મેનેજમેન્ટની ABCD:ટીમ ડેવલપમેન્ટ

Magazine5/13/2026, 12:35:00 AM
બી.એન. દસ્તુર સંસ્થાના વિવિધ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે વિવિધ ટીમો બનાવવાની જરૂરિયાત સૌ કોઈ સ્વીકારે છે. છતાં અકસર અનુભવ્યું છે કે ટીમ જે પાંચ તબક્કાઓમાંથી પસાર થાય છે એની ગતાગમ ઘણાને પડતી નથી. પહેલે દિવસથી જ ટીમ એનો કરિશ્મા બતાવી શકતી નથી. પ્રેગ્નન્સી અને ડિલિવરી વચ્ચે વિવિધ માઈલસ્ટોન્સ હોય છે. ફોર્મિંગ : પ્રથમ તબક્કામાં ટીમનું ગઠન થાય છે. સભ્યો એકબીજાને ઓળખવાના પ્રયત્નો કરે છે. સૌ કોઈ ટીમના સભ્ય બનવાના ફાયદા-ગેરફાયદાનો વિચાર કરે છે. ટીમનું સભ્યપદ પોતાની અંગત કારકિર્દી ઉપર શી અસર કરશે એનો તાગ મેળવવાના પ્રયાસો થતા રહે છે. પણ ટીમના સભ્યોની પસંદગી ખૂબ જ સતર્કતાથી કરવામાં આવી હોય તો ચિંતા ઘટે છે અને ટીમ એને સોંપવામાં આવેલી જવાબદારી અદા કરવા તૈયાર અને તત્પર બને છે. સ્ટૉર્મિંગ : આ તબક્કામાં સભ્યો એમને મનપસંદ રોલ મેળવવા, લીડરશિપ મેળવવા, જવાબદારી મેળવવા મથે છે. દરેક સભ્ય ટીમના લક્ષ્યાંકો પોતાની ફ્રેમ ઓફ રેફરન્સથી જુએ છે. કોણે, શું, કઈ રીતે કરવું એ ઓછેવત્તે અંશે નક્કી થવા માંડે છે. અનુભવી લીડર આ તબક્કામાં સભ્યોને એમના રોલ સમજાય છે, લક્ષ્યાંકની દિશા અને ઝડપ નક્કી કરે છે, માહિતીની આપ-લે કરે છે, તાલમેલ વધારે છે. સભ્યો એકબીજાને ઓળખવાના પ્રયત્નો કરે છે અને પરિણામે કોમ્યુનિકેશન વધારે અસરકારક બને છે. નોર્મિંગ : હવે સભ્યોમાં સાથ, સહકાર, મદદની ભાવના વધે છે. દરેકને એકબીજાની તાકાત અને નબળાઈઓનો અહેસાસ થાય છે. પોતાનો અંગત અને ખાનગી એજન્ડા હોલ્ડ ઉપર રાખી, સભ્યો તેમની સામુહિક જવાબદારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. અનુભવી અને અસરકારક લીડર, આ તબક્કાની અસરકારકતા વધારે છે. સભ્યોને ટીમનો હેતુ સમજાવે છે, જરૂરી સત્તાઓ વધારે છે. પરફોર્મિંગ : આ તબક્કામાં ટીમના સભ્યો બાંય ચડાવી એમને સોંપવામાં આવેલી જવાબદારી અદા કરે છે. લીડરે એવો માહોલ બનાવવાનો છે જ્યાં દરેક સભ્યની આવડત, પ્રતિભા, એનું જ્ઞાન, એના અનુભવનો મહત્તમ ઉપયોગ કરી શકાય. સૌને જરૂરી રિસોર્સ મળે, રિસોર્સ વાપરવાની તાલીમ મળે. નક્કી કરેલી દિશામાં, કેટલી ઝડપે, કેટલા સમયમાં, કોની મદદથી ક્યાં પહોંચવાનું છે તેની ખબર દરેક સભ્યને હોવાથી ટીમ એના લક્ષ્યાંક તરફ આગળ વધે છે. એડજર્નિંગ : અમુક કામ માટે બનાવવામાં આવેલી ટીમ, કામ પૂરું થતાં વિખેરાઈ જાય છે. આજના માહોલમાં, દરેક નોલેજ વર્કર એની કારકિર્દી પ્રત્યે ખૂબ જ સભાન અને સતર્ક હોય છે. ટીમના સભ્ય બનવાથી એની કારકિર્દીની સફરને બ્રેક લાગી રહી છે એવો અહેસાસ થતાં, એ ટીમ છોડી જાય છે. દરેક ટીમ આ તબક્કાઓમાંથી પસાર થશે જ એની કોઈ ખાતરી હોતી નથી. એવું અનુભવ્યું છે કે ટીમની અસરકારકતા વધારવા, ઝડપથી પરફોર્મ ઉપર પહોંચવા, ટીમને નાની રાખવામાં સમજદારી છે. જરૂર મુજબ પાછળથી, યોગ્યતાના આધારે વધારે સભ્યોની ભરતી કરી શકાય. બુધવારનો બોધ પોતે ક્યાં છે એની જેને પડી નથી, એ હંમેશાં સાચી જગ્યાએ છે.
Read Original Article →