વસુંધરાના વહાલાં દવલાં:‘ધ ક્લાઈમેટ પાર્ટી’ : રાજકારણ નહીં, પર્યાવરણનો પક્ષ લેતી પ્રજા!
સોશિયલ મીડિયાની વર્ચ્યુઅલ દુનિયામાં આજે ક્રોક્રોચ જનતા પાર્ટીની બાબતો પર ચર્ચાનું મહાયુદ્ધ છેડાયું છે, પણ આ બધાથી દૂર એક વાસ્તવિક અને સકારાત્મક દુનિયા પણ શ્વાસ લઈ રહી છે. પરમ દિવસે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ છે, ત્યારે આજે વાત કરવી છે એવા યુવાધનની, જેમણે સોશિયલ મીડિયાના ખોટા વિવાદોમાં સમય બગાડવાને બદલે જમીની-સ્તરે ક્લાઈમેટ ખરેખર ચેન્જ થાય તે માટે કામ કરી રહ્યા છે. એન્ટાર્કટિકાથી અમદાવાદ : ધ ક્લાઈમેટ પાર્ટી
નવી દિલ્હીની એક યુવા મહિલાએ ક્લાઈમેટ ચેન્જના જટિલ વિષયને લોકો માટે સરળ અને રસપ્રદ બનાવવાનું બીડું ઝડપ્યું છે. સાયેશા ડોગરાએ એન્ટાર્કટિકાની મુલાકાત લીધી, ત્યારે ત્યાં ગ્લોબલ વોર્મિંગની વાસ્તવિક અસરો જોઈને તેમનું જીવન બદલાઈ ગયું. તેમણે પોતાની કોર્પોરેટ કારકિર્દી છોડીને પર્યાવરણના ક્ષેત્રમાં કંઈક નવું કરવાનો સંકલ્પ કર્યો.
આજે આ ક્લાઈમેટ પાર્ટી અમદાવાદ સહિત ભારતનાં અનેક શહેરોમાં નેટવર્ક ધરાવે છે, જેમાં હજારો લોકો જોડાઈને પર્યાવરણને બચાવવાના વાસ્તવિક ઉપાયો પર સાથે મળીને કામ કરી રહ્યાં છે. દેશમાં પર્યાવરણ પર કામ કરતા લોકો માટે મોટા નેટવર્કના ગેપને પૂરવા માટે ‘ધ ક્લાઈમેટ પાર્ટી’ની સ્થાપના કરાઈ હતી. આ રાજકીય પક્ષ નહીં, પણ અનોખું પ્લેટફોર્મ છે જે પર્યાવરણ પ્રેમીઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગસાહસિકો, લેખકો અને સામાન્ય લોકોને એકસાથે લાવે છે. તેમના લ્યૂમા કેલેન્ડરને વિશ્વના ટોપ-10 ક્લાઈમેટ કેલેન્ડરમાં સ્થાન મળ્યું છે, જે ભારતમાંથી એકમાત્ર છે! બર્થડે પાર્ટી છોડો, પહાડોને ઓઢાડો લીલી ચાદર
વલસાડના સ્થાનિક યુવાનોના ‘ગો ગ્રીન’ ગ્રૂપે આ પ્રેરણાદાયી પહેલ શરૂ કરી છે. આ યુવાનોએ પોતાના ખાસ દિવસોને પ્રકૃતિના નામે સમર્પિત કર્યા છે. છેલ્લાં 5 વર્ષથી, દર રવિવારે સવારે આ ટીમ વલસાડની પારનેરા હિલ પર પહોંચી જાય છે. અવિરત મહેનતનું પરિણામ એ આવ્યું છે કે, આજે પારનેરા હિલ પર વડ, પીપળો અને અર્જુન જેવાં ૩,૦૦૦થી વધુ દેશી વૃક્ષો લહેરાઈ રહ્યાં છે. ગો ગ્રીન ગ્રૂપના પ્રીતિ ભાવસારે જણાવ્યું કે, વૃક્ષારોપણ અમે પોતાના ખર્ચે કરી રહ્યાં છીએ અને અમને સંતોષ મળે છે. અમે આવનારી પેઢીઓને નિઃશુલ્ક ઓક્સિજન ભેટમાં આપવા માંગીએ છીએ. ‘GCCF’ બન્યું ક્લાઈમેટ પોલિસીનું નવું પાવરહાઉસ
ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ, યુનિસેફ અને એલિક્સિર ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી ‘ગુજરાત ક્લાઈમેટ ચેમ્પિયન્સ ફોરમ’ કાર્યરત બન્યું છે. ફાઉન્ડર પ્રેસિડેન્ટ માધીશ પરીખે જણાવ્યું કે, આ પ્લેટફોર્મ રાજ્યના બુદ્ધિશાળી અને ઉત્સાહી યુવાનો, સંસ્થા, સ્ટાર્ટઅપ અને પબ્લિક પોલિસીના સ્તરે ક્લાઈમેટ ચેન્જ માટે એક મજબૂત અવાજ અને મંચ આપે છે. લાઇફસ્ટાઇલ બદલાવ સાથે અહીં યુવા લીડર્સ તૈયાર કરવામાં આવે છે, જેઓ ભવિષ્યની પર્યાવરણીય નીતિઓ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. બસને બનાવી ‘ક્લાઈમેટ ચેન્જની પાઠશાળા’
સામાન્ય રીતે એસ.ટી. બસના ડ્રાઈવરનું કામ મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષિત પહોંચાડવાનું હોય છે, પરંતુ ખેડા ડેપોમાં ફરજ બજાવતા સમીરભાઈ દીવાને પ્રેરણાદાયી પહેલ શરૂ કરી છે. તેઓ મુસાફરોને માત્ર તેમના મુકામ સુધી જ નથી પહોંચાડતા, પરંતુ ભાવિ પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનું ભગીરથ કાર્ય પણ કરી રહ્યા છે. એસ.ટી. બસને જ ‘એસ.ટીની પાઠશાળા’ બનાવી
દીધી છે!
સમીરભાઈ પોતાની ડ્રાઈવર તરીકેની સત્તાવાર નોકરી પૂર્ણ કર્યા બાદ કોઈપણ અન્ય શિડ્યુલની બસના રૂટમાં સામેલ થઈ જાય છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓને તેઓ ક્લાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ અને પ્રદૂષણ જેવા ગંભીર મુદ્દાઓ પર ખૂબ જ સરળ ભાષામાં સમજણ આપે છે.
આ જનજાગૃતિ માટે તેઓ વર્તમાનપત્રોના મહત્ત્વના લેખો અને કોલમનો સહારો લે છે, જેથી વિદ્યાર્થીઓ વાસ્તવિક પરિસ્થિતિને સમજી શકે, તેઓ અત્યાર સુધીમાં 200થી વધુ સેમિનાર સફળતાપૂર્વક યોજી ચૂક્યા છે.
Read Original Article →