મનદુરસ્તી:બાળકમાં નૈતિક મૂલ્યો સિંચવાનું મૂલ્ય કેટલું?
‘ડૉક્ટર, અમારી સાશા સાતમા સ્ટાન્ડર્ડમાં છે. હમણાં એક વિચિત્ર ઘટના બની, જેનાથી મને લાગ્યું કે મારે એના માટે તમારો સંપર્ક કરવો જરૂરી છે.’ શ્રદ્ધાબહેને વાત શરૂ કરી.
‘એક વખત એની સ્કૂલમાં એની ફ્રેન્ડને અચાનક ખેંચ આવી અને ત્યાં જ પડી ગઈ. બાજુમાં ઊભેલી સાશા એના પર હસી અને હેલ્પ કર્યા વગર પોતાનો લંચબોક્સનો નાસ્તો ખાતી રહી. એટલું જ નહીં, એ બસમાંથી ઊતરે છે ત્યાં બ્લાઇન્ડ (પ્રજ્ઞાચક્ષુ) લોકોનું આવન-જાવન ખૂબ હોય છે. મોટાભાગના બીજા સ્ટુડન્ટ્સ એમને રસ્તો ક્રોસ કરવામાં હેલ્પ કરે છે, પણ સાશાને દયાનો છાંટો જ ન હોય તેમ ઈગ્નોર કરે અને ઝડપથી મારી કારમાં ઘરે વહેલા આવવા ગોઠવાઈ જાય; કારણ કે એને મોબાઈલમાં સોશિયલ મીડિયા ઉપર કંઈક ને કંઈક કરવું જ હોય. ટીવી અને મોબાઈલમાં પણ હંમેશાં વાયોલન્ટ વેબ-સિરીઝ જોયા કરે. મને ખૂબ ચિંતા થાય છે કે આ છોકરી જો અત્યારે આવું રૂક્ષ વર્તન કરે છે, તો મોટી થઈને તો કેવી સેલ્ફિશ અને સ્વચ્છંદી બની જશે? શું કરવું એના માટે...?’ શ્રદ્ધાબહેને વાત પૂરી કરી.
શ્રદ્ધાબહેનની ચિંતા વાજબી છે. એમની ફેમિલી હિસ્ટ્રી પણ ખૂબ મહત્ત્વની હતી. શ્રદ્ધાબહેનની પોતાની પણ ડિપ્રેશનની સારવાર ચાલુ હતી. હસબન્ડ ચિંતનભાઈ સાથે હંમેશાં તકરાર રહ્યા કરે. ચિંતનભાઈની પોતાની ફેમિલી બિઝનેસ ફર્મ હતી. ઘણી જ બિઝી લાઈફને લીધે ઘરમાં પૂરતું ધ્યાન ન આપી શકે, એટલે શ્રદ્ધાબહેનને આમ તો ફરિયાદો હતી જ. પણ, એકલે હાથે દીકરીને હંમેશાં ટેકલ કરવાની આવે તેનો પણ હવે તો થાક લાગતો હતો. એ એકલતાનો થાક ગુસ્સામાં અને ચીડિયાપણામાં પરિવર્તિત થઈને દીકરી પર ઊતરી જતો. ક્યારેક કારણ વગર એને પુષ્કળ વહાલથી તરબતર કરી દે, તો ક્યારેક નાની વાતમાં પોતાનો મૂડ સ્વીંગ થાય તો સાશા પર ગુસ્સાથી તૂટી પડે. ઇન, મીન અને તીનના આ પરિવારમાં નાનકડી સાશા પ્રેમ અને હૂંફ માટે જાય તો પણ ક્યાં જાય! એટલે મોબાઈલ અને ટીવી જોવામાં સમય પસાર કર્યા કરે. પોતાની દમિત ઈચ્છાઓને સ્ક્રીનના માધ્યમથી પરોક્ષ રીતે પૂરી કરવા નિષ્ફળ પ્રયાસો કર્યા કરે.
ધીમે ધીમે એનામાં લાગણીશીલતા અને કરુણા ઓછા થવા લાગ્યા. સ્વકેન્દ્રી થઈ ગયેલી સાશાને હવે વાયોલન્સમાં પણ મજા પડવા લાગી અને સ્કૂલમાં એના જેવા જ ‘જડ’ મિત્રો શોધવા લાગી. શ્રદ્ધાબહેન જોકે સવેળાએ જાગ્યા હતા. શ્રદ્ધાબહેનને કેટલીક પેરન્ટિંગ ટિપ્સ અપાઈ.
બાળકમાં કરુણા અને માનવતાના ગુણોના વિકાસમાં માતા-પિતા સૌથી મોટા રોલ-મોડલ બની શકે છે. પહેલાં પોતે ‘વાતોમાં નહીં પણ વર્તનમાં’ પ્રેમ અને કરુણા બતાવતા થાય તે જરૂરી હતું. બાળકોને પોતાનાથી આર્થિક રીતે નબળા કે અશક્ત લોકો વિશે ચર્ચા કરવામાં સામેલ કરવા જોઈએ. એમને કેમ મદદ કરવી જોઈએ અને કેવી રીતે એ લોકો સુધી પહોંચી શકાય જેવી વાતો ઘરમાં થયા કરવી જોઈએ. બાળકોને એમના પોતાના મંતવ્યો આપવાની છૂટ હોવી જોઈએ. સાવ અસંગત કે બિનજરૂરી દલીલો સામે સમજાવટથી અને ઉદાહરણ આપીને ધીરજપૂર્વક પ્રેક્ટિકલ રસ્તાઓ અપનાવવાથી બાળક વધુ ઝડપથી પોઝિટિવિટી શીખે છે.
પોતાની બર્થ-ડે કે મમ્મી-પપ્પાની એનિવર્સરી જેવા દિવસે જરૂરિયાતમંદોને કંઈક મદદ આપવાની ટેવ વિકસાવવી ઉપયોગી થઈ પડે છે. જો માતા-પિતા આવું હેલ્પિંગ બિહેવિયર કરતા હશે તો સંતાનને તેની અપરોક્ષ ટ્રેનિંગ મળતી રહેશે.
વાયોલન્ટ મોબાઈલ ગેમ્સથી એમને ફની અને લોજિકલ ગેમ્સ તરફ વાળી શકાય છે. એમાં માતા-પિતાની સક્રિય સામેલગીરી અનિવાર્ય છે. આઉટડોર ગેમ્સ રમવાથી કોન્સન્ટ્રેશન અને ટીમ-સ્પિરિટ વધે છે. એક બેઝિક અને જરૂરી સોશિયલ લર્નિંગ થાય છે.
ઘણી વખત ડૉગ જેવા કોઈ પાલતુ પ્રાણી પ્રત્યેનો લગાવ પણ અન-કન્ડિશનલ પ્રેમ અને કરુણા ઊભા કરી શકે છે.
સાશાને કાઉન્સેલિંગ સિટિંગ્સ આપવામાં આવ્યાં. એની મમ્મીને પણ સાયકોથેરાપી જરૂરી હતી. બંને સાથે પપ્પાને પણ પોતાની ભૂમિકા વધારે સમજવાની જરૂર હતી. આમ થવાથી સમગ્ર પરિવારનો અજંપો શાંત થયો. વિનિંગ સ્ટ્રોક
ઉછેર દરમિયાન જે નૈતિક મૂલ્યોને પોષણ આપો, તે ભવિષ્યમાં સંતાનોનાં અચેતન માનસમાં સંસ્કાર તરીકે દૃઢ થાય છે.
Read Original Article →