ઓક્સિજન:સેલ્ફ સ્ટાર્ટર

Magazine5/27/2026, 12:35:00 AM
‘મમ્મી કહેતી કે તારામાં અને પથરામાં શું ફેર?’ કોલેજના ત્રીજા વર્ષમાં ભણતા યુવાન ચિન્મયે, પોતાના સંશોધન બદલ મળેલા એવોર્ડને સ્વીકારતી વખતે સ્ટેજ ઉપરથી આ વાક્ય કહ્યું. માત્ર એકવીસ વર્ષની ઉંમરે તેણે એવો સેલ્ફ સ્ટાર્ટર રોબોટ બનાવ્યો હતો જે જાતે જ સેન્સ કરી ઘરમાં કચરો વાળી કાઢતો. કેટલો એક્ટિવ રોબોટ! પણ થોડાં વર્ષ પાછળ જઈએ તો આ જ ચિન્મય આળસુ હતો. ખાવું, પીવું, ટીવી જોતાં પડ્યા રહેવું એ જ એનું કામ. કોઇ સોંપે નહીં ત્યાં સુધી બીજું કોઇ કામ કરવું નહીં. પોતાને આગળ શું કરવું જોઈએ, શું નવું શીખવું જોઈએ, નવી આવડત કેળવવી જોઈએ એવા કોઈ વિચાર પણ તેને ના આવે. આવા અભિગમના કારણે ભણતરમાં, પ્રતિભા દર્શાવવામાં તે સાવ સામાન્ય કક્ષાનો હતો. જરાય એક્ટિવ નહીં! એક દિવસ એની મમ્મી બજારથી ખરીદી કરી પાછી આવી અને જોયું કે આખા ઘરમાં ધૂળ પથરાઈ ગઈ હતી. કાગળના ટુકડા, પ્લાસ્ટિકનાં ઝભલાં વગેરે કમ્પાઉન્ડમાં વિખરાયેલાં પડ્યાં હતાં. ખબર હોવા છતાં, ચિન્મય આ બધાંથી બેફિકરો થઈ ટીવી જોવામાં મશગૂલ હતો. એને સોફામાં લાંબો થઈને પડેલો જોતાં જ મમ્મી તાડૂકી, ‘ઘરમાં આટલો કચરો ફેલાયો છે અને તને સાફ કરવાની સૂઝ ના પડી?’ ચિન્મય બેજવાબદાર થઈ બોલ્યો, ‘એ મારે કરવાનું હતું? કહ્યું હોત તો કરી દે’ત.’ મમ્મીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને બોલી, ‘તારામાં અને પથરામાં શું ફેર? પથરાને કોઇ ઉપાડીને ફેંકે અથવા લાત મારે ત્યારે જ તે હલે.’ ચિન્મયના સ્વભાવના કારણે તેને માતા પાસેથી આવું ઘણી વખત સાંભળવા મળતું. સતત પથરા સાથે થતી સરખામણીથી તેનો પિત્તો ગયો અને કંઈક કરી બતાવવાનું ઝનૂન ઉપડ્યું. બહારની લાતથી નહીં પણ અંદરના આઘાતથી આખરે એક દિવસ આ પથરો હલ્યો. હૃદયમાં થયેલા એ સ્પાર્કના પરિણામે જ ચિન્મય આજે આ એવોર્ડ લેવા ઊભો હતો. છેલ્લે એટલું બોલ્યો, ‘કોઇના આદેશનો ધક્કો ખાઈને નહીં, સેલ્ફ સ્ટાર્ટર બનવાથી જ સફળતા મળશે.’
Read Original Article →