બ્લેક એન્ડ વ્હાઈટ:રાષ્ટ્રપ્રમુખોની ભેટ કે જાસૂસીની છૂપી જાળ?
બધાંએ અહીંથી ભેટરૂપે મળેલી તમામ વસ્તુઓ તથા અહીં અપાયેલાં ઓળખપત્રો અને પિન સહિતની દરેક વસ્તુઓ પ્લેનમાં પ્રવેશતાં પહેલાં એની પાસે જ રાખેલી કચરાપેટીમાં ફેંકી દેવાનાં છે. તમારા મોબાઈલફોન પણ સાથે લેવાના નથી. એ અમને આપી દેજો. અમે એનો નાશ કરીને એને પણ ફેંકી દઈશું.’ તમે પ્લેનમાં પ્રવેશવાના હો એ અગાઉ તમને આવી સૂચના અપાય તો?
બસ, આવું જ કૈંક થોડા દિવસો અગાઉ ચીનના બીજિંગ શહેરના એરપોર્ટમાં બન્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના પ્રતિનિધિમંડળને (જેમાં અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન ‘વ્હાઇટ હાઉસ’ના કર્મચારીઓ, પત્રકારો, અમેરિકાના ઉદ્યોગજગતના માંધાતાઓ પણ સામેલ હતા) ચીનની મુલાકાત પછી અમેરિકા પાછાં ફરતી વખતે ચીની યજમાનો દ્વારા આપવામાં આવેલી તમામ ભેટો, સ્મૃતિચિહ્નો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની તમામ વસ્તુઓને અમેરિકન પ્રમુખના સત્તાવાર પ્લેન ‘એર ફોર્સ વન’માં ચડતાં પહેલાં જ ચીનના એરપોર્ટ પર કચરાપેટીમાં ફેંકી દેવાનો આદેશ અપાયો હતો. ખુદ ટ્રમ્પે પણ તેમને મળેલી ભેટ સહિતની તમામ ચાઇનીઝ વસ્તુઓ કચરાપેટીમાં ફેંકી દીધી હતી.
એ સમાચાર જગતભરના મીડિયામા ફેલાયા. બીજિંગમાં અમેરિકી પ્રતિનિધિમંડળ દ્વારા આવું પગલું નવીનવાઈનું નથી. ચીન દ્વારા સંભવિત સાયબર જાસૂસી અને ટ્રેકિંગથી બચવા માટે એ સાવચેતી જરૂરી હતી.
અમેરિકાને લાંબા સમયથી શંકા છે (આમ તો ખાતરી જ છે!) કે ચીન દ્વારા ભેટ અપાતી વસ્તુઓમાં જાસૂસીનાં સાધનો હોઈ શકે છે. એટલે જ ટ્રમ્પ સાથેના પ્રતિનિધિમંડળમાં ગયેલી તમામ વ્યક્તિએ પર્સનલ મોબાઇલફોન કે લેપટોપ ચીન લઈ જવાના બદલે માત્ર ‘યૂઝ એન્ડ થ્રો’ એવા ‘બર્નર ફોન’નો ઉપયોગ કર્યો હતો અને એ ફોનનો નાશ કરીને પેલી કચરાપેટીમાં ફેંકી દેવાયા હતા.
અમેરિકા કે દુનિયાના અન્ય દેશોએ આવી સાવચેતી રાખવી પડે છે એનું કારણ ચીનની મેલી મથરાવટી છે. રાજદ્વારીઓને અપાતી ભેટોમાં જાસૂસી ઉપકરણો છુપાવવાનાં કરતૂતો ચીન કરતું રહે છે અને અનેક વાર તે આવાં કારસ્તાન કરતા ઝડપાઈ પણ ગયું છે. 2023માં તો બીજિંગમાં બ્રિટિશ એમ્બેસીના એક ઉચ્ચ અધિકારીને આપવામાં આવેલી ટીપોટમાં હિયરિંગ ડિવાઇસ મળી આવ્યું હતું!
બ્રિટિશ સિવિલ સર્વિસના તે અધિકારી બ્રિટિશ એમ્બેસીમાં ફરજ બજાવ્યા પછી પાછા લંડન જવા રવાના થયા એ વખતે ફેરવેલ ગિફ્ટ તરીકે ચીની અધિકારીઓએ તેમને ચાની કીટલી આપી હતી. બ્રિટિશ અધિકારી એ કીટલી પોતાની સાથે લઈ ગયા એ પછી એક વાર એ કીટલી જમીન પર પડીને તૂટી ગઈ. એ વખતે એમાંથી હિયરિંગ ડિવાઇસ મળી આવ્યું હતું.
આવું ઈઝરાયેલ સાથે પણ બન્યું છે. 12 એપ્રિલ, 2022ના દિવસે ‘ટાઇમ્સ ઓફ ઈઝરાયેલ’માં એ સમાચાર છપાયા હતા. ઈઝરાયેલસ્થિત ચાઇનીઝ એમ્બેસીમાં ફરજ બજાવતા ખેપાની ચીની અધિકારીઓએ ઇઝરાયેલની અલગ-અલગ મિનિસ્ટ્રીમાં ટ્રાવેલ મગ ભેટ તરીકે આપ્યા હતા. એ રીતે ઈઝરાયેલના ઇનોવેશન, સાયન્સ અને ટેક્નોલોજી મિનિસ્ટર ઓરીટ ફારકાશ હાકોહેનને પણ ટ્રાવેલ મગ ભેટ આપ્યા હતા.
ઈઝરાયેલના અધિકારીઓ એકદમ એલર્ટ હોય છે એટલે તેઓ ચીન તરફથી (કે બીજા કોઈ પણ ખેપાની દેશ તરફથી) કશી પણ ભેટ મળે તો એની તળિયાઝાટક ચકાસણી કરી લે છે. એવી રીતે રૂટિન સિક્યુરિટી ચેક દરમિયાન ચાઇનીઝ એમ્બેસીએ આપેલા એક મગમાંથી સ્પાઈંગ ડિવાઇસ મળી આવ્યું હતું! ચાઇનીઝ એમ્બેસીએ ઇઝરાયેલના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર મેરેવ મિકાઈલીની ઓફિસમાં પણ આવા મગ મોકલાવ્યા હતા!
ચીન અને અમેરિકા એકબીજાનું માથું ભાંગે એવા છે. સૌરાષ્ટ્રમાં બે એકસરખા ખેપાનીઓ માટે એક કહેવત છે એને આ સંદર્ભમાં અત્યંત સૌમ્ય ભાષામાં કહેવી હોય તો આ રીતે કહી શકાય: શ્વાન અને ગર્દભે એકમેકના અધરોનું પાન કર્યું! આવું એટલા માટે કહેવું પડે કે ચીનના પ્રવાસ પહેલાં ટ્રમ્પે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતી વખતે સ્વીકાર્યું હતું કે ‘અમેરિકા અને ચીન બંને એકબીજા પર જાસૂસી કરે છે!’
કોઈ પણ દેશના વડા પ્રતિસ્પર્ધી દેશોના પ્રવાસે જાય એ દરમિયાન તેમને મળતી પેન, ઘડિયાળ કે અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી માંડીને શો-પીસ, કે ડેકોરેટિવ આઇટમ્સની તલસ્પર્શી તપાસ કરાય છે, કારણ કે એવી ભેટોમાં ગુપ્ત રીતે માઇક્રોફોન, ટ્રેકિંગ ચિપ્સ અથવા જાસૂસી ઉપકરણો મુકાયાં હોવાની શક્યતા રહે છે. એમાંય ચીન અને રશિયા જેવા દેશોમાંથી મળતી ભેટો માટે તો અન્ય દેશોની એજન્સીઝ ખૂબ જ એલર્ટ રહે છે.
કેટલાક દેશોના વડાઓ તો બીજા દેશમાં જાય (ભલે ને પછી એ દુશ્મન નહીં, પણ મિત્ર રાષ્ટ્ર હોય) ત્યારે ત્યાંથી ભેટરૂપે મળતી કશી વસ્તુ સાથે તો નથી લઈ જતા, પણ પોતાની કોઈ વસ્તુ મૂકી પણ નથી જતા! રશિયાના વડા વ્લાદિમીર પુતિન તો વિદેશ પ્રવાસે જાય ત્યારે પૉર્ટેબલ ટોઇલેટ સાથે લઈ જાય છે. રશિયાની ફેડરલ પ્રોટેક્શન સર્વિસનો એક સ્પેશિયલ ઑફિસર તેમની સાથે હોય છે.
પુતિન લઘુશંકા કે ગુરુશંકા કરે એ પછી તે ઑફિસર તેમનાં મળ-મૂત્રને ખાસ પ્રકારની બેગમાં સીલ કરી લે છે. ‘પૂપ સુટકેસ’ તરીકે ઓળખાતી ખાસ બેગમાં ભરીને મોસ્કો લઈ જવાની ફરજ તેણે નિભાવવાની હોય છે. સીઆઈએ કે મોસાદ જેવી વિદેશી જાસૂસી સંસ્થાઓ પુતિનના સ્વાસ્થ્યની ગુપ્ત માહિતી મેળવી ન શકે એ માટે આ તકેદારી લેવાય છે.
આ દાવો ફ્રેન્ચ મેગેઝિન ‘પેરિસ મેચ’ દ્વારા કરાયો હતો. અને દુનિયાના અનેક સુરક્ષા વિશ્લેષકોએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. આવી તકેદારીનું કારણ વિદેશી જાસૂસી સંસ્થાઓ પુતિનની તબિયત, તેમના ડીએનએ અથવા તેમને થયેલી સંભવિત બીમારીઓ વિશે માહિતી મેળવી ન શકે એ છે. આધુનિક લેબોરેટરીઝ વ્યક્તિના મળમાંથી પણ હોર્મોનલ સમસ્યાઓ, દવાઓનો ઉપયોગ, કેન્સરનાં લક્ષણો સહિત આરોગ્ય સંબંધિત અનેક પ્રકારની માહિતી મેળવી શકે છે. અને આજના સમયમાં દુશ્મન (કે મિત્ર રાષ્ટ્રો માટે પણ!) જાસૂસી સંસ્થાઓ માટે આવી માહિતી અત્યંત મહત્ત્વની ગણાય છે.
દુનિયાનાં જુદાં જુદાં રાષ્ટ્રોના વડાઓના વિદેશપ્રવાસ દરમિયાન એવું તો ઘણું બનતું રહે છે જે કોઈ જાસૂસી નવલકથા કે હોલિવૂડની ફિલ્મના સીનને પણ ઝાંખા પાડી દે! એ વિષે ફરી ક્યારેક વાત કરીશું.
Read Original Article →