મનદુરસ્તી:શું બાળકોને પણ O.C.D. થાય?
‘ડૉક્ટર, અમારી દીકરી દૃષ્ટિ બાર વર્ષની છે. છેલ્લા એકાદ મહિનાથી એના વર્તનમાં કંઈક વિચિત્રતાઓ અમે જોઈ રહ્યાં છીએ. એને જાણે સ્વચ્છતાનું ભૂત વળગ્યું હોય એવું કરે છે. એ સતત હાથ ધોયા કરે છે. ઘરની બહાર નીકળે તો એ કોઈ જગ્યાએ બને તો અડતી નથી. અને ભૂલથી અડે તો તરત જ સેનિટાઈઝર વાપરે અને હાથ ચોખ્ખા કરી દે. કારનો દરવાજો બહારથી ખોલવાનો હોય તો પણ અમારે ખોલી આપવાનો. એના કપડાં વોશિંગ મશીનમાં ધોવાય ત્યારે એ ત્યાં ઊભી રહે અને જુએ કે એના કપડાં વખતે એન્ટીસેપ્ટિક લિક્વિડ અંદર નાખ્યું કે નહીં.’
‘ભણવામાં આમ તો ખૂબ હોશિયાર છે પણ હમણાંથી રિઝલ્ટ સાવ નીચું જતું રહ્યું છે. હોમવર્ક તો પૂરું થતું જ નથી. એની બીજી બે બેસ્ટ ફ્રેન્ડ્ઝ છે જેને રોજ મળ્યા વગર એ રહેતી નહોતી, એને છેલ્લા બે મહિનાથી સાવ મળી નથી. અને હા, એને જમવાનું પણ એકદમ ગરમ જ જોઈએ. સહેજ પણ ઠંડું પડે તો ફરી ગરમ કરાવે અને એવું માને કે, ઠંડા ખોરાકમાં બેક્ટેરિયા વધી જાય. ટૂંકમાં એને દરેક બાજુથી ચેપ લાગવાનો ભય રહે છે. પોતાની જાતને સંપૂર્ણપણે ડિસ-ઈન્ફેક્ટેડ રાખવાનો પ્રયત્ન કરે છે.’ શ્રેયાબહેન પોતે પણ થોડા ગભરાયેલાં હતાં.
દૃષ્ટિનું ચિકિત્સાત્મક પરીક્ષણ થયું. એ સ્પષ્ટ હતું કે એને ‘ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર’ (OCD) જ હતો. આ OCD મોટી ઉંમરે જ થાય એવું નથી. આંકડાઓ સૂચવે છે કે, કુલ દર્દીઓના 25% દર્દીઓમાં આ વિકૃતિની શરૂઆત 14 વર્ષ સુધીમાં તો થઈ ચૂકી હોય છે. કોઈ એવો આઘાતજનક બનાવ બને અને/અથવા વારસાગત કારણો હોય ત્યારે આવા ‘ઘૂસણખોરી કરતા વિચારો’ અને ‘પુનરાવર્તિત વર્તન’ સ્પષ્ટપણે બાળવયમાં O.C.D. સૂચવે છે. કેટલાંક બાળકો જે આંતરિક ભય અને ચિંતા હોય છે એના પ્રતિભાવ સ્વરૂપે અમુક ક્રિયાઓ વારંવાર કરવી પડશે એવું માની લે છે. જેમ કે, કારમાં બેસતાં પહેલાં અટકવું, કપડાં પસંદ કરતા ખૂબ વાર લાગવી, સ્કૂલે કે બીજે ક્યાંક બહાર જતાં પહેલાં અમુક ક્રિયાઓ અમુક ચોક્કસ આંકડામાં અનિવાર્યપણે કરવી પડે પછી જ નીકળી શકાય એવા વિચારો દૃઢ થઈ જવા વગેરે મહત્ત્વનાં લક્ષણો છે. દૃષ્ટિને એવું લાગતું હતું કે, એ પચીસ વખત ભગવાનનું નામ નહીં લે તો કંઈક ખરાબ થઈ જશે એટલે એ કોઈપણ કામ સમયસર પૂરું કરી શકતી નહોતી. સતત તાણ અને ચિંતા એના મોં પર દેખાયાં કરે. એને અજાણ્યો ભય લાગ્યા કરતો. એની હિસ્ટ્રીમાં એક વાત મહત્ત્વની હતી કે એ ચાર-પાંચ વર્ષની ઉંમર સુધી રાત્રે પથારીમાં પેશાબ કરી જતી હતી.
સાયકોથેરાપી દરમિયાન જાણવા મળ્યું કે દૃષ્ટિ પાસે હાલમાં મોબાઈલ નહોતો. એનાં મમ્મી-પપ્પાએ પહેલાં આપેલો મોબાઈલ પાછો લઈ લીધો હતો. એનું કારણ પૂછતાં એવું જાણવા મળ્યું હતું કે પાંચમા ધોરણમાં હતી ત્યારે એક વખત ઘરનાં બધાં લોકો સાથે એ ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એવામાં એક બહેનપણીએ મોબાઈલ પર કોઈક મેસેજ મોકલ્યો. દૃષ્ટિએ તરત જ એ મેસેજ જોયો. એ પોર્ન વિડિયો હતો. એના ક્ષોભજનક અવાજથી એનાં મમ્મી-પપ્પા ચોંકી ગયાં. ખૂબ ગુસ્સે થઈને એ જ વખતે એનો મોબાઈલ પાછો લઈ લીધો. દૃષ્ટિ કંઈ સમજે એ પહેલાં ઘરનાં બધાં એની પર ગુસ્સો કરવા લાગ્યા. એને ખૂબ આઘાત લાગ્યો.
ત્યાર પછી એના વર્તનમાં નકારાત્મક ફેરફારો આવવા લાગ્યા. એ વખતે તો થોડા દિવસ રડી પછી ઉપરછલ્લી રીતે બધું ભૂલી ગઈ. પણ ત્રણ-ચાર મહિના પહેલાં એને ફરીથી ચિંતાજનક વિચારો આવવા લાગ્યા. એને અપરાધની ભાવના ઘેરી વળી. ‘મારાથી મોટું પાપ થઈ ગયું છે. હું ગંદી છું. મારે સ્વચ્છ હોવું જરૂરી છે. મારી આસપાસ ગંદકી કે ખરાબ બાબતોને મારે દૂર રાખવી જોઈએ. જો ગંદકી કે ચેપ લાગશે તો મને કે મારાં મમ્મી-પપ્પાને કંઈક થઈ જશે તો?’ આવા પુનરાવર્તિત વિચારો આવવા લાગ્યા.
પોતાની જાતને પાપ, ગંદકી કે ગુનાથી બચાવવા એ પાંચ, દસ કે પચીસ વખત ભગવાનનું નામ લેતી થઈ ગઈ. એટલે એને દરેક કામ પૂરું કરવામાં વાર લાગતી. આવી માનસિક જાળમાં ફસાયેલી દૃષ્ટિની સારવારમાં ઈ.આર.પી. સાયકોથેરાપી અને પરિવારના કાઉન્સેલિંગનો સફળતાપૂર્વક ઉપયોગ થયો. વિનિંગ સ્ટ્રોક
બાળકના કુતૂહલને સ્વસ્થ પ્રતિસાદ આપવો એ બાળ-ઉછેરનું મહત્ત્વનું પાસું છે. કુતૂહલને કચડવું નહીં પણ સ્વસ્થ રીતે કેળવવું એ ‘પોઝિટિવ પેરેન્ટિંગ’ની નિશાની છે.
Read Original Article →