીજું પગથિયું: ભુલભુલામણી અને પૈસાના ટુકડા માની લો કે તમારી સાથે 1 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ. એ પૈસા પહેલા ખાતામાં જશે કે તરત જ એક ઓટોમેટેડ સોફ્ટવેર ગણતરીની સેકન્ડોમાં એ 1 લાખ રૂપિયાને 10-10 હજારના 10 ભાગમાં વહેંચીને 10 અલગ-અલગ બેંકોનાં ખાતાંમાં મોકલી દેશે.પછીની 5 જ મિનિટમાં પેલા 10 ખાતાંવાળા એ પૈસાને બીજાં 100 ખાતાંઓમાં ટ્રાન્સફર કરી દેશે. આ આખી પ્રક્રિયાને ‘લેયરિંગ’ કહે છે. જ્યાં સુધી પીડિત બેંક કે પોલીસમાં ફરિયાદ કરે, ત્યાં સુધીમાં તો તેના પૈસા 5-6 બેંકો અને ડઝનબંધ ખાતાંઓની ભુલભુલામણીમાંથી પસાર થઈ ચૂક્યા હોય છે. આવા સંજોગોમાં પોલીસ માટે એ શોધવું મુશ્કેલ બની જાય છે કે અસલી પૈસા આખરે ગયા ક્યાં. ત્રીજું પગથિયું: સિસ્ટમમાંથી ગાયબ પૈસાને અનેક ખાતાંઓમાં ગોળ-ગોળ ફેરવ્યાં પછી ગઠિયાઓનો મુખ્ય ટાર્ગેટ એ પૈસાને ભારતીય બેંકિંગ સિસ્ટમમાંથી સંપૂર્ણપણે બહાર કાઢી લેવાનો હોય છે, જેથી કોઈ તેને ટ્રેસ ન કરી શકે. જેના પણ કેટલાક રસ્તા છે. ક્રિપ્ટોકરન્સી: આજે 70%થી વધુ ઠગાઈના પૈસા ક્રિપ્ટોમાં ફેરવી દેવામાં આવે છે. ગઠિયાઓ એ ચોરીના પૈસાથી તરત જ ક્રિપ્ટોકરન્સી ખરીદી લે છે અને થોડી જ મિનિટોમાં તેને દુબઈ, ચીન કે સાઉથ-ઈસ્ટ એશિયા (કમ્બોડિયા, મ્યાનમાર)માં બેઠેલા તેમના આકાઓના વોલેટમાં ટ્રાન્સફર કરી દે છે. પૈસા એકવાર ક્રિપ્ટોમાં ગયા પછી તેને પાછાં લાવવા લગભગ અશક્ય થઈ જાય છે. ઈ-કોમર્સ અને ગિફ્ટ કાર્ડ્સ: ગઠિયાઓ આ પૈસાથી તાત્કાલિક Amazon, Apple કે ગેમિંગ કંપનીઓનાં ડિજિટલ ‘ગિફ્ટ કાર્ડ’ ખરીદે છે. પછી આ કાર્ડ્સને ડાર્ક વેબ પર કે વિદેશોમાં ડોલરના ભાવે વેચી મારવામાં આવે છે. નકલી ઈમ્પોર્ટ-એક્સપોર્ટ: જે પૈસા શેલ કંપનીઓનાં કરન્ટ ખાતાંમાં જાય છે, તેને બોગસ બિલ બનાવીને ‘ઈમ્પોર્ટ પેમેન્ટ’ના નામે વિદેશોમાં મોકલી દેવામાં આવે છે. આ ડિજિટલ હવાલાનું નવું સ્વરૂપ છે. એટીએમમાંથી તાત્કાલિક કેશ ઉપાડવી: જામતારા કે મેવાત જેવા વિસ્તારોમાં બેઠેલા નાના ગઠિયાઓ, પેલા ભાડાંનાં ખાતાંઓનાં ડેબિટ કાર્ડ પોતાની પાસે જ રાખતા હોય છે. જેવા ખાતામાં પૈસા જમા થાય કે તરત જ ATMની બહાર ઊભેલો તેમનો માણસ રોકડા ઉપાડી લે છે. શું પૈસા પાછા મળી શકે? હા પરંતુ તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે કેટલી ઝડપથી એક્શન લો છો. સાયબર ગઠિયાઓને તમારા પૈસા ક્રિપ્ટો કે કેશમાં ફેરવવામાં 1થી 2 કલાકનો સમય લાગે છે. જો તમે ઠગાઈ થયાના પહેલા 1 કલાકની અંદર 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવો છો, તો પોલીસની સિસ્ટમ એ તમામ ખાતાંઓની ચેઈનને બ્લોક કરી દે છે, અને તમારા પૈસા પાછાં મળવાની શક્યતા 80% સુધી વધી જાય છે.
Read Original Article →