સાયબર સિક્યુરિટી:ચારધામ યાત્રાના નામે સાયબર ફ્રોડ શરૂ

Magazine4/29/2026, 12:50:00 AM
સાયબર સિક્યુરિટી:ચારધામ યાત્રાના નામે સાયબર ફ્રોડ શરૂ
કેવલ ઉમરેટિયા ગયા અઠવાડિયે કેદારનાથના કપાટ ખુલતાંની સાથે જ ચારધામ યાત્રાની પણ શરૂઆત થઇ ગઇ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ કેદરનાથ-બદ્રીનાથ જવાની તૈયારી કરતા હશે. જોકે, આ પવિત્ર ગણાતી આધ્યાત્મિક યાત્રા પર એક ડિજિટલ ગ્રહણ લાગ્યું છે. એનું નામ છે સાયબર ફ્રોડ. હેલિકોપ્ટર ફ્રોડ: કેવી રીતે બિછાવવામાં આવે છે આ આખી જાળ? ચારધામ યાત્રાનો પ્રવાસ સહેલો નથી. કેદારનાથ સુધીનો પ્રવાસ થોડો કઠિન હોય છે, તેથી ઘણા શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટરનો વિકલ્પ પસંદ કરે છે. બસ, આ જ જરૂરિયાતને સાયબર ગુનેગારોએ પોતાનું હથિયાર બનાવી લીધું છે. સ્ટેપ 1: સોશિયલ મીડિયાની લોભામણી જાહેરાતો સાયબર ગઠિયાઓનું પહેલું પગલું છે શિકારની શોધ. આ માટે તેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આકર્ષક જાહેરાતો ચલાવે છે. આ જાહેરાતોમાં ‘VIP દર્શન’, ‘સસ્તી હેલિકોપ્ટર ટિકિટ’ કે ‘તત્કાલ બુકિંગ’ જેવા શબ્દો લખીને શ્રદ્ધાળુઓને લલચાવવામાં આવે છે. સ્ટેપ 2: ખોટી ઉતાવળ અને નકલી પહોંચ જ્યારે કોઈ શ્રદ્ધાળુ જાહેરાત પર ક્લિક કરે છે, ત્યારે સીધો સંપર્ક વોટ્સએપ પર થાય છે. ત્યાં બેઠેલો એજન્ટ ખૂબ જ પ્રોફેશનલ ભાષામાં વાત કરે છે. ‘સીટો ફુલ થઈ રહી છે’ એવો ડર બતાવીને તરત જ એડવાન્સ પેમેન્ટ કરવાનું કહે છે. પૈસા મળતાંની સાથે જ તમને PDF ફોર્મેટમાં એકદમ અસલી જેવી દેખાતી પહોંચ મોકલી દેવામાં આવે છે, જેમાં સરકારી લોગોથી લઈને બારકોડ સુધી બધું જ એકદમ અસલી લાગે છે. સ્ટેપ 3: હકીકતનો સામનો અને આઘાત ટિકિટ મળ્યા પછી શ્રદ્ધાળુઓ રાજીખુશીથી ફાટા, સિરસી કે ગુપ્તકાશી હેલિપેડ પર પહોંચે છે. પરંતુ જ્યારે તેઓ કાઉન્ટર પર પોતાની PDF પહોંચ બતાવે છે, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે. ત્યાંથી તેમને જણાવવામાં આવે છે કે આ ટિકિટ ખોટી છે અને તમારી સાથે કોઇએ ફ્રોડ કર્યું છે. ત્યાં સુધીમાં પેલા નકલી એજન્ટનો ફોન નંબર સ્વિચ ઓફ થઈ ચૂક્યો હોય છે. કોઇ પણ રીતે તેનો સંપર્ક નહીં થાય. સ્ટેપ 4: પૈસાને ગાયબ કરી દેવા આ ગઠિયાઓ એટલા શાતિર હોય છે કે જ્યાં સુધી શ્રદ્ધાળુઓ પોલીસ સુધી પહોંચે, ત્યાં સુધીમાં તેઓ પૈસા બિહાર કે ઝારખંડના કોઈ દૂર-દૂરના એટીએમમાંથી ઉપાડી ચૂક્યા હોય છે. પૈસા એટલી ઝડપથી અલગ-અલગ ખાતાંઓમાં ફેરવવામાં આવે છે કે તેને પાછાં લાવવા મુશ્કેલ બની જાય છે. માત્ર હેલિકોપ્ટર ફ્રોડ જ નથી બીજા પણ છે ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓ સાથે માત્ર હેલિકોપ્ટર ફ્રોડ જ નથી થતું, પણ બીજાં અનેક ફ્રોડ થાય છે. ગઠિયાઓ અનેક રીતે શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે. બોગસ હોટેલ અને પેકેજ બુકિંગ: સસ્તા ભાવે ચારધામ પેકેજ અને હોટેલ બુક કરવાની લાલચ આપીને એડવાન્સ લેવું અને પછી ગાયબ થઈ જવું. પવન હંસ (Pawan Hans) જેવી અસલી કંપનીઓને મળતી આવતી નકલી વેબસાઈટ બનાવીને પણ છેતરપિંડી થઈ રહી છે. દર્શન અને રજિસ્ટ્રેશન ફ્રોડ: સરકારી રજિસ્ટ્રેશન બિલકુલ મફત છે, પરંતુ ઘણા ગઠિયાઓ વીઆઈપી દર્શન અને ફાસ્ટ રજિસ્ટ્રેશનના નામે પણ પૈસા ખંખેરે છે. આ બધાથી કેવી રીતે બચવું? યાદ રાખો, કેદારનાથ હેલિકોપ્ટરનું બુકિંગ માત્ર અને માત્ર IRCTCની સત્તાવાર વેબસાઈટ (heliyatra.irctc.co.in) દ્વારા જ કરવામાં આવે છે. આ સિવાય કોઈપણ પ્રાઇવેટ એજન્ટ, થર્ડ-પાર્ટી વેબસાઈટ કે વોટ્સએપ નંબર પરથી ટિકિટ મળતી નથી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ગૂગલ પર દેખાતી કોઈપણ અજાણી જાહેરાત પર ભરોસો ન કરો. કોઈપણ અસલી કંપની તમને કોઈના અંગત UPI, ગૂગલ પે કે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું નથી કહેતી. જો દુર્ભાગ્યવશ તમારી સાથે આવું કંઈક થાય, તો તરત જ સાયબર હેલ્પલાઈન 1930 પર કૉલ કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.
Read Original Article →