બ્લેક એન્ડ વ્હાઈટ:માતૃત્વની કિંમત નોકરીરૂપે ચૂકવવાની?
થોડા દિવસો અગાઉ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક ડૉક્ટર યુવતીની મેટરનિટી લીવને મુદ્દે અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો. જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ રાજ વાકોડેની બેન્ચે તે યુવતીની રીટ પિટિશનના અનુસંધાનમાં ચુકાદો આપતા કહ્યું હતું કે ‘માતા બનવું એ કોઈપણ મહિલાનો મૂળભૂત અધિકાર છે અને કોઈપણ સેવાનિયમ એ અધિકાર પર પ્રતિબંધ લગાવી શકે નહીં. કોઈપણ સેવાનિયમ કે કોઈપણ પ્રકારનો કોન્ટ્રેક્ટ કોઈ મહિલાને પ્રસૂતિ માટે રજા લેતા અટકાવી શકે નહીં.’
એ સાથે જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા તે ડૉક્ટર યુવતીને ફટકારવામાં આવેલો આર્થિક દંડ પણ બોમ્બે હાઈકોર્ટે રદ કર્યો હતો અને તે મહિલાને અન્યાયને મુદ્દે મહારાષ્ટ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓની સંવેદનહીનતાની ઝાટકણી કાઢી હતી.
બોમ્બે હાઇકોર્ટનો આ ચુકાદો આવકાર્ય છે. મેટરનિટી લીવ અને મહિલાઓના કામ કરવાના અધિકાર પ્રત્યે બોમ્બે હાઈકોર્ટનો સ્પષ્ટ અને સંવેદનશીલ અભિગમ ભવિષ્યમાં આ પ્રકારના અન્ય કેસોમાં પણ માર્ગદર્શક બનશે, કેમ કે આપણા દેશમાં ઘણી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન હેરાન કરાય એવા ઘણા કિસ્સાઓ બનતા રહે છે. એ વિષે વાત કરતાં પહેલાં ઉપરોક્ત કિસ્સા વિષે થોડી વાત કરી લઈએ.
તમિળનાડુના વતની ડૉક્ટર મીનાક્ષી મુથૈયાએ તમિળનાડુમાં બેચલર ઑફ ડેન્ટલ સર્જરીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નાગપુરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજમાં માસ્ટર ઑફ ડેન્ટલ સર્જરી (એમડીએસ)ની ડિગ્રી મેળવવા માટે એડમિશન મેળવ્યું હતું. એમડીએસનો અભ્યાસ પૂરો કર્યા પછી કાનૂની રીતે બંધનકર્તા બોન્ડ અનુસાર તેમણે નાગપુરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 13 ડિસેમ્બર, 2023થી 12 ડિસેમ્બર, 2024 દરમિયાન એક વર્ષ માટે ફરજ બજાવવાનું સ્વીકાર્યું હતું.
જોકે, એ સમય દરમિયાન તે ગર્ભવતી થયાં હતાં એટલે તેમણે 1 મે, 2024થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી મેટરનિટી લીવ લીધી હતી. બાળકના જન્મના થોડા સમય પછી ડૉક્ટર મીનાક્ષી ફરજ પર હાજર થયાં હતાં, પરંતુ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ બોર્ડે તેમને કહ્યું હતું કે ‘આ એક વર્ષનો કરાર ફરજિયાત ગણાય અને એમાં મેટરનિટી લીવની કોઈ જોગવાઈ નથી એટલે આ સમયગાળાને તમારી સાથેના કરારના સમયના ભાગરૂપે ગણી ન શકાય.’ એ સાથે ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ દ્વારા ડૉક્ટર મીનાક્ષીને 23 લાખ, અઠ્ઠાવન હજાર, 403 રૂપિયાનો દંડ ચૂકવવાનો આદેશ પણ અપાયો હતો!
ડૉક્ટર મીનાક્ષીએ હાઈકોર્ટમાં એ આદેશને પડકારતાં અરજી દાખલ કરી હતી. એ વિષે ચુકાદો આપતા બોમ્બે હાઈકોર્ટની બેન્ચે કહ્યું હતું કે ‘મેટરનિટી લીવને સર્વિસમાં વિરામ ગણી શકાય નહીં. કોઈ બોન્ડ કે કરાર આ અધિકારમાં દખલ કરી શકે નહીં. આવો દંડ કરવો એ મેટરનિટી લીવ બેનિફિટના કાયદાનું ઉલ્લંઘન ગણાશે. ડૉક્ટર મીનાક્ષીને કરાયેલો દંડ અમે રદ કરીએ છીએ અને તેમણે કદાચ એ દંડની રકમ જમા કરાવી હોય તો ચાર મહિનામાં એ રકમ સરકારે પાછી ચૂકવી આપવી પડશે. ડૉક્ટર મીનાક્ષીને ફરી ફરજ પર હાજર થવા માટે સરકારે મંજૂરી આપવી પડશે અથવા તો તેમણે બોન્ડનો સમય પૂરો કર્યો છે એવું પ્રમાણપત્ર સરકારે આપવું પડશે.’
આ અગાઉ ડિસેમ્બર, 2025માં આ પ્રકારની જ એક આઘાતજનક ઘટના દિલ્હીમાં બની હતી. એ કિસ્સામાં એક યુવતીએ મેટરનિટી લીવ લીધી હતી. તે બાળકને જન્મ આપ્યા પછી નોકરી પર પાછી ફરી ત્યારે તે જ્યાં નોકરી કરતી હતી એ મલ્ટિનેશનલ કંપનીની એચ.આર. એક્ઝિક્યુટિવ સુપ્રિયા અને કંપનીના ડિરેકટર રાજ કન્નને તેને કેબિનમાં બોલાવીને કહ્યું કે ‘તારે અત્યારે જ રાજીનામું આપી દેવું પડશે. આ કંપનીનો નિર્ણય છે.’
તે યુવતી રડી પડી અને તેણે હાથ જોડીને વિનંતી કરી કે ‘મારા પતિને કેન્સરની બીમારી થઈ છે. તે મૃત્યુ સામે ઝઝૂમી રહ્યા છે અને મારી નોકરી જ મારા કુટુંબ માટે એકમાત્ર આવકનો આધાર છે.’
તે યુવતીએ આજીજી કરી છતાં કંપનીએ નિર્ણય બદલ્યો નહીં. તે યુવતીએ રાજીનામું ન આપ્યું. એટલે ચાર દિવસમાં જ કંપની દ્વારા તે યુવતીનું લેપટોપ લોક કરીને તેનું ઓફિશ્યિલ ઈમેલ આઈડી બંધ કરી દેવાયું અને તેને કોઈપણ નોટિસ પિરિયડ આપ્યા વિના જ નોકરીમાંથી કાઢી મુકાઈ!
આવા કિસ્સાઓમાં કોઈ કંપનીના ઉચ્ચ અધિકારીઓ કાનૂની અને નૈતિક એમ બંને રીતે ખોટા ગણાય. આપણા દેશમાં સત્તાસ્થાને બેઠેલા ઘણા પુરુષોને સ્ત્રીઓ પ્રત્યે અકારણ પૂર્વગ્રહ હોય છે એ ઓપન સિક્રેટ છે.
દિલ્હીની યુવતીને મેટરનિટી લીવને કારણે નોકરીમાંથી કાઢી મૂકવાની ઘટના બની એ પછી ફોરમ ઑફ આઈટી એમ્પ્લોયઝ દ્વારા સોશિયલ મીડિયા પર આ મામલો લોકોની સામે મુકાયો હતો. અને એ ફોરમે રાષ્ટ્રીય મહિલા આયોગ અને લેબર કમિશન સમક્ષ ફરિયાદ પણ કરી હતી. એ પછી રાષ્ટ્રીય મહિલા આયોગે કંપનીને નોટિસ મોકલીને કંપનીનો જવાબ માગ્યો હતો. આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે.
આપણા દેશમાં મેટરનિટી બેનિફિટ એક્ટ - 1961 અંતર્ગત કોઈ મહિલાને મેટરનિટી લીવને મુદ્દે નોકરીમાંથી કાઢી મૂકવી એ ગેરકાનૂની છે. મેટરનિટી બેનિફિટ એક્ટ કોઈ પણ મહિલાને 26 સપ્તાહની પેઈડ લીવ એટલે (પગાર સહિતની રજા) આપે છે અને તેને નોકરીમાં બરતરફ કરવા સામે રક્ષણ આપે છે. કોઈ કંપની પોતાના કર્મચારીને મેટરનિટી લીવને મુદ્દે નોકરીમાંથી કાઢી મૂકે તો સંબંધિત અધિકારીએ દંડ અને જેલની સજા સહિતની કાનૂની સજા ભોગવવી પડે. તે કોઈ મહિલા કર્મચારીને કાઢી મૂકવાની ધમકી આપે તો પણ તેણે કાનૂની પગલાંનો સામનો કરવો પડે.
આશા રાખીએ કે બોમ્બે હાઈકોર્ટના આદરણીય ન્યાયમૂર્તિઓએ ડૉક્ટર મીનાક્ષી મુથૈયાને અન્યાયને મુદ્દે મહારાષ્ટ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓની સંવેદનહીનતાની જે રીતે ઝાટકણી કાઢી છે એના પરથી સરકારી અને ખાનગી કંપનીઓના જડ અને દુષ્ટ અધિકારીઓ બોધપાઠ લેશે અને મહિલાઓને મેટરનિટી લીવને મુદ્દે હેરાન કરતાં અગાઉ વિચારશે.
Read Original Article →